પ્રે.કૃ. 23 - પવિત્ર બાઇબલ C.L.1 પાઉલે ન્યાયસભાની સામે જોઈને કહ્યું, “મારા ભાઈઓ, મેં આજદિન સુધી ઈશ્વર સમક્ષ શુદ્ધ અંત:કરણથી મારું જીવન ગાળ્યું છે.” 2 પ્રમુખ યજ્ઞકાર અનાન્યાએ પાઉલને થપ્પડ મારવા માટે તેની નજીક ઊભા રહેલાઓને હુકમ કર્યો. 3 પાઉલે તેને કહ્યું, “ઓ દંભી! ઈશ્વર જરૂર તને મારશે. નિયમશાસ્ત્ર પ્રમાણે ન્યાય કરવાને તું ત્યાં બેઠો છે, અને છતાં મને મારવાનો હુકમ કરીને તું જ નિયમ તોડે છે!” 4 પાઉલની નજીક ઊભા રહેલા માણસોએ તેને કહ્યું, “તું ઈશ્વરના પ્રમુખ યજ્ઞકારનું અપમાન કરે છે?” 5 પાઉલે જવાબ આપ્યો, “ભાઈઓ, એ પ્રમુખ યજ્ઞકાર છે તે હું જાણતો ન હતો. ધર્મશાસ્ત્ર કહે છે, ‘તમારા લોકના આગેવાનની તમારે નિંદા કરવી નહિ.” 6 એ ટોળામાં કેટલાક સાદૂકીઓ અને કેટલાક ફરોશીઓ છે એવી ખબર પડતાં પાઉલે ન્યાયસભાને ઉદ્દેશીને કહ્યું, “ભાઈઓ, હું ફરોશી છું, અને ફરોશીઓનો જ વંશજ છું. મરેલાં સજીવન થશે એવી આશા હું રાખું છું એટલે અત્યારે મારી પર કેસ ચલાવાય છે!” 7 એણે એવું કહ્યું એટલે તરત જ ફરોશીપંથીઓ અને સાદૂકીપંથીઓ ઝઘડવા લાગ્યા અને ટોળામાં ભાગલા પડી ગયા. 8 કારણ, સાદૂકીઓ માને છે કે લોકો મરણમાંથી સજીવન થતા નથી, અને દૂતો અથવા આત્માઓ જેવું કંઈ નથી; જ્યારે ફરોશીઓ આ ત્રણે બાબતોમાં માને છે. 9 ઘોંઘાટ વધતો ગયો, અને ફરોશીપંથના નિયમશાસ્ત્રના શિક્ષકોએ ઊભા થઈને સખત વિરોધ કર્યો, “અમને આ માણસમાં કંઈ ખોટું જણાતું નથી! કદાચ કોઈ આત્મા અથવા દૂતે તેની સાથે વાત કરી છે.” 10 ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે અફસરને લાગ્યું કે તેઓ પાઉલના ટુકડેટુકડા કરી નાખશે. તેથી તેણે પોતાના સૈનિકોને ટોળામાં જઈને પાઉલને ઉઠાવીને કિલ્લામાં લઈ આવવા હુકમ કર્યો. 11 એ પછીની રાતે પ્રભુએ પાઉલની પાસે ઊભા રહીને કહ્યું, “હિંમત રાખજે, તેં અહીં યરુશાલેમમાં મારા વિષે સાક્ષી આપી છે, અને તારે રોમમાં પણ સાક્ષી આપવાની છે.” પાઉલને મારી નાખવાનું કાવતરું 12 પછીની સવારે કેટલાક યહૂદીઓએ એકઠા મળીને એક યોજના ઘડી કાઢી. પાઉલને મારી નાખ્યા વિના અન્નજળ નહિ લેવાની તેમણે પ્રતિજ્ઞા લીધી. 13 આ કાવતરામાં ચાલીસ કરતાં વધારે માણસો સંડોવાયેલા હતા. 14 પછી તેમણે મુખ્ય યજ્ઞકારો અને આગેવાનો પાસે જઈને કહ્યું, “પાઉલને મારી નાખ્યા વિના કંઈ નહિ ખાવાની ગંભીર પ્રતિજ્ઞા અમે લીધી છે. 15 હવે પાઉલ સંબંધી તમારે જાણે વધારે સચોટ વિગતો જોઈએ છે એવો દેખાવ કરીને તમે અને ન્યાયસભા તેને તમારી પાસે લાવવા રોમન અફસરને સંદેશો મોકલો. પણ તે અહીં આવે તે પહેલાં તેને ખતમ કરી નાખવા અમે તૈયાર રહીશું” 16 પણ પાઉલના ભાણેજને આ કાવતરાની જાણ થઈ ગઈ, તેથી તેણે કિલ્લામાં જઈને પાઉલને તે જણાવી દીધું. 17 તેથી પાઉલે અધિકારીઓમાંના એકને બોલાવીને કહ્યું, “આ યુવાનને અફસર પાસે લઈ જાઓ; તે તેમને કંઈક કહેવા માગે છે.” 18 અધિકારી તેને અફસર પાસે લઈ ગયો અને તેણે કહ્યું, “કેદી પાઉલે મને બોલાવ્યો અને તમારી પાસે આ યુવાનને લઈ આવવા કહ્યું, કારણ, તે તમને કંઈક કહેવા માગે છે.” 19 અફસર તેનો હાથ પકડીને તેને પોતાની સાથે એક બાજુ લઈ ગયો અને પૂછયું, “તારે શું કહેવું છે?” 20 તેણે કહ્યું, “પાઉલ વિષે ન્યાયસભાને સચોટ વિગતો જોઈએ છે એવા બહાના નીચે આવતી કાલે તેને ન્યાયસભામાં બોલાવવા આપની પાસે માગણી કરવાનો યહૂદી અધિકારીઓએ નિર્ણય કર્યો છે. 21 પણ તેમનું માનશો નહિ. કારણ, ચાલીસ કરતાં વધારે માણસો તેની રાહ જોતા સંતાઈ રહ્યા છે. પાઉલને તેઓ મારી ન નાખે ત્યાં સુધી તેમણે કંઈ અન્નજળ નહિ લેવાની પ્રતિજ્ઞા લીધી છે. તેઓ હવે તેમ કરવાને તૈયાર છે, અને તમારા નિર્ણયની રાહ જુએ છે.” 22 અફસરે કહ્યું, “તેં મને આ જણાવ્યું છે એવું કોઈને કહીશ નહિ.” પછી તેણે પેલા યુવાનને વિદાય કર્યો. રાજ્યપાલ ફેલીક્ષ સમક્ષ પાઉલ 23 પછી અફસરે તેના બે અધિકારીઓને બોલાવીને કહ્યું, “સિત્તેર ઘોડેસ્વારો, અને બસો ભાલદારો અને બસો સૈનિકોને કાઈસારિયા જવા તૈયાર કરો, અને આજે રાત્રે નવ વાગે નીકળવા માટે તૈયાર રહો. 24 પાઉલને સવારી કરવા માટે પણ કેટલાક ઘોડા તૈયાર કરો અને તેને સહીસલામત રીતે રાજ્યપાલ ફેલીક્ષ પાસે પહોંચાડો.” 25 પછી અફસરે એક આવો પત્ર પાઠવ્યો: 26 “કલોડિયસ લુસિયસ તરફથી માનવંત રાજ્યપાલ ફેલીક્ષને સાદર પ્રણામ. 27 યહૂદીઓએ આ માણસને પકડયો હતો અને તેને મારી નાખવાની તૈયારીમાં હતા. તે રોમન નાગરિક છે, એવી મને ખબર મળતાં હું મારા સૈનિકોને લઈને તેને બચાવવા ગયો. 28 તેઓ તેના પર શો આરોપ મૂક્તા હતા તે જાણવાને મેં તેને તેમની ન્યાયસભા પાસે મોકલ્યો. 29 મને ખબર પડી કે મરણની સજા થાય એવું અથવા કેદમાં નંખાવા જેવું તેણે કંઈ કર્યું નથી; તેની વિરુદ્ધના તેમના આરોપો તેમના પોતાના નિયમશાસ્ત્રના પ્રશ્ર્નો સંબંધીના છે. 30 કેટલાક યહૂદીઓએ તેની વિરુદ્ધ કાવતરું ઘડયું છે, એવી મને બાતમી મળતાં મેં તેને તમારી પાસે મોકલવાનો નિર્ણય કર્યો છે. મેં તેના ફરિયાદીઓને કહ્યું છે કે તેઓ તમારી સમક્ષ તેના પર આરોપ મૂકે.” 31 સૈનિકોએ તેના હુકમનો અમલ કર્યો. તેઓ પાઉલને લઈને એ જ રાત્રે એન્ટીપાટ્રીસ આવ્યા. 32 બીજે દિવસે પાયદળના સૈનિકો કિલ્લામાં પાછા ફર્યા અને ઘોડેસ્વારોને તેની સાથે જવા દીધા. 33 તેઓ તેને કાઈસારિયા લઈ ગયા, રાજ્યપાલને પત્ર આપ્યો અને પાઉલને સોંપ્યો. 34 રાજ્યપાલે પત્ર વાંચીને પાઉલ ક્યા પ્રદેશનો હતો તે તેને પૂછયું. જ્યારે તેને ખબર પડી કે તે કિલીકિયાનો છે, ત્યારે તેણે કહ્યું, 35 “તારા ફરિયાદીઓ આવે ત્યારે હું તારું સાંભળીશ.” પછી તેણે પાઉલને હેરોદના મહેલમાં સૈનિકોના પહેરા નીચે રાખવાનો હુકમ કર્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide