પ્રે.કૃ. 28 - પવિત્ર બાઇબલ C.L.માલ્ટામાં પાઉલ 1 કિનારે સલામત પહોંચ્યા પછી અમને ખબર પડી કે એ તો માલ્ટા ટાપુ હતો. 2 ત્યાંના વતનીઓ અમારી સાથે માયાળુપણે વર્ત્યા. વરસાદ વરસવો શરૂ થઈ ગયો હતો અને ઠંડી હતી, તેથી તેમણે તાપણું સળગાવીને અમારા બધાનો મિત્રભાવે સત્કાર કર્યો. 3 પાઉલ લાકડાંની ભારી એકઠી કરી અગ્નિ પર મૂક્તો હતો. ત્યારે ગરમીને કારણે એક સાપ નીકળી આવ્યો અને તેના હાથે વીંટળાયો. 4 ટાપુના વતનીઓ પાઉલના હાથ પર સાપ વીંટળાયેલો જોઈને એકબીજાને કહેવા લાગ્યા, “આ માણસ ખૂની હોવો જોઈએ; તે સમુદ્રમાંથી તો બચી ગયો પણ તેનું નસીબ એને જીવવા નહિ દે.” 5 પણ પાઉલે કોઈપણ પ્રકારની ઇજા પામ્યા વગર સાપને ઝાટકો મારી અગ્નિમાં ફેંકી દીધો. 6 પાઉલને હમણાં સોજો ચડશે અથવા તો એકાએક પડીને મરી જશે એની તેઓ રાહ જોતા હતા. પણ લાંબો સમય રાહ જોયા પછી અને તેને કંઈ અસાધારણ અસર નહિ થવાથી તેમનો વિચાર બદલાયો અને તેમણે કહ્યું, “એ તો દેવ લાગે છે!” 7 ત્યાંથી થોડેક દૂર ટાપુના સરપંચ પબ્લિયસનાં કેટલાંક ખેતરો હતાં. તેણે અમને ઉમળક્ભેર આવકાર આપ્યો અને અમે ત્રણ દિવસ તેને ત્યાં મહેમાન તરીકે રહ્યા. 8 પબ્લિયસનો પિતા તાવ અને મરડાથી પથારીવશ હતો. પાઉલે તેની ઓરડીમાં જઈને પ્રાર્થના કરી અને પોતાના હાથ તેના પર મૂકીને તેને સાજો કર્યો. 9 એવું થયા પછી ટાપુ પરના બીજા બીમાર માણસો પણ આવ્યા અને તેમને સાજા કરવામાં આવ્યા. 10 તેમણે અમને ઘણી ભેટો આપી, અને જ્યારે અમે વહાણમાં બેઠા ત્યારે મુસાફરીને માટે જરૂરી વસ્તુઓ તેમણે વહાણમાં મૂકી. માલ્ટાથી રોમ. 11 એલેકઝાન્ડ્રિયાનું “જોડકા દેવો” મૂર્તિવાળું એક વહાણ શિયાળો ગાળવાને તે ટાપુ પર રોકાયું હતું. અમે ત્રણ મહિના પછી તેમાં બેસીને ઊપડયા. 12 અમે સિરાકુસ નામના શહેરમાં આવી પહોંચ્યા અને ત્યાં ત્રણ દિવસ રહ્યા. 13 ત્યાંથી અમે વહાણમાં મુસાફરી કરીને રેગિયમ નામના શહેરમાં આવ્યા. બીજે દિવસે દક્ષિણમાંથી પવન ફુંકાવા લાગ્યો, અને બે જ દિવસમાં અમે પુતૌલી નગરમાં આવ્યા. 14 ત્યાં અમને થોડાક વિશ્વાસીઓ મળ્યા. તેમણે અમને તેમની સાથે એકાદ અઠવાડિયું રહેવા કહ્યું. એ રીતે અમે રોમ પહોંચ્યા. 15 વિશ્વાસી ભાઈઓએ અમારે વિષે સાંભળ્યું એટલે છેક ‘આપ્પિયસનું બજાર’ તેમ જ ‘ત્રણ ધર્મશાળા’ નામનાં સ્થળો સુધી અમને સામા મળવા આવ્યા. પાઉલે તેમને જોયા ત્યારે તેણે ઈશ્વરનો આભાર માન્યો અને તેનામાં હિંમત આવી. રોમમાં પાઉલ 16 અમે રોમમાં આવી પહોંચ્યા એટલે પાઉલને એક સૈનિકના પહેરા નીચે સ્વતંત્ર રહેવા દેવામાં આવ્યો. 17 ત્રણ દિવસ પછી પાઉલે સ્થાનિક યહૂદી આગેવાનોની એક સભા બોલાવી. તેઓ એકઠા થયા એટલે તેણે તેમને કહ્યું, “મારા ભાઈઓ! જોકે મેં આપણા લોકો અથવા આપણા પૂર્વજો પાસેથી ઊતરી આવેલા રીતરિવાજો વિરુદ્ધ કંઈ કર્યું ન હતું તોપણ મને યરુશાલેમમાં કેદ કરવામાં આવ્યો અને રોમનોના હાથમાં સોંપી દેવામાં આવ્યો. 18 તેમણે મને પ્રશ્ર્નો પૂછયા અને મને મુક્ત કરવા તૈયાર હતા, કારણ, મને મોતની સજા થાય તેવો કોઈ ગુનો મેં કર્યો ન હતો. 19 પણ જ્યારે યહૂદીઓએ એનો વિરોધ કર્યો, ત્યારે મારે મારા લોકની વિરુદ્ધ કોઈ આરોપ મૂકવાનો ન હોવા છતાં મારે સમ્રાટ પાસે અપીલ કરવી પડી. 20 એટલા જ માટે હું તમને મળવા તેમ જ તમારી સાથે વાત કરવા માગતો હતો; કારણ, ઇઝરાયલી લોકો જેમની આશા સેવે છે તેમને લીધે જ મારા હાથ પર આ સાંકળો છે.” 21 તેમણે કહ્યું, “તારે વિષે યહૂદિયામાંથી અમને કોઈ પત્ર મળ્યો નથી અથવા ત્યાંથી સમાચાર લઈને અથવા તારી વિરુદ્ધ કહેવાને આપણામાંનો કોઈ ભાઈ ત્યાંથી આવ્યો નથી. 22 પણ અમે તારી વિચારસરણી જાણવા માગીએ છીએ. કારણ, તું જે પંથનો છે તે પંથની વિરુદ્ધ લોકો બધી જગ્યાએ બોલે છે.” 23 તેથી તેમણે પાઉલની સાથે એક દિવસ નક્કી કર્યો અને તે દિવસે તેઓ મોટી સંખ્યામાં પાઉલના નિવાસસ્થાને આવ્યા. તેણે સવારથી સાંજ સુધી તેમને સમજાવ્યું અને ઈશ્વરના રાજ વિષેનો સંદેશો આપ્યો. મોશેના નિયમશાસ્ત્રમાંથી તેમ જ સંદેશવાહકોનાં લખાણોમાંથી ઈસુ વિષેનાં કથનો ટાંકીને તેણે તેમને ખાતરી કરાવવાનો પ્રયત્ન કર્યો. 24 તેમનામાંના કેટલાક તેનાં વચનોથી ખાતરી પામ્યા, પણ બીજાઓએ વિશ્વાસ કર્યો નહિ. 25 પછી તેઓ અંદરોઅંદર સહમત નહિ થતાં જતા રહ્યા, પણ તેઓ જતા હતા ત્યારે પાઉલે તેમને કહ્યું, “પવિત્ર આત્માએ સંદેશવાહક યશાયા દ્વારા તમારા પૂર્વજોને કેટલું સચોટ કહ્યું હતું! 26 “કારણ, તેણે કહ્યું, ‘જઈને આ લોકોને કહે, તમે સાંભળ્યા જ કરશો, પણ સમજશો નહિ; તમે જોયા જ કરશો, પણ તમને સૂઝશે નહિ. 27 કારણ, આ લોકોનાં મન કઠણ થઈ ગયાં છે, તેમણે પોતાના કાન બંધ કરી દીધા છે, અને તેમણે પોતાની આંખો મીચી દીધી છે. નહિ તો, તેઓ આંખોથી જોઈને, કાનથી સાંભળીને, મનથી સમજીને, મારી તરફ ફરત અને હું તેમને સાજા કરત, એમ પ્રભુ કહે છે.” 28 પાઉલે સાર આપતાં કહ્યું, “તમારે જાણવું જોઈએ કે ઉદ્ધાર વિષેનો ઈશ્વરનો સંદેશો બિનયહૂદીઓને પહોંચાડવામાં આવ્યો છે. તેઓ તો સાંભળશે.” 29 પાઉલે એટલું કહ્યા પછી યહૂદીઓ અંદરોઅંદર ઉગ્ર વિવાદ કરતા કરતા ચાલ્યા ગયા. 30 પાઉલ ભાડાના મકાનમાં બે વર્ષ સુધી રહ્યો, અને તે તેને મળવા આવનાર બધાનો સત્કાર કરતો. 31 પૂરી હિંમત અને કશા અવરોધ વિના તેણે ઈશ્વરના રાજ વિષે પ્રચાર કર્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષે શિક્ષણ આપ્યું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide