પ્રે.કૃ. 27 - પવિત્ર બાઇબલ C.L.રોમ તરફ પ્રયાણ 1 અમારે વહાણમાં બેસી ઇટાલી જવું એવું નક્કી થયું એટલે તેમણે પાઉલ અને બીજા કેટલાક કેદીઓને “સમ્રાટની ટુકડી” નામે ઓળખાતી રોમન લશ્કરી ટુકડીના અધિકારી જુલિયસને સુપરત કર્યા. 2 આસિયા પ્રાંતનાં બંદરોએ થઈને જનારા એક વહાણમાં અમે અદ્રામીટ્ટીમથી મુસાફરી શરૂ કરી. થેસ્સાલોનિકાથી આવેલો મકદોનિયા પ્રદેશનો આરિસ્તાર્ખસ અમારી સાથે હતો. 3 બીજે દિવસે અમે સિદોન આવી પહોંચ્યા. જુલિયસ પાઉલ પ્રત્યે માયાળુ હતો, તેથી તેને જરૂરી વસ્તુ મળે માટે તેણે તેના મિત્રોને મળવા જવા દીધો. 4 ત્યાંથી અમે આગળ ચાલ્યા, અને પવન સામો હોવાથી અમે સાયપ્રસ ટાપુને કિનારે કિનારે વહાણ હંકાર્યું. 5 અમે કિલીકિયા અને પામ્ફુલિયા થઈને સમુદ્ર ઓળંગી લુસિયાના મૂરા બંદરે આવ્યા. 6 ત્યાં અધિકારીને એલેકઝાંડ્રિયાથી આવીને ઇટાલી જતા વહાણની ખબર પડી. તેથી તેણે અમને તેમાં બેસાડયા. 7 ઘણા દિવસો સુધી પવન સામો હોવાથી અમે ધીરે ધીરે હંકારતા રહ્યા અને છેવટે મહા મુશ્કેલીએ કનીદસ નગરની નજીક પહોંચ્યા. પવનને કારણે અમે એ દિશામાં આગળ જઈ શકીએ તેમ ન હતું. તેથી અમે ક્રીત ટાપુને કિનારે કિનારે સાલ્મોનેની ભૂશિર આગળ થઈને વહાણ હંકાર્યું. 8 અમે વહાણ કિનારે કિનારે હંકાર્યું અને મહા મુશ્કેલીએ લાસિયા નજીક આવેલ ‘સલામત બંદર’ નામની જગ્યાએ આવ્યા. 9 અમે ત્યાં લાંબો સમય ગાળ્યો અને ‘પ્રાયશ્ર્વિતનો દિવસ’ વીતી ગયો હતો અને વર્ષના આ ભાગમાં મુસાફરી ચાલુ રાખવી જોખમકારક હતી. તેથી પાઉલે તેમને આવી સલાહ આપી: 10 “ભાઈઓ, મને લાગે છે કે હવે પછી આપણી મુસાફરી વધુ જોખમકારક બનશે; માલસામાન અને વહાણને મોટું નુક્સાન થશે અને આપણા જીવ પણ ગુમાવીશું.” 11 પણ લશ્કરી અધિકારીએ પાઉલનું માન્યું નહિ, પણ વહાણના કપ્તાન અને તેના માલિકનું કહેવું માન્યું. 12 એ બંદર શિયાળો ગાળવા માટે સારું ન હતું, અને તેથી મોટા ભાગના માણસો, શકાય હોય તો, સમુદ્રમાં મુસાફરી કરીને ફોનીક્સ પહોંચવાનો પ્રયત્ન કરવાની તરફેણમાં હતા. ફોનીક્સ તો નૈઋત્ય અને વાયવ્ય દિશાની સામે આવેલું ક્રીતનું બંદર છે, અને તેઓ ત્યાં શિયાળો ગાળી શકે તેમ હતું. સમુદ્રમાં તોફાન 13 દક્ષિણમાંથી મંદ મંદ પવન વાવા લાગ્યો, અને માણસોને લાગ્યું કે તેમની યોજના પાર પડશે: તેથી તેમણે લંગર ઉઠાવ્યું અને વહાણ ક્રીતના કિનારે કિનારે શકાય તેટલે નજીકથી હંકાર્યું. 14 પણ તરત જ ‘ઇશાનિયા પવન’ તરીકે ઓળખાતો સખત પવન ટાપુ પરથી ફુંકાવા લાગ્યો. 15 વહાણ પર તેની સપાટો લાગી, તેથી પવનની સામે વહાણ લઈ જવું એ અશક્ય નીવડયું. તેથી અમે હંકારવાનો પ્રયત્ન મૂકી દીધો, એટલે તે પવનની સાથે ઘસડાવા લાગ્યું. 16 કૌદા નામના નાના ટાપુની દક્ષિણમાં થઈને પસાર થતાં અમને થોડીક રાહત મળી. ત્યાં થોડીક મુશ્કેલીથી અમે વહાણની બચાવની હોડીને સલામત કરી શક્યા. 17 તેને વહાણમાં લઈ લીધી અને પછી થોડાંક દોરડાંથી વહાણ સાથે કચકચાવીને બાંધી દીધી. લિબિયાના કિનારેથી થોડે દૂર રેતીના ભાગમાં તેઓ ખૂંપી જાય એવી તેમને દહેશત હતી; તેથી તેમણે સઢ ઉતારી પાડયો અને વહાણને પવનથી તણાવા દીધું. 18 પ્રચંડ તોફાન ચાલુ રહ્યું. બીજે દિવસે તેમણે વહાણમાંથી સામાન સમુદ્રમાં નાખી દેવા માંડયો, 19 અને પછીના દિવસે તેમણે તેમને પોતાને હાથે વહાણનાં સાધનો ફેંકી દીધા. 20 ઘણા દિવસો સુધી અમે સૂર્ય કે તારાઓ જોઈ શક્યા નહિ, અને પવન સખત રીતે ફુંક્તો રહ્યો. છેવટે, અમે બચવાની બધી આશા મૂકી દીધી. 21 માણસો લાંબા સમય સુધી ભૂખ્યા રહ્યા પછી પાઉલ તેમની સમક્ષ ઊભો થયો અને કહ્યું, “મિત્રો, મારું માનીને તમારે ક્રીતથી વહાણ હંકારવું જોઈતું નહોતું; એમ થયું હોત તો આ બધું નુક્સાન અને ખોટ આપણે નિવારી શક્યા હોત. 22 પણ હવે મારી વિનંતી છે કે હિંમત રાખો! તમારામાંનો કોઈ મરશે નહિ; માત્ર વહાણ ગુમાવવું પડશે. 23 કારણ, જે ઈશ્વરનો હું ભક્ત છું અને જેની સેવા હું કરું છું તેના દૂતે ગઈકાલે રાતે આવીને મને કહ્યું છે, 24 ‘પાઉલ, ગભરાઈશ નહિ! તારે સમ્રાટ સમક્ષ હાજર થવાનું છે; અને ઈશ્વરે પોતાની ભલાઈ પ્રમાણે તારી સાથે મુસાફરી કરનાર બધાનાં જીવન તને આપ્યાં છે.’ 25 તેથી મિત્રો, હિંમત રાખો! કારણ, મેં કહ્યું તેવું જ બનશે એવો મને ઈશ્વરમાં ભરોસો છે. 26 પણ આપણે કોઈક ટાપુ પર ફેંકાઈ જઈશું.” 27 ચૌદમી રાત હતી, અને અમે તોફાનને કારણે ભૂમધ્ય સમુદ્રમાં ઢસડાતા હતા. લગભગ અડધી રાત્રે ખલાસીઓને વહેમ ગયો કે અમે જમીન નજીક હતા. 28 તેથી તેમણે એક દોરી સાથે વજન બાંધીને પાણીમાં નાખી તો ખબર પડી કે પાણી આશરે પચાસ મીટર ઊંડું હતું; થોડે દૂર તેમણે ફરીથી તેમ જ કર્યું, તો આશરે ત્રીસ મીટર થયું. 29 અમારું વહાણ કોઈક ખડકો સાથે અથડાશે એવી તેમને બીક લાગી, તેથી તેમણે વહાણના પાછળના ભાગમાં ચાર લંગર બાંયા અને સવાર થાય તે માટે પ્રાર્થના કરી. 30 ખલાસીઓએ વહાણમાંથી નાસી છૂટવાનો પ્રયત્ન કર્યો; તેમણે પાણીમાં બચાવની હોડી ઉતારી અને વહાણના આગળના ભાગમાં થોડાં લંગર નાખવા જતા હોય તેવો દેખાવ કર્યો. 31 પણ પાઉલે લશ્કરના અધિકારી અને સૈનિકોને કહ્યું, “જો આ ખલાસીઓ વહાણ પર નહિ રહે, તો તમે બચી શકશો નહિ.” 32 તેથી સૈનિકોએ હોડીએ બાંધેલાં દોરડાં કાપી નાખ્યાં અને એને જવા દીધી. 33 સવાર થવાની તૈયારી હતી ત્યારે પાઉલે બધાને થોડું થોડું ખાઈ લેવા આજીજી કરી. “આશરે બે સપ્તાહથી તમે રાહ જોઈ રહ્યા છો અને આ બધા સમય દરમિયાન તમારામાંના કોઈએ કંઈ ખાધું નથી. 34 તો હવે મારી વિનંતી છે કે કંઈક ખાઓ. તમારે બચવા માટે એમ કરવાની જરૂર છે. તમારા માથાનો એક વાળ પણ વાંકો થવાનો નથી.” 35 એમ કહ્યા પછી પાઉલે થોડીક રોટલી લીધી અને બધાની સમક્ષ ઈશ્વરનો આભાર માન્યો અને ભાંગીને ખાવા લાગ્યો. 36 એથી તેમને હિંમત આવી અને બધાએ કંઈક ખાધું. 37 વહાણમાં બધા મળીને અમે બસો છોંતેર માણસો હતા. 38 બધાએ પૂરતું ખાઈ લીધા પછી ઘઉં સમુદ્રમાં ફેંકી દઈને વહાણ હલકું કર્યું. વહાણ ભાંગી ગયું 39 સવાર થયું ત્યારે ખલાસીઓને કિનારાની તો ખબર પડી નહિ, પણ રેતીના ક્ંઠાવાળી એક ખાડી જોઈને શકાય હોય તો વહાણને ત્યાં જમીન પર લઈ જવાનો નિર્ણય કર્યો. 40 તેથી તેમણે લંગર કાપી નાખ્યાં અને તેમને સમુદ્રમાં ડૂબી જવા દીધાં, અને એ જ સમયે સુકાનની સાથે બાંધેલા દોરડાં પણ છોડી નાખ્યાં. પછી તેમણે વહાણની આગળના ભાગમાં સઢ ઊંચો કર્યો જેથી પવનથી વહાણ આગળ ધકેલાય અને જમીન તરફ જાય. 41 પણ વહાણ સમુદ્રમાંના રેતીના ટેકરા સાથે અથડાયું. વહાણનો આગલો ભાગ ખૂંપી ગયો અને આગળ વધી શક્યો નહિ, જ્યારે ભયંકર મોજાંથી પાછલા ભાગના ભાંગીને ટુકડેટુકડા થઈ ગયા. 42 કેદીઓ તરીને કિનારા પર જઈને છટકી ન જાય તેથી સૈનિકોએ તેઓ બધાને મારી નાખવાની યોજના કરી. 43 પણ લશ્કરનો અધિકારી પાઉલને બચાવવા માગતો હોવાથી તેણે તેમને તેમ કરતાં અટકાવ્યા. એને બદલે, તેણે બધા માણસોને હુકમ આપ્યો કે જેમને તરતાં આવડતું હોય તેઓ પ્રથમ વહાણમાંથી કૂદી પડીને કિનારે જતા રહે. 44 અને બાકીના તેમની પાછળ પાટિયાં ઉપર અથવા વહાણના કેટલાક ભાંગી ગયેલા ભાગો પકડીને જાય. એમ અમે બધા સલામત રીતે કિનારે પહોંચી ગયા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide