પ્રે.કૃ. 26 - પવિત્ર બાઇબલ C.L.આગ્રીપા સમક્ષ પાઉલે કરેલો પોતાનો બચાવ 1 આગ્રીપાએ પાઉલને કહ્યું, “હવે તારા બચાવ સંબંધી તું બોલી શકે છે.” પાઉલે પોતાના હાથ પ્રસારીને આ પ્રમાણે બચાવ કર્યો: 2 “હે આગ્રીપા રાજા! યહૂદીઓ મારા પર જે આરોપ મૂકે છે તે અંગે આજે આપની સમક્ષ મારે મારો બચાવ કરવાનો છે તેથી હું પોતાને ભાગ્યશાળી ગણું છું. 3 કારણ, તમે યહૂદી રીતરિવાજો અને વિવાદાસ્પદ બાબતોથી સુપરિચિત છો. તેથી તમે મને ધીરજથી સાંભળશો એવી મારી વિનંતી છે. 4 “હું કિશોરાવસ્થામાં હતો ત્યારથી જ મારા પોતાના પ્રદેશમાં અને યરુશાલેમમાં મેં મારું સમગ્ર જીવન કેવી રીતે ગાળ્યું છે તે બધા યહૂદીઓ શરૂઆતથી જાણે છે. 5 જો તેઓ કબૂલ કરવા તૈયાર હોય, તો તેમને ખબર છે કે મેં શરૂઆતથી જ મારું જીવન અમારા ધર્મના સૌથી રૂઢિચુસ્ત પંથ એટલે ફરોશીપંથના સભ્ય તરીકે ગાળ્યું છે. 6 અને અમારા પૂર્વજોને ઈશ્વરે આપેલા વચનમાં આશા રાખવાને લીધે આજે મારા પર આ કેસ ચાલે છે. 7 એ જ વચન મેળવવા માટે તો ઈશ્વરની રાતદિવસ ભક્તિ કરતાં કરતાં અમારા લોકનાં બારેય કુળ તેની આશા સેવે છે. હે માનવંત રાજા, એ જ આશા રાખવાને લીધે યહૂદીઓ મારા પર આરોપ મૂકે છે. 8 ઈશ્વર મરેલાંઓને સજીવન કરે છે એ વાત માનવાનું તમ યહૂદીઓને અશક્ય કેમ લાગે છે? 9 નાઝારેથના ઈસુના નામની વિરુદ્ધ મારે મારાથી થાય તે બધું કરી છૂટવું જોઈએ એમ હું પોતે માનતો હતો. 10 યરુશાલેમમાં મેં એવું જ કર્યું. મુખ્ય યજ્ઞકારો પાસેથી અધિકાર મેળવીને ઈશ્વરના ઘણા લોકોને મેં જેલમાં પૂર્યા; અને તેમને મોતની સજા ફટકારાતી ત્યારે હું પણ તેમાં સંમત થતો. 11 બધાં ભજનસ્થાનોમાં મેં તેમને શિક્ષા કરાવી હતી અને તેઓ પોતાના વિશ્વાસનો નકાર કરે તે માટે પ્રયાસ કર્યો હતો. તેમની પર હું એવો ક્રોધે ભરાયો હતો કે તેમની સતાવણી કરવાને હું બીજા પ્રદેશોમાં પણ ગયો. પાઉલની સાક્ષી ( પ્રે.કા. 9:1-19 ; 22:6-16 ) 12 “આ જ હેતુસર મુખ્ય યજ્ઞકારો પાસેથી અધિકાર અને હુકમો મેળવીને હું દમાસ્ક્સ ગયો હતો. 13 હે માનવંત રાજા, મયાહ્ને રસ્તામાં જ મેં અને મારી સાથે મુસાફરી કરતા માણસોએ મારી આસપાસ આકાશમાંથી સૂર્યના પ્રકાશના કરતાં પણ વિશેષ તેજસ્વી પ્રકાશ જોયો. 14 અમે બધા જમીન પર પડી ગયા, અને મેં હિબ્રૂ ભાષામાં એક વાણી મને આમ કહેતી સાંભળી: ‘શાઉલ, શાઉલ, તું મારી સતાવણી કેમ કરે છે? અણીદાર આર પર લાત મારીને તું પોતાને જ નુક્સાન પહોંચાડે છે.’ 15 મેં પૂછયું ‘પ્રભુ, તમે કોણ છો?’ અને પ્રભુએ કહ્યું, ‘હું ઈસુ છું, જેને તું સતાવે છે. 16 પણ હવે ઊઠ, મારા સેવક તરીકે તને નીમવાને મેં તને દર્શન દીધું છે. તેં આજે મારા વિષે જે જોયું છે અને હવે ભવિષ્યમાં તને જે દર્શાવીશ તે તારે બીજાઓને કહેવાનું છે. 17 ઇઝરાયલી લોકો અને બિનયહૂદીઓ પાસે હું તને મોકલું છું. તેમનાથી હું તારો બચાવ કરીશ. 18 તારે તેમની આંખો ખોલવી અને તેમને અંધકારમાંથી પ્રકાશ તરફ અને શેતાનના અધિકાર નીચેથી ઈશ્વર તરફ ફેરવવા, જેથી મારા પર વિશ્વાસ કરવાને લીધે તેમને તેમનાં પાપની માફી મળે અને ઈશ્વરના પસંદ કરાયેલા લોકોમાં તેમને સ્થાન મળે.’ પાઉલનું સેવાકાર્ય 19 “તેથી હે આગ્રીપા રાજા, એ સ્વર્ગીય સંદર્શનને આધીન થયા વગર હું રહી શક્યો નહીં. 20 પ્રથમ દમાસ્ક્સમાં, પછી યરુશાલેમમાં અને પછી યહૂદીઓના આખા પ્રદેશમાં અને બિનયહૂદીઓ મયે મેં પ્રચાર કર્યો કે તેમણે પોતાનાં પાપથી પાછા ફરીને ઈશ્વર તરફ ફરવું જોઈએ, તેમ જ તેઓ પાપથી પાછા ફર્યા છે એવું દર્શાવતાં કાર્યો કરવાં જોઈએ. 21 આ જ કારણસર હું મંદિરમાં હતો ત્યારે યહૂદીઓએ મને પકડયો અને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. 22 પણ આજ દિન સુધી ઈશ્વરે મદદ કરી છે, અને તેથી નાનાંમોટાં સર્વ સમક્ષ મારી સાક્ષી આપતાં હું અહીં ઊભો છું. જે બાબતો વિશે સંદેશવાહકો અને મોશેએ કહ્યું હતું તે જ હું કહું છું. 23 એટલે કે મસીહે યહૂદીઓ અને બિનયહૂદીઓ સમક્ષ ઉદ્ધારનો પ્રકાશ જાહેર કરવા માટે દુ:ખ સહન કરવું જોઈએ અને મરણમાંથી પ્રથમ સજીવન થનાર બનવું જોઈએ.” 24 પાઉલ આ રીતે પોતાનો બચાવ કરી રહ્યો હતો તેવામાં ફેસ્તસે તેને પોકારીને કહ્યું, “પાઉલ, તું પાગલ છે! તારા ઘણા જ્ઞાનને લીધે તારું મગજ ચસકી ગયું છે!” 25 પાઉલે જવાબ આપ્યો, “નામદાર, હું પાગલ નથી. હું સીધીસાદી ભાષામાં બોલી રહ્યો છું. 26 હે આગ્રીપા રાજા! હું તમારી સાથે હિંમતપૂર્વક બોલી શકું છું, કારણ, તમે આ બધી બાબતો જાણો છો. મને ખાતરી છે કે તમે બધી બાબતો ધ્યાનમાં લીધી છે; કારણ, આ વાત કંઈ ઘરને ખૂણે બની નથી. 27 હે આગ્રીપા રાજા, તમે સંદેશવાહકો પર તો વિશ્વાસ કરો છો ને? મને એની ખબર છે!” 28 આગ્રીપાએ પાઉલને કહ્યું, “આટલા ટૂંકા ગાળામાં તું મને ખ્રિસ્તી બનાવી દેવા માગે છે?” 29 પાઉલે તેને જવાબ આપ્યો, “મારી તો ઈશ્વરને પ્રાર્થના છે કે વહેલા કે મોડા તમે અને આ બધા શ્રોતાજનો આ સાંકળો સિવાય મારા જેવા બનો!” 30 પછી રાજા, રાજ્યપાલ, રાણી બેરનીકે અને અન્ય સૌ ઊભા થયા. 31 તેઓ વિખેરાયા પછી તેમણે પરસ્પર કહ્યું, “આ માણસે મોત કે કેદની સજા થાય તેવો કોઈ ગુનો કર્યો નથી.” 32 આગ્રીપાએ ફેસ્તસને કહ્યું, “આ માણસે સમ્રાટ સમક્ષ રજૂઆત કરવાની માગણી ન કરી હોત તો તેને છૂટો કરી શક્યો હોત.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide