પ્રે.કૃ. 24 - પવિત્ર બાઇબલ C.L.પાઉલ પર યહૂદીઓનો આરોપ 1 પાંચ દિવસ પછી પ્રમુખ યજ્ઞકાર અનાન્યા કેટલાક આગેવાનો અને તર્ટુલ્લસ નામના રોમન કાયદાશાસ્ત્રીને લઈને કાઈસારિયા ગયો. તેમણે રાજ્યપાલ ફેલીક્ષ સમક્ષ હાજર થઈને પાઉલ વિરુદ્ધ આરોપ મૂક્યો. 2 તર્ટુલ્લસને બોલાવવામાં આવ્યો અને તેણે પાઉલ પર આ પ્રમાણે આરોપ મૂકવાનું શરૂ કર્યું: “માનવંત રાજ્યપાલશ્રી ફેલીક્ષ, આપના કુશળ વહીવટ નીચે લાંબા સમયથી અમે શાંતિ અનુભવી રહ્યા છીએ. અમારા દેશના ભલા માટે ઘણા જરૂરી સુધારાઓ કરવામાં આવી રહ્યા છે. 3 સર્વ સ્થળે અને સર્વ સમયે અમે તેનું પાલન કરીએ છીએ, અને અમે આપના ખૂબ જ આભારી છીએ. 4 હું આપનો વધારે પડતો સમય લેવા માગતો નથી, તેથી અમારી ટૂંકી રજૂઆત આપ કૃપા કરીને સાંભળો એવી મારી વિનંતી છે. 5 આ માણસ અમને ભયાનક ક્રાંતિકારી માલૂમ પડયો છે; તે સમગ્ર દુનિયામાં યહૂદીઓ મયે હુલ્લડ ફેલાવે છે અને નાઝરેથી પંથનો આગેવાન છે. 6 તેણે અમારા મંદિરને અભડાવવાનો પ્રયત્ન કર્યો એટલે અમે તેની ધરપકડ કરી. અમારા પોતાના નિયમશાસ્ત્ર પ્રમાણે એનો ન્યાય કરવાનો અમે પ્રયત્ન કર્યો, 7 પણ અફસર લુસિયસ વચ્ચે પડીને તેને બળજબરીથી લઈ ગયા. 8 પછી લુસિયસે હુકમ આપ્યો કે તેના ફરિયાદીઓએ તમારી સમક્ષ આવવું. તમે એ માણસને જ પ્રશ્ર્ન પૂછશો તો અમે તેના પર જે આરોપ મૂકીએ છીએ તે બધા સાચા છે તે તમે જાણી શકશો.” 9 યહૂદીઓ એ આરોપ સાથે સહમત થયા અને કહ્યું કે એ બધું સાચું છે. ફેલીક્ષ સમક્ષ પાઉલે કરેલો પોતાનો બચાવ 10 પછી રાજ્યપાલે પાઉલને બોલવા ઇશારો કર્યો એટલે પાઉલે કહ્યું, “આપ ઘણાં વર્ષોથી આ પ્રજાનો ન્યાય કરતા આવ્યા છો તે હું જાણું છું અને તેથી તમારી સમક્ષ મારો બચાવ કરતાં મને આનંદ થાય છે. 11 તમે પોતે જ તપાસ કરાવી શકો છો કે બારેક દિવસ અગાઉ હું યરુશાલેમમાં ભક્તિ કરવા ગયો હતો. 12 યહૂદીઓએ મને કોઈની સાથે મંદિરમાં વાદવિવાદ કરતો અથવા ભજનસ્થાનો કે શહેરનાં અન્ય સ્થળોમાં લોકોને ઉશ્કેરતો જોયો નથી. 13 વળી, તેઓ મારી ઉપર અત્યારે જે આરોપ મૂકે છે તેનો પુરાવો તેઓ આપી શકે તેમ નથી. 14 હું કબૂલ કરું છું કે તેઓ જેને દુર્મત કહે છે તેવા ઈસુપંથને અનુસરીને હું અમારા પૂર્વજોના ઈશ્વરની ભક્તિ કરું છું. છતાં મોશેના નિયમશાસ્ત્રમાં અને સંદેશવાહકોનાં પુસ્તકોમાં જે લખેલું છે તે બધું જ હું માનું છું. 15 તેઓ ઈશ્વરમાં જે આશા રાખે છે તે જ આશા હું રાખું છું; એટલે, ન્યાયી કે દુષ્ટ સર્વ લોકો મૃત્યુમાંથી સજીવન થશે. 16 અને તેથી ઈશ્વર તેમ જ માણસો સમક્ષ મારું અંત:કરણ શુદ્ધ રાખવા હું હમેશાં મારાથી બનતો બધો પ્રયત્ન કરું છું. 17 “ઘણાં વર્ષો સુધી યરુશાલેમથી બહાર રહ્યા પછી મારા પોતાના લોકોને થોડા પૈસા આપવાને અને બલિદાનો ચઢાવવાને હું ત્યાં ગયો હતો. 18 શુદ્ધિકરણની ક્રિયા પૂરી કર્યા પછી હું બલિદાન ચઢાવી રહ્યો હતો ત્યારે તેમણે મને મંદિરમાં જોયો. ત્યાં મારી સાથે ટોળું ન હતું કે ન તો કંઈ ધાંધલ થયું હતું. 19 પણ આસિયાથી આવેલા કેટલાક યહૂદીઓ ત્યાં હતા. તેમને મારી વિરુદ્ધ કંઈ હોય તો તેમણે પોતે તમારી પાસે આવીને આરોપ મૂકવા જોઈએ. 20 અથવા આ માણસોને કહેવા દો કે જ્યારે હું ન્યાયસભા સમક્ષ ઊભો હતો ત્યારે તેમને મારામાં કયો દોષ માલૂમ પડયો? 21 એ જ કે હું તેમની સમક્ષ ઊભો હતો ત્યારે મેં કહ્યું હતું તેમ, ‘મરેલાંઓ સજીવન થશે એવો વિશ્વાસ રાખવાને લીધે જ તમે આજે મારો ન્યાય કરો છો.” 22 પછી ફેલીક્ષ, જેને એ માર્ગ વિષેની ચોક્કસ માહિતી હતી, તેણે મુદ્દત પાડી. તેણે તેમને કહ્યું, “અફસર લુસિયસ આવે ત્યારે હું તમારો કેસ આગળ ચલાવીશ.” 23 ફેલીક્ષે પાઉલના સંરક્ષક અધિકારીને હુકમ આપ્યો કે પાઉલને સંરક્ષકોના પહેરા નીચે રાખો, પણ તેને થોડી સ્વતંત્રતા આપજો અને તેના મિત્રોને તેની જરૂરિયાતો માટે મદદ કરવા દેજો. ફેલીક્ષ અને દ્રુસિલા સમક્ષ પાઉલ 24 થોડા દિવસો પછી ફેલીક્ષ તેની યહૂદી પત્ની દ્રુસિલા સાથે આવ્યો. તેણે પાઉલને બોલાવડાવ્યો અને તેની પાસેથી ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કરવા અંગે સાંભળ્યું. 25 પણ પાઉલે ભલાઈ, સંયમ, આવનાર ન્યાયદિન અંગે ચર્ચા શરૂ કરી એટલે ફેલીક્ષ ગભરાયો અને કહ્યું, “તું હવે જા. મને તક મળ્યેથી હું તને ફરી બોલાવીશ.” 26 સાથે સાથે પાઉલ તેને કંઈક લાંચ આપશે એવી તેને આશા હતી, અને તેથી તે તેને વારંવાર બોલાવી તેની સાથે વાત કરતો. 27 બે વર્ષ પછી ફેલીક્ષની જગ્યાએ પેર્સિયસ ફેસ્તસ રાજ્યપાલ તરીકે આવ્યો. ફેલીક્ષ યહૂદીઓમાં લોકપ્રિય બનવા માગતો હોવાથી તેણે પાઉલને જેલમાં જ રાખી મૂક્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide