Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

આમોસ 2 - પવિત્ર બાઇબલ C.L.


મોઆબ

1 પ્રભુ કહે છે: “મોઆબના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેમણે અદોમના રાજાનાં હાડકાંય બાળીને ભસ્મીભૂત કરી નાખ્યાં.

2 એ માટે હું મોઆબ દેશ પર અગ્નિ વરસાવીશ અને કરીઓથના કિલ્લા બાળી નાખીશ. યુદ્ધમાં સૈનિકોના હોકારા વચ્ચે અને રણશિંગડાંના નાદ મધ્યે મોઆબના લોકો માર્યા જશે.

3 હું મોઆબના શાસકોનો અને તેના બધા આગેવાનોનો સંહાર કરીશ.”


યહૂદિયા

4 પ્રભુ કહે છે: “યહૂદિયાના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેમણે મારા નિયમશાસ્ત્રનો અનાદર કર્યો છે અને મારા વિધિઓ પાળ્યા નથી. તેમના પૂર્વજોની જેમ તેઓ પણ જૂઠા દેવોની પાછળ ભટકી ગયા છે.

5 તેથી હું યહૂદિયા પર અગ્નિ વરસાવીશ અને યરુશાલેમના કિલ્લા ભસ્મ કરી નાખીશ.”


ઇઝરાયલ

6 પ્રભુ કહે છે: “ઇઝરાયલના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેમણે રૂપાને માટે પ્રામાણિક માણસોને અને એક જોડ ચંપલ માટે ગરીબોને ગુલામ તરીકે વેચી દીધા છે.

7 તેઓ નિર્બળ અને નિરાધારોનાં માથાં ધરતીની ધૂળમાં રગદોળે છે અને દીનોને તેમના માર્ગમાંથી હડસેલી મૂકે છે. પિતા અને પુત્ર મંદિરની એક જ દેવદાસી સાથે જાતીય સંબંધ કરીને મારા પવિત્ર નામને કલંક લગાડે છે.

8 તેઓમાંનો પ્રત્યેક દેવા સામે બાનારૂપે લીધેલા વસ્ત્ર પર વેદીની પાસે જ સૂઈ જાય છે અને દંડનીય વ્યાજમાંથી ખરીદેલો દ્રાક્ષાસવ પોતાના દેવના મંદિરમાં પીએ છે.

9 “તેમ છતાં, મેં ગંધતરુ જેવા ઊંચા અને ઓકવૃક્ષ જેવા મજબૂત અમોરીઓનો તેમની આગળથી નાશ કર્યો. મેં ટોચ પરથી તેમનાં ફળનો અને તળિયેથી તેમના મૂળનો સદંતર નાશ કર્યો.

10 હે મારી પ્રજા, મેં તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા. ચાલીસ વર્ષ તમને અરણ્યમાં દોર્યા અને અમોરીઓનો દેશ તમને વતન તરીકે આપ્યો.

11 તમારા પુત્રોમાંથી કેટલાકને મેં સંદેશવાહકો અને કેટલાકને નાઝારી તરીકે પસંદ કર્યા. હે ઇઝરાયલી લોકો, શું એ સાચું નથી? હું પ્રભુ એ બોલ્યો છું.

12 પરંતુ તમે નાઝારીઓને દ્રાક્ષાસવ પાયો અને સંદેશવાહકોને મારો સંદેશ જાહેર કરવાની મના ફરમાવી.

13 તેથી અનાજથી ભરેલું ગાડું કચડી નાખે તેમ હું તેમને કચડી નાખીશ.

14 દોડવીરો છટકી શકશે નહિ અને બળવાનો બળનો ઉપયોગ કરી શકશે નહિ કે યોદ્ધાઓ પોતાની જિંદગી બચાવી શકશે નહિ.

15 ધનુર્ધારીઓ પણ ટકી શકશે નહિ; ગમે તેટલી ઝડપથી દોડે તો ય કોઈ છટકી શકશે નહિ. ઘોડેસ્વારો બચી જશે નહિ.

16 તે દિવસે સૌથી શૂરવીર યોદ્ધો પણ હથિયાર હેઠાં મૂકી નાસી છૂટશે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan