Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

આમોસ 3 - પવિત્ર બાઇબલ C.L.

1 હે ઇઝરાયલના લોકો, તમારી આખી પ્રજાને ઇજિપ્તમાંથી મુક્ત કરનાર પ્રભુ તરફથી તમારી વિરુદ્ધનો સંદેશો સાંભળો.

2 પ્રભુ કહે છે, “પૃથ્વીની બધી પ્રજાઓમાંથી મેં માત્ર તમને જ પસંદ કરીને અપનાવ્યા છે. એ માટે હું તમને તમારાં સર્વ પાપની સજા કરીશ.”


સંદેશવાહકનું કાર્ય

3 અગાઉથી નક્કી કર્યા વિના શું બે જણ સાથે પ્રવાસ કરી શકે?

4 શિકાર મળ્યો ન હોય તે સિવાય સિંહ વનમાં ગર્જના કરે? કંઈક શિકાર પકડાયો ન હોય તે વગર સિંહનું બચ્ચું બોડમાં ધૂરકે?

5 છટકિયું ગોઠવ્યા સિવાય પક્ષી તેમાં સપડાય ખરું? કંઈપણ શિકાર પકડાયા વિના છટકિયાની કળ ઊછળે ખરી?

6 શહેરમાં રણભેરી વાગે અને લોકો ભયભીત ન થાય એવું બને ખરું? પ્રભુના મોકલ્યા વિના કોઈ નગર પર આપત્તિ આવી પડે ખરી?

7 સાચે જ, પોતાના સેવકો સંદેશવાહકો સમક્ષ પોતાની રહસ્યમય યોજના પ્રગટ કર્યા વગર પ્રભુ પરમેશ્વર કંઈ જ કરતા નથી.

8 સિંહ ગર્જના કરે ત્યારે લોકોને ભય ન લાગે? પ્રભુ પરમેશ્વર કંઈક કહે ત્યારે તેમનો સંદેશ પ્રગટ કરવાનું કોણ ટાળી શકે?


સમરૂનનું પતન

9 આશ્દોદ તથા ઇજિપ્તના મહેલમાં વસનારાઓને જાહેર કરો: તમે સમરૂનના પર્વતો પાસે એકઠા થાઓ અને શહેરમાં પ્રવર્તતી ભારે અરાજક્તા અને થતા ગુના જુઓ.

10 પ્રભુ કહે છે: “તેમણે ગુનાખોરી અને હિંસાથી લૂંટેલી વસ્તુઓથી પોતાના મહેલો ભરી દીધા છે. તેઓ પ્રામાણિકપણે વર્તવાનું તો જાણતા જ નથી.”

11 તેથી પ્રભુ પરમેશ્વર કહે છે: “એ માટે દુશ્મન તેમના દેશને ઘેરી લેશે, તેમના કોટનો નાશ કરશે અને તેમના મહેલો લૂંટી લેશે.”

12 વળી પ્રભુ કહે છે: “સિંહનાં મોંમાંથી ભરવાડ ભક્ષ થયેલા ઘેટાના બે પગ અને કાનનો ટુકડો પડાવી લે તેમ અત્યારે સમરૂનમાં વૈભવી પલંગોમાં એશઆરામ કરતા ઇઝરાયલી લોકોમાંથી થોડાનો જ બચાવ થશે.”

13 તેથી સર્વસત્તાધીશ પ્રભુ પરમેશ્વર કહે છે: “તો હવે તમે એ સાંભળીને યાકોબના વંશજોને ચેતવો.

14 કારણ, જે દિવસે હું ઇઝરાયલના લોકોને તેમનાં પાપની સજા કરીશ તે દિવસે જ હું બેથેલની વેદીઓ તોડી પાડીશ. પ્રત્યેક વેદીનાં શિંગો તોડી નાખવામાં આવશે અને વેદીને જમીનદોસ્ત કરી દેવાશે.

15 હું શિયાળાના મહેલો અને ઉનાળાના મહેલોનો નાશ કરીશ. હાથીદાંતજડિત મહેલો ખંડિયેર થઈ જશે અને એકેએક મોટા ઘરનો નાશ થશે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan