Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પ્રે.કૃ. 8 - પવિત્ર બાઇબલ C.L.


મંડળીની સતાવણી

1 એ જ દિવસથી યરુશાલેમમાંની મંડળીની આકરી સતાવણી શરૂ થઈ ગઈ. પ્રેષિતો સિવાય બધા વિશ્વાસીઓ યહૂદિયા અને સમરૂનના પ્રાંતોમાં વિખેરાઈ ગયા.

2 કેટલાક ભાવિક માણસોએ ભારે રુદન અને શોક સાથે સ્તેફનને દફનાવ્યો.

3 પણ શાઉલે મંડળીનો નાશ કરવા પ્રયાસ કર્યો. ઘેરઘેર ફરીને તેણે વિશ્વાસી સ્ત્રીપુરુષોને ઢસડી લાવીને જેલમાં નાખ્યાં.


મંડળીની વૃદ્ધિ

4 વિખેરાઈ ગયેલા વિશ્વાસીઓએ બધી જગ્યાઓએ જઈને શુભસંદેશનો પ્રચાર કર્યો.

5 ફિલિપ સમરૂનના એક શહેરમાં ગયો અને ત્યાં લોકોને ખ્રિસ્ત સંબંધી ઉપદેશ કર્યો.

6 લોકોનાં ટોળાં ફિલિપનું ખૂબ જ ધ્યનથી સાંભળતાં હતાં. બધાએ તેનું સાંભળ્યું અને તેણે કરેલા ચમત્કારો જોયા.

7 દુષ્ટાત્માઓ ચીસ પાડતા પાડતા ઘણા લોકોમાંથી નીકળી જતા; ઘણા લકવાવાળા અને લંગડા લોકો પણ સાજા કરાતા હતા.

8 તેથી એ શહેરમાં આનંદ આનંદ થઈ રહ્યો.

9 એ શહેરમાં સિમોન નામે એક માણસ રહેતો હતો. તેણે કેટલાક સમયથી પોતાની જાદુવિદ્યાથી સમરૂનીઓને છક કરી દીધા હતા. તે પોતે કોઈક મહાન વ્યક્તિ હોવાનો દાવો કરતો હતો.

10 અને બધા લોકો તેનું સાંભળતા. તેઓ કહેતા, “સિમોન તો ‘મહાશક્તિ’ તરીકે ઓળખાતા દેવનો અવતાર છે.”

11 તેણે પોતાની જાદુવિદ્યાથી ઘણા લાંબા સમયથી લોકોને છક કરી દીધા હોવાથી તેઓ યાનપૂર્વક તેનું સાંભળતા.

12 પણ ફિલિપ તરફથી ઈશ્વરના રાજનો શુભસંદેશ સાંભળીને સ્ત્રીપુરુષોએ ઈસુ ખ્રિસ્તના નામ પર વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યાં.

13 સિમોને પણ વિશ્વાસ કર્યો, અને ફિલિપની સાથે રહ્યો. જે મહાન ચમત્કારો અને અદ્‍ભુત કાર્યો કરવામાં આવતાં હતાં તે જોઈને તે આશ્ર્વર્યચકિત થઈ ગયો.

14 સમરૂનના લોકોએ ઈશ્વરનો સંદેશ સ્વીકાર્યો છે એ વિષે યરુશાલેમમાં પ્રેષિતોએ સાંભળ્યું; તેથી તેમણે તેમની પાસે પિતર અને યોહાનને મોકલ્યા.

15 તેમણે આવીને વિશ્વાસીઓને પવિત્ર આત્મા મળે તે માટે પ્રાર્થના કરી.

16 કારણ, હજી સુધી તેમનામાંના કોઈને પવિત્ર આત્મા મળ્યો ન હતો; માત્ર ઈસુના નામમાં તેમનું બાપ્તિસ્મા થયું હતું.

17 પછી પિતર અને યોહાને તેમના પર પોતાના હાથ મૂક્યા એટલે તેઓ પવિત્ર આત્મા પામ્યા.

18 પ્રેષિતોના હાથ મૂકવાથી પવિત્ર આત્મા પ્રાપ્ત થાય છે એ સિમોને જોયું. તેથી તે પિતર તથા યોહાનને પૈસા આપવા લાગ્યો અને કહ્યું,

19 “મને પણ એ શક્તિ આપો, જેથી હું જેના પર હાથ મૂકું તેને પવિત્ર આત્મા પ્રાપ્ત થાય.”

20 પણ પિતરે જવાબ આપ્યો, “તું અને તારા પૈસા જાય જહન્‍નમમાં! ઈશ્વરની ભેટને તું પૈસાથી ખરીદવાનો વિચાર કરે છે?

21 ઈશ્વરની દૃષ્ટિમાં તારું હૃદય ચોખ્ખું નહિ હોવાથી અમારા કાર્યમાં તારે કંઈ લાગભાગ નથી.

22 તેથી તારો આ દુષ્ટ વિચાર તજી દે, અને પ્રાર્થના કર કે પ્રભુ તને એવા વિચારની ક્ષમા આપે.

23 કારણ, હું જોઉં છું કે તું અદેખાઈથી ભરેલો અને પાપનો કેદી છે.”

24 સિમોન જાદુગરે પિતર તથા યોહાનને કહ્યું, “મારે માટે પ્રાર્થના કરો કે તમે કહેલું કંઈ અનિષ્ટ મારા પર આવી પડે નહિ.”

25 ત્યાં સાક્ષી આપ્યા પછી અને પ્રભુનો સંદેશ સંભળાવ્યા પછી પિતર અને યોહાન યરુશાલેમ પાછા આવ્યા. રસ્તે જતાં જતાં તેમણે સમરૂનનાં ઘણાં ગામોમાં શુભસંદેશનો પ્રચાર કર્યો.


ફિલિપ અને ઈથિયોપિયાનો અધિકારી

26 પ્રભુના દૂતે ફિલિપને કહ્યું, “ઊઠ, તૈયાર થઈને દક્ષિણ દિશામાં યરુશાલેમથી ગાઝા જવાના રસ્તા પર જા.” (આ રસ્તો રણમાં થઈને જાય છે.)

27 તેથી ફિલિપ ઊઠીને ગયો. ઈથિયોપિયાની રાણી ક્ંડાકેના ખજાનાનો ઉપરી અધિકારી પોતાને ઘેર જતો હતો. તે યરુશાલેમમાં ઈશ્વરનું ભજન કરવા ગયો હતો,

28 અને પોતાના રથમાં પાછો ફરી રહ્યો હતો. તે તેમાં બેસીને જતો હતો તે વખતે સંદેશવાહક યશાયાના પુસ્તકમાંથી તે વાંચતો હતો.

29 પવિત્ર આત્માએ ફિલિપને કહ્યું, “જા, એ રથની સાથે દોડ.”

30 ફિલિપ દોડવા લાગ્યો અને અધિકારીને સંદેશવાહક યશાયાના પુસ્તકમાંથી વાંચતો સાંભળીને પૂછયું, “તમે જે વાંચો છો, તે સમજો છો?”

31 અધિકારીએ જવાબ આપ્યો, “મને કોઈ સમજાવે તે વિના હું કેવી રીતે સમજી શકું?” તેણે ફિલિપને પોતાની સાથે રથમાં બેસવા આમંત્રણ આપ્યું.

32 આ શાસ્ત્રભાગ તે વાંચી રહ્યો હતો: “તે તો ક્તલ કરવા માટે લઈ જવામાં આવતા ઘેટા જેવો હતો; જેમ ઘેટું તેનું ઊન કાતરતી વખતે શાંત રહે છે તેના જેવો તે હતો; તે એક પણ શબ્દ બોલ્યો નહિ.

33 તેનું અપમાન કરવામાં આવ્યું, અને તેને ન્યાય મળ્યો નહિ. તેના વંશજો અંગે કોઈ કહી શકશે નહિ. કારણ, પૃથ્વી પરના તેના જીવનનો અંત આવી ગયો.”

34 અધિકારીએ ફિલિપને પૂછયું, “સંદેશવાહક આ બધું કોને વિષે કહે છે? પોતાને વિષે કે બીજા કોઈને વિષે?”

35 ફિલિપે બોલવાનું શરૂ કર્યું. આ શાસ્ત્રભાગથી જ શરૂઆત કરીને તેણે તેને ઈસુ વિષેનો શુભસંદેશ જણાવ્યો.

36 તેઓ રસ્તે ચાલ્યા જતા હતા ત્યારે તેઓ એક જગ્યાએ આવ્યા, જ્યાં પાણી હતું. અધિકારીએ કહ્યું, “અહીં પાણી છે, તો પછી હું બાપ્તિસ્મા લઉં તેમાં શો વાંધો છે?”

37 ચફિલિપે તેને કહ્યું, “જો તમે તમારા પૂરા દયથી વિશ્વાસ કરો છો, તો તમારું બાપ્તિસ્મા કરી શકાય.” તેણે જવાબ આપ્યો, “હા, હું વિશ્વાસ કરું છું કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરપુત્ર છે.”

38 અધિકારીએ રથ ઊભો રાખવા હુકમ કર્યો; અને ફિલિપ તથા અધિકારી બન્‍ને પાણીમાં ઊતર્યા અને ફિલિપે તેનું બાપ્તિસ્મા કર્યુ.

39 તેઓ પાણીમાંથી બહાર આવ્યા એટલે પ્રભુનો આત્મા ફિલિપને ત્યાંથી લઈ ગયો. અધિકારીએ તેને ફરીથી જોયો નહિ, પણ તે આનંદ કરતો કરતો તેને માર્ગે આગળ વધ્યો.

40 ફિલિપે જાણ્યું કે તેને આશ્દોદમાં લાવવામાં આવ્યો છે. તે કાઈસારિયા આવ્યો ત્યાં સુધી તે બધાં નગરોમાં શુભસંદેશનો પ્રચાર કરતો ગયો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan