Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પ્રે.કૃ. 22 - પવિત્ર બાઇબલ C.L.

1 “ભાઈઓ અને આગેવાનો, હું તમારી સમક્ષ મારો બચાવ રજૂ કરું છું. સાંભળો!”

2 તેણે હિબ્રૂ ભાષામાં બોલવાનું શરૂ કર્યું એટલે તેઓ વધારે શાંત રહ્યા.

3 પછી પાઉલે કહ્યું, “હું પણ યહૂદી છું. હું કિલીકિયાના તાર્સસમાં જન્મેલો અને ગમાલીએલના વિદ્યાર્થી તરીકે અહીં યરુશાલેમમાં જ ઉછરેલો છું. આપણા પૂર્વજોના નિયમશાસ્ત્રનું મને ચુસ્ત શિક્ષણ મળ્યું હતું, અને તમારી જેમ જ હું પણ ઈશ્વરને માટે ધર્મઝનૂની હતો.

4 મેં આ ઈસુપંથીઓને મારી નાખવા સુધી તેમની સતાવણી કરી હતી. સ્ત્રીપુરુષોની ધરપકડ કરીને મેં તેમને જેલમાં નાખ્યા હતા.

5 હું જે કહું છું તે સાચું છે તેનું સમર્થન પ્રમુખ યજ્ઞકાર તેમ જ આખી ન્યાયસભા આપી શકે તેમ છે. મેં તેમની પાસે દમાસ્ક્સમાં વસતા યહૂદી ભાઈઓ પર પત્ર લખાવ્યા હતા; જેથી હું ત્યાં જઈને એ લોકોની ધરપકડ કરીને તેમને સજા કરવા માટે યરુશાલેમ લઈ આવું.”


પાઉલની સાક્ષી
( પ્રે.કા. 9:1-19 ; 26:12-18 )

6 “મુસાફરી કરતાં કરતાં હું દમાસ્ક્સ પાસે આવી પહોંચ્યો તો લગભગ મયાહ્ને મારી આસપાસ આકાશમાંથી એક ઝળહળતો પ્રકાશ ઝબૂક્યો.

7 હું જમીન પર પડી ગયો અને મને ઉદ્દેશીને બોલતી એક વાણી મેં સાંભળી, ‘શાઉલ, શાઉલ, તું મારી સતાવણી કેમ કરે છે?’

8 મેં કહ્યું, ‘પ્રભુ, તમે કોણ છો?’ તેણે મને કહ્યું, ‘હું નાઝારેથનો ઈસુ છું કે જેને તું સતાવે છે.’

9 મારી સાથેના માણસોએ પ્રકાશ તો જોયો, પણ મારી સાથે વાત કરનારનો અવાજ સાંભળ્યો નહિ.

10 મેં પૂછયું, ‘પ્રભુ, હું શું કરું?’ અને પ્રભુએ મને કહ્યું, ‘ઊઠ, દમાસ્ક્સ જા, અને ઈશ્વરે તારા સંબંધી નક્કી કર્યા પ્રમાણે તારે શું કરવાનું છે તે બધું તને કહેવામાં આવશે.’

11 પ્રકાશને કારણે હું જોઈ શક્યો નહિ, અને મારા સાથીદારો મને હાથ પકડીને દમાસ્ક્સમાં લઈ ગયા.

12 “ત્યાં અનાન્યા નામે એક માણસ રહેતો હતો. તે આપણા નિયમશાસ્ત્રને આધીન રહેનાર ધાર્મિક માણસ હતો, અને દમાસ્ક્સમાં વસતા યહૂદીઓ તેનું ખૂબ માન રાખતા હતા.

13 તે મારી પાસે આવ્યો અને મારી પાસે ઊભા રહીને મને કહ્યું, ‘ભાઈ શાઉલ, ફરી દેખતો થા.’ એ જ ક્ષણે હું ફરીથી દેખતો થયો અને મેં તેની સામે જોયું.

14 તેણે કહ્યું, ‘આપણા પૂર્વજોના ઈશ્વરે તેમની ઇચ્છા જાણવાને, તેમના ન્યાયી સેવકને જોવાને તેમ જ તારી સાથે તેમને વાત કરતા સાંભળવાને તને પસંદ કર્યો છે.

15 કારણ, તેં જે જોયું તથા સાંભળ્યું છે તે અંગે માણસો સમક્ષ તું તેમનો સાક્ષી થઈશ.

16 તો હવે વિલંબ શા માટે કરે છે? ઊઠ, બાપ્તિસ્મા લે, અને તેમને નામે વિનંતી કરીને પાપની માફી પ્રાપ્ત કર.’

17 “હું યરુશાલેમ પાછો ફર્યો, અને મંદિરમાં પ્રાર્થના કરતો હતો ત્યારે મને સંદર્શન થયું.

18 તેમાં મેં પ્રભુને આમ કહેતા સાંભળ્યા, ‘યરુશાલેમમાંથી જલદી નીકળી જા, કારણ, મારા વિષેની તારી સાક્ષીને લીધે અહીંના લોકો તને સ્વીકારશે નહિ.’

19 મેં જવાબ આપ્યો, ‘પ્રભુ, તેઓ સારી રીતે જાણે છે કે, ભજનસ્થાનોમાં જઈને તારા પર વિશ્વાસ કરનારાઓની ધરપકડ કરીને મેં તેમને માર્યા છે

20 વળી, તમારા સેવક સ્તેફનને મારી નાખવામાં આવ્યો ત્યારે તેના ખૂનમાં મેં સંમતિ આપી હતી, અને મારનારાઓનાં વસ્ત્ર સાચવતો હું ત્યાં ઊભો હતો.’

21 પ્રભુએ મને કહ્યું, ‘જા, કારણ, હું તને બિનબહૂદીઓ પાસે દૂર દૂર મોકલીશ.”


રોમન નાગરિક હોવાનો પાઉલનો દાવો

22 પાઉલ આટલું બોલ્યો ત્યાં સુધી લોકોએ તેનું સાંભળ્યું; પણ પછી તેઓ જોરથી બૂમો પાડવા લાગ્યા, “તેને ખતમ કરો! તે જીવવા માટે લાયક નથી!”

23 તેઓ કિકિયારીઓ પાડવા લાગ્યા, પોતાનાં વસ્ત્ર ફાડવા લાગ્યા અને આકાશમાં ધૂળ ઉડાડવા લાગ્યા

24 રોમન અફસરે તેના માણસોને પાઉલને કિલ્લામાં લઈ જવા હુકમ કર્યો, અને યહૂદીઓ તેની વિરુદ્ધ શા માટે આમ પોકારતા હતા તે શોધી કાઢવા તેને ફટકા મારવા જણાવ્યું.

25 પણ તેમણે તેને ફટકા મારવાને બાંધ્યો, ત્યારે પાઉલે ત્યાં ઊભેલા અધિકારીને કહ્યું, “જેના પર કોઈ ગુનો સાબિત થયો ન હોય તેવા રોમન નાગરિકને ફટકા મારવા એ શું ક્યદેસર છે?”

26 એ સાંભળીને અધિકારી અફસર પાસે ગયો અને કહ્યું, “તમે શું કરી રહ્યા છો? એ માણસ તો રોમન નાગરિક છે!”

27 તેથી અફસરે પાઉલ પાસે જઈને તેને પૂછયું, “શું તમે રોમન નાગરિક છો?”


પાઉલે કહ્યું, “હા.”

28 અફસરે કહ્યું, “હું મોટી રકમ આપીને રોમન નાગરિક બન્યો છું.” પાઉલે કહ્યું, “પણ હું તો જન્મથી જ રોમન નાગરિક છું.”

29 તરત જ પાઉલની તપાસ કરનારા માણસો પાછા પડયા, અને પાઉલ રોમન નાગરિક હોવા છતાં તેણે તેને હાથકડી પહેરાવી છે એવું જાણતાં અફસર ગભરાયો.


ન્યાયસભા સમક્ષ પાઉલ

30 યહૂદીઓ પાઉલ પર કયો આરોપ મૂક્તા હતા તે અફસર ચોક્કસ રીતે શોધી કાઢવા માગતો હતો; તેથી તેણે બીજે દિવસે પાઉલને સાંકળોથી મુક્ત કર્યો અને મુખ્ય યજ્ઞકારો તથા આખી ન્યાયસભાને બોલાવ્યાં. પછી તેણે પાઉલને તેમની સમક્ષ રજૂ કર્યો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan