Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પ્રે.કૃ. 6 - પવિત્ર બાઇબલ C.L.


સાત સેવકોની પસંદગી

1 શિષ્યોની સંખ્યા વધતી જતી હતી. કેટલાક સમય પછી ગ્રીક યહૂદીઓએ હિબ્રૂ યહૂદીઓની વિરુદ્ધ બડબડાટ કર્યો. ગ્રીક યહૂદીઓએ કહ્યું કે રોજિંદી વહેંચણીમાં અમારી વિધવાઓ તરફ દુર્લક્ષ સેવવામાં આવે છે.

2 તેથી બાર પ્રેષિતોએ સર્વ વિશ્વાસીઓને એકત્રિત કરીને કહ્યું, “ભોજન વ્યવસ્થા કરવા માટે અમે ઈશ્વરનાં વચનનો બોધ કરવા તરફ દુર્લક્ષ સેવીએ એ અમારે માટે યોગ્ય નથી.

3 તેથી ભાઈઓ, તમે પવિત્ર આત્માથી અને જ્ઞાનથી ભરપૂર હોય એવા સાત સેવકો તમારામાંથી પસંદ કરો. અમે તેમને એ જવાબદારી સોંપીશું.

4 પણ અમે જાતે તો અમારો પૂરો સમય પ્રાર્થનામાં અને ઈશ્વરના સંદેશના સેવાકાર્યમાં ગાળીશું.”

5 પ્રેષિતોની દરખાસ્ત બધાને ગમી ગઈ. તેથી તેમણે સ્તેફન, જે વિશ્વાસથી અને પવિત્ર આત્માથી ભરપૂર હતો તેને, ફિલિપ, પ્રોખરસ, નિકાનોર, તિમોન, પારમીનાસ અને બિનયહૂદીઓમાંથી યહૂદી બનેલા અને અંત્યોખમાંથી આવેલ નિકોલસને પસંદ કર્યા.

6 શિષ્યોએ તેમને પ્રેષિતો સમક્ષ રજૂ કર્યા, એટલે પ્રેષિતોએ પ્રાર્થના કરીને અને તેમના પર હાથ મૂકીને તેમને સ્વીકાર્યા.

7 પ્રભુના સંદેશનો પ્રચાર વધતો રહ્યો. યરુશાલેમમાં શિષ્યોની સંખ્યા વધતી જ ગઈ અને ઘણી મોટી સંખ્યામાં યજ્ઞકારોએ પણ શુભસંદેશનો સ્વીકાર કર્યો.


સ્તેફનની ધરપકડ

8 સ્તેફનને ઈશ્વરે પુષ્કળ આશિષ આપી હતી. તે સામર્થ્યથી ભરપૂર માણસ હતો. તેણે લોકો મયે મહાન ચમત્કારો અને અદ્‍ભુત કાર્યો કર્યાં.

9 પણ તેમાં “મુક્તજનોના ભજનસ્થાન” તરીકે ઓળખાતા ભજનસ્થાનના સભ્યો હતા; જેમાં કુરેની, એલેકઝાન્ડ્રિયા તેમજ કીલિકીયા અને આસિયામાંથી આવેલા યહૂદીઓ હતા. તેમણે સ્તેફન સાથે વાદવિવાદ કર્યો.

10 પણ પવિત્ર આત્માએ સ્તેફનને એવું જ્ઞાન આપ્યું કે તેઓ તેની સામે ટકી શક્યા નહિ.

11 તેથી “અમે તેને મોશે અને ઈશ્વર વિરુદ્ધ બોલતો સાંભળ્યો છે,” એવું કહેવા તેમણે કેટલાક માણસોને લાંચ આપી.

12 એ રીતે તેમણે લોકોને, આગેવાનોને અને નિયમશાસ્ત્રના શિક્ષકોને ઉશ્કેર્યા. તેઓ સ્તેફન તરફ ધસી ગયા અને તેને પકડીને ન્યાયસભા સમક્ષ લઈ ગયા.

13 પછી તેઓ કેટલાક માણસોને તેની વિરુદ્ધ જુઠ્ઠું બોલવા અંદર લાવ્યા.

14 તેમણે કહ્યું, “આ માણસ હંમેશાં આપણા પવિત્ર મંદિર વિરુદ્ધ તથા મોશેના નિયમશાસ્ત્ર વિરુદ્ધ બોલે છે. અમે તેને એમ કહેતાં સાંભળ્યો છે કે નાઝારેથનો ઈસુ મંદિરને પાડી નાખશે અને મોશે પાસેથી ઊતરી આવેલા આપણા બધા રીતરિવાજોને બદલી નાખશે.”

15 ન્યાયસભામાં બેઠેલા બધા લોકો સ્તેફન તરફ તાકી રહ્યા અને તેમણે તેનો ચહેરો દૂતના ચહેરા જેવો થયેલો જોયો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan