પ્રે.કૃ. 21 - પવિત્ર બાઇબલ C.L.પાઉલ યરુશાલેમ જાય છે 1 તેમની વિદાય લઈને અમે ચાલી નીકળ્યા, અમે વહાણમાં બેસી સીધા કોસ પહોંચ્યા; બીજે દિવસે અમે રોડેસ પહોંચ્યા, અને ત્યાંથી પાતારા ગયા. ત્યાંથી અમને ફોનેસિયા જતું વહાણ મળ્યું; 2 તેથી અમે વહાણમાં બેસીને હંકારી ગયા. 3 સાયપ્રસ દેખાયું એટલે તેની દક્ષિણ તરફ સિરિયા બાજુ વહાણ હંકાર્યું. અમે તૂરના સમુદ્રકિનારે પહોંચ્યા. ત્યાં વહાણમાંથી સામાન ઉતારવાનો હતો. 4 ત્યાં અમને થોડા વિશ્વાસીઓ મળ્યા, અને અમે તેમની સાથે એક સપ્તાહ રહ્યા. પવિત્ર આત્માની પ્રેરણાથી તેમણે પાઉલને યરુશાલેમ ન જવા જણાવ્યું. 5 પણ તેમની સાથેનો અમારો સમય પૂરો થતાં, અમે તેમની પાસેથી અમારે રસ્તે પડયા. તેઓ બધા તેમની સ્ત્રીઓ તેમ જ બાળકો સહિત અમારી સાથે શહેર બહાર આવ્યા. અમે બધાએ સમુદ્રકિનારે ધૂંટણે પડીને પ્રાર્થના કરી. 6 પછી અમે એકબીજાને ભેટયા અને વિદાય લઈને વહાણમાં બેઠા, અને તેઓ પાછા ઘેર ગયા. 7 અમે અમારી દરિયાઈ મુસાફરી ચાલુ રાખતાં તૂરથી ટોલેમાઈસ ગયા. ત્યાં ભાઈઓને મળીને તેમને શુભેચ્છા પાઠવી અને તેમની સાથે એક દિવસ રહ્યા. 8 ત્યાંથી નીકળીને અમે બીજે દિવસે કાઈસારિયા આવી પહોંચ્યા. ત્યાં અમે સુવાર્તિક ફિલિપને ઘેર રહ્યા. યરુશાલેમમાં જે સાત સેવકો પસંદ કરવામાં આવ્યા હતા તેઓમાંનો તે એક હતો. 9 તેને ચાર કુંવારી દીકરીઓ હતી. તેઓ ઈશ્વરની સંદેશવાહિકાઓ હતી. 10 અમે ત્યાં કેટલાક દિવસ રહ્યા એવામાં યહૂદિયાથી આગાબાસ નામનો સંદેશવાહક આવ્યો. 11 તેણે અમારી પાસે આવીને પાઉલનો કમરપટ્ટો લીધો અને તેનાથી પોતાના હાથપગ બાંધીને કહ્યું, “પવિત્ર આત્મા આમ કહે છે: જે માણસનો આ કમરપટ્ટો છે તેને યરુશાલેમમાં યહૂદીઓ આ રીતે બાંધીને બિનયહૂદીઓને સુપરત કરશે.” 12 એ સાંભળીને અમે અને ત્યાંના બીજા માણસોએ પાઉલને યરુશાલેમ ન જવા વિનંતી કરી. 13 પણ તેણે જવાબ આપ્યો, “તમે આ શું કરો છો? રોકકળ કરીને મારું હૃદય કેમ ભાંગી નાખો છો? યરુશાલેમમાં માત્ર બંધાવાને જ નહિ, પણ પ્રભુ ઈસુને માટે મરવાને પણ હું તૈયાર છું.” 14 અમે તેને સમજાવી શક્યા નહિ, તેથી અમે સમજાવવાનું પડતું મૂકાયું અને કહ્યું, “પ્રભુની ઇચ્છા પ્રમાણે થાઓ.” 15 ત્યાં થોડો સમય રહ્યા પછી અમે તૈયારી કરી અને યરુશાલેમ જવા ઊપડયા. 16 કાઈસારિયાથી કેટલાક શિષ્યો અમારી સાથે આવ્યા અને અમારે જેને ત્યાં ઊતરવાનું હતું તે સાયપ્રસના માસોનને ત્યાં લઈ ગયા. માસોન તો શરૂઆતના સમયથી જ વિશ્વાસી હતો. પાઉલ અને યાકોબની મુલાકાત 17 અમે યરુશાલેમ આવી પહોંચ્યા એટલે ભાઈઓએ અમારો ઉમળક્ભેર સત્કાર કર્યો. 18 બીજે દિવસે પાઉલ અમને લઈને યાકોબને મળવા ગયો; મંડળીના સર્વ આગેવાનો હાજર હતા. 19 પાઉલે તેમને શુભેચ્છા પાઠવી બિનયહૂદીઓ મયેના સેવાકાર્યનો પૂરો હેવાલ તેમને આપ્યો. 20 તેનું સાંભળી રહ્યા પછી તેઓ બધાએ ઈશ્વરની સ્તુતિ કરી. પછી તેમણે પાઉલને કહ્યું, “ભાઈ, વાત આમ છે. હજારો યહૂદીઓ વિશ્વાસી બન્યા છે અને તેઓ બધા નિયમશાસ્ત્રમાં ખૂબ આસ્થા ધરાવે છે. 21 તારા વિષે તેમણે સાંભળ્યું છે કે બિનયહૂદી દેશોમાં રહેતા યહૂદીઓને તેમનાં બાળકોને સુન્નત કરાવવાની અને યહૂદી રીતરિવાજો અનુસરવાની ના પાડીને તું તેમને મોશેના નિયમશાસ્ત્રનો ત્યાગ કરવાનું શીખવી રહ્યો છે. 22 તું અહીં આવ્યો છે તેની યહૂદીઓને અચૂક જાણ થશે. તો હવે શું કરવું? 23 અમે કહીએ તે કર. અહીં ચાર માણસોએ માનતા લીધી છે. 24 તું તેમની સાથે જા, તેમના શુદ્ધિકરણની ક્રિયામાં તું પણ ભાગ લે અને તેમનો ખર્ચ ઉઠાવ; પછી તેઓ તેમના માથાના વાળ કપાવી શકશે. આમ, બધાને એમ ખબર પડશે કે તારા વિષે તેમણે જે સાંભળ્યું છે તેમાં કંઈ તથ્ય નથી, પણ તું તો મોશેના નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલે છે. 25 છતાં બિનયહૂદીઓમાંથી વિશ્વાસી બનેલાઓને તો તેમણે મૂર્તિઓને અર્પેલો કંઈ ખોરાક ખાવો નહિ, રક્તપાન કરવું નહિ, ગૂંગળાવીને મારી નાખેલું પ્રાણી ખાવું નહિ અને પોતાને વ્યભિચારથી દૂર રાખવા એવો નિર્ણય અમે કરેલો છે, અને તેવો પત્ર અમે પાઠવ્યો છે.” 26 તેથી પાઉલ એ માણસોને લઈને ગયો અને બીજે દિવસે તેમની સાથે શુદ્ધિકરણની ક્રિયા કરી. પછી તે મંદિરમાં ગયો અને શુદ્ધિકરણનો સમય કેટલા દિવસ પછી પૂરો થશે અને ત્યારે એમાંના પ્રત્યેકને માટે ક્યારે બલિદાન કરવામાં આવશે તેની તેણે ત્યાં જાહેરાત કરી. મંદિરમાં પાઉલની ધરપકડ 27 સાત દિવસ પૂરા થવાની તૈયારીમાં હતા તેવામાં આસિયામાંથી આવેલા કેટલાક યહૂદીઓએ પાઉલને મંદિરમાં જોયો. તેમણે લોકોના આખા ટોળાને ઉશ્કેર્યું અને પાઉલને પકડયો. 28 તેમણે પોકાર કર્યો, “હે ઇઝરાયલીઓ, આવો. મોશેના નિયમશાસ્ત્ર વિરુદ્ધ અને આ મંદિરની વિરુદ્ધ સર્વ જગ્યાએ શીખવતો ફરતો માણસ તે આ જ છે; અને હવે થોડા બિનયહૂદીઓને મંદિરમાં લાવીને તેણે આ પવિત્ર સ્થાનને અભડાવ્યું છે!” 29 તેમણે એવું કહ્યું કારણ, તેમણે ત્રોફીમસને પાઉલની સાથે એફેસસમાં જોયો હતો, અને તેમણે ધાર્યું કે પાઉલ તેને મંદિરમાં લાવ્યો હશે. 30 આખા શહેરમાં ધાંધલ મચી ગયું. બધા લોકો દોડી આવ્યા અને પાઉલને મંદિરની બહાર ઢસડી ગયા. તરત જ મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. 31 ટોળું પાઉલને મારી નાખવાનો પ્રયાસ કરતું હતું એવામાં રોમન લશ્કરી ટુકડીના અફસરને ખબર પહોંચી કે આખા યરુશાલેમમાં હુલ્લડ ફાટી નીકળ્યું છે. 32 પોતાની સાથે કેટલાક અધિકારીઓ અને સૈનિકોને લઈને અફસર તરત જ ટોળા પાસે પહોંચી ગયો. તેની સાથે સૈનિકોને જોઈને લોકો પાઉલને મારતા અટકી ગયા. 33 અફસરે પાઉલ પાસે જઈને તેની ધરપકડ કરી અને તેને બે સાંકળોથી બાંધી દેવા હુકમ કર્યો. પછી તેણે પૂછયું, “આ માણસ કોણ છે? તેણે શુ કર્યું છે?” 34 ટોળામાંના કેટલાકે આમ વાત કરી તો કેટલાકે તેમ વાત કરી. એવી ગેરસમજ વ્યાપી ગઈ કે ખરેખર શુ બન્યું હતું તેની અફસરને ખબર પડી નહિ; તેથી પાઉલને કિલ્લામાં લઈ જવા તેણે પોતાના માણસોને હુકમ કર્યો. 35 તેઓ તેની સાથે પગથિયાં સુધી ગયા અને ટોળું વીફર્યું હોવાથી સૈનિકોએ પાઉલને ઊંચકી લેવો પડયો. 36 તેઓ બધા તેની પાછળ બૂમો પાડતા આવતા હતા, “તેને ખતમ કરો!” તેઓ પાઉલને કિલ્લામાં લઈ જતા હતા ત્યારે તેણે અફસરને કહ્યું, પાઉલે કરેલો પોતોનો બચાવ 37 “મારે તમને કંઈક કહેવું છે.” 38 અફસરે પૂછયું, “તું ગ્રીક બોલે છે! તો પછી કેટલાક સમય પહેલાં બળવો પોકારીને ચારસો શસ્ત્રસજ્જ બળવાખોરોને વેરાનપ્રદેશમાં લઈ જનાર પેલો ઇજિપ્તી તો તું નથી ને?” 39 પાઉલે જવાબ આપ્યો, “હું કિલીકિયાના તાર્સસમાં જન્મેલો યહૂદી છું, અને એ અગ્રગણ્ય શહેરનો નાગરિક છું. મને લોકો આગળ બોલવા દો.” 40 અફસરે તેને પરવાનગી આપી એટલે પાઉલ પગથિયાં પર ઊભો રહ્યો અને લોકોને શાંત રહેવા હાથથી ઇશારો કર્યો. લોકો શાંત પડયા એટલે પાઉલ તેમની સાથે હિબ્રૂ ભાષામાં બોલ્યો: |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide