પ્રે.કૃ. 25 - પવિત્ર બાઇબલ C.L.રોમન સમ્રાટને પાઉલની અપીલ 1 ફેસ્તસ પોતાના પ્રાંતમાં આવ્યો. ત્રણ દિવસ પછી તે કાઈસારિયાથી યરુશાલેમ ગયો. 2 ત્યાં મુખ્ય યજ્ઞકારો અને યહૂદી આગેવાનોએ પાઉલ વિરુદ્ધના આરોપ રજૂ કર્યા. 3 તેમણે ફેસ્તસને તેમની તરફેણ કરીને પાઉલને યરૂશાલેમ મોકલી આપવા વિનંતી કરી. કારણ, તેમણે તેને રસ્તામાં જ મારી નાખવાનું કાવતરું ઘડયું હતું. 4 ફેસ્તસે જવાબ આપ્યો, “પાઉલને કાઈસારિયા જેલમાં પૂરવામાં આવ્યો છે, અને હું પણ ત્યાં જલદી પાછો જવાનો છું. 5 જો એણે કોઈ ગુનો કર્યો હોય, તો તમારા આગેવાનો મારી સાથે કાઈસારિયા આવીને એ માણસ પરના આરોપ રજૂ કરે.” 6 ફેસ્તસ તેમની સાથે બીજા આઠથી દસ દિવસ રહ્યો અને પછી કાઈસારિયા ગયો. બીજે દિવસે તેણે ન્યાયાસન પર પોતાનું સ્થાન લઈને પાઉલને ત્યાં અંદર લાવવાનો હુકમ કર્યો. 7 પાઉલ આવ્યો એટલે યરુશાલેમથી આવેલા યહૂદીઓ તેને ઘેરી વળીને તેના પર ગંભીર આરોપ મૂકવા લાગ્યા, પણ તેમાંનો એકેય આરોપ તેઓ સાબિત કરી શકે તેમ ન હતા. 8 પણ પાઉલે પોતાનો બચાવ કરતાં કહ્યું, “મેં યહૂદીઓના નિયમશાસ્ત્ર વિરુદ્ધ અથવા તેમના મંદિર વિરુદ્ધ કે રોમન સમ્રાટ વિરુદ્ધ કંઈ ગુનો કર્યો નથી.” 9 ફેસ્તસ યહૂદીઓમાં લોકપ્રિય થવા માગતો હોવાથી તેણે પાઉલને પૂછયું, “તું યરુશાલેમ જવા અને ત્યાં મારી સમક્ષ તારા પરના આરોપો અંગે ક્મ ચાલે તે માટે તૈયાર છે?” 10 પાઉલે કહ્યું, “હું સમ્રાટના ન્યાયાસન સમક્ષ ઊભો છું, અને ત્યાં જ મારો ન્યાય થવો જોઈએ. તમે સારી રીતે જાણો છો કે મેં યહૂદીઓનું કંઈ ખોટું કર્યું નથી. 11 જો નિયમનો ભંગ કર્યાને લીધે મને મોતની સજા થાય એવો મેં કોઈ ગુનો કર્યો હોય, તો હું તેમાંથી છટકી જવાની માગણી કરતો નથી. પણ તેમના આરોપ તથ્ય વગરના હોય તો કોઈ મને તેમના હાથમાં સોંપી શકે નહિ. તેથી હું સમ્રાટને અપીલ કરું છું.” 12 પછી પોતાના સલાહકારો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી ફેસ્તેસે જવાબ આપ્યો, “તેં સમ્રાટને અપીલ કરી, માટે તારે સમ્રાટ પાસે જવું પડશે.” આગ્રીપા રાજા અને બેરનીકે રાણી સમક્ષ પાઉલ 13 થોડા સમય પછી આગ્રીપા રાજા અને બેરનીકે રાણી ફેસ્તસની મુલાકાતે આવ્યાં. 14 તેઓ ત્યાં ઘણા દિવસ રહ્યા પછી ફેસ્તસે રાજા સમક્ષ પાઉલના કેસની ચર્ચા કરી: “ફેલીક્ષે એક કેદીને જેલમાં પૂરેલો છે. 15 હું યરુશાલેમ ગયો ત્યારે મુખ્ય યજ્ઞકારો અને યહૂદી આગેવાનો તેની વિરુદ્ધ આરોપો મૂકવા લાગ્યા અને તેને સજા કરવા મને કહ્યું. 16 પણ મેં તેમને કહ્યું કે રોમનોનો કાયદો આવો છે: આરોપીને તેના ફરિયાદીઓની હાજરીમાં બચાવની તક આપ્યા વિના કોઈના હાથમાં સોંપી શકાય નહિ. 17 જ્યારે તેઓ અહીં આવ્યા ત્યારે જરા પણ વિલંબ કર્યા વગર હું બીજે જ દિવસે ન્યાયાલયમાં જઈને બેઠો અને એ માણસને અંદર લાવવાનો હુકમ કર્યો. 18 તેના વિરોધીઓ ઊભા થયા. પણ હું ધારતો હતો એવો કોઈ ભયંકર ગુનાનો આરોપ તેઓ તેના પર મૂકી શક્યા નહિ. 19 બધો મામલો એમના પોતાના ધર્મ વિષે અને ઈસુ નામના કોઈ માણસ અંગેના વાદવિવાદનો હતો. તે મરી ગયો છે; પણ પાઉલ એવો દાવો કરે છે કે તે હજુ જીવે છે. 20 આ બાબતો વિષે કેવી રીતે માહિતી મેળવવી એનો નિર્ણય હું કરી શક્યો નહિ. તેથી મેં પાઉલને પૂછયું કે તું યરુશાલેમ જવા અને આ આરોપ અંગે તારા પર ક્મ ચાલે તે માટે તૈયાર છે? 21 પણ પાઉલે પોતાને સંરક્ષકોના પહેરા નીચે રાખવા અને સમ્રાટ તેના કેસનો ચુક્દો આપે એવી માગણી કરી. તેથી હું તેને સમ્રાટ પાસે મોકલી આપું ત્યાં સુધી મેં તેને ચોકીપહેરા નીચે રાખ્યો છે.” 22 આગ્રીપાએ ફેસ્તસને કહ્યું, “મારે પણ એ માણસનું સાંભળવું છે.” ફેસ્તસે જવાબ આપ્યો, “કાલે તમને સાંભળવાની તક મળશે.” 23 બીજે દિવસે આગ્રીપા અને બેરનીકે ભારે દબદબા સહિત આવ્યાં અને લશ્કરી અફસરો અને શહેરના અગ્રગણ્ય નાગરિકો સાથે સભાખંડમાં પ્રવેશ્યાં. ફેસ્તસે હુકમ કર્યો એટલે પાઉલને લાવવામાં આવ્યો. 24 ફેસ્તસે કહ્યું, “આગ્રીપા રાજા, અને અત્રે પધારેલા સૌ મહેમાનો! અહીંના અને યરુશાલેમના બધા યહૂદી લોકો તરફથી જેના અંગે મારી પાસે ફરિયાદ આવી છે તે માણસને તમે જોઈ શકો છો. તે જીવવાને લાયક નથી એવા પોકાર તેમણે કર્યા હતા. 25 પણ મોતની સજા થાય તેવો કોઈ ગુનો તેણે કર્યો હોય તેવું મને જણાતું નથી. વળી તેણે પોતે સમ્રાટને અપીલ કરી હોવાથી મેં તેને તેમની સમક્ષ રોમ મોકલી આપવાનો નિર્ણય કર્યો છે. 26 પણ સમ્રાટ પર એના અંગે લખવાને મારી પાસે કોઈ ચોક્કસ વિગતો નથી. માટે મેં તેને આપ સૌની સમક્ષ અને ખાસ કરીને આગ્રીપા રાજા સમક્ષ રજૂ કર્યો છે, એ માટે કે તેનો કેસ તપાસ્યા પછી મને લખવા માટે કંઈક મળે. 27 કારણ, કેદીની સામેના આક્ષેપો સ્પષ્ટપણે દર્શાવ્યા વિના તેને મોકલી આપવો એ મને યોગ્ય લાગતું નથી.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide