પ્રે.કૃ. 20 - પવિત્ર બાઇબલ C.L.મકદોનિયા અને ગ્રીસ તરફ મુસાફરી 1 હુલ્લડ શમી ગયા પછી પાઉલે વિશ્વાસીઓને એકત્રિત કર્યા, અને તેમને ઉત્તેજનદાયક વચનો કહીને તેમની વિદાય લીધી. પછી તે ત્યાંથી નીકળીને મકદોનિયા ગયો. 2 એ પ્રદેશોમાં ફરીને તેણે લોકોને ઘણા સંદેશા આપીને પ્રોત્સાહિત કર્યા. પછી તે ગ્રીસ આવ્યો. 3 ત્યાં તે ત્રણ માસ રહ્યો. તે સિરિયા જવાની તૈયારી કરતો હતો ત્યારે ખબર પડી કે યહૂદીઓ તેની વિરુદ્ધ કાવતરું ઘડતા હતા. તેથી તેણે મકદોનિયા થઈને પાછા જવાનો નિર્ણય કર્યો. 4 બેરિયાના વતની પુર્હસનો પુત્ર સોપાતર તેની સાથે ગયો; એ જ પ્રમાણે, થેસ્સાલોનિકાથી આરિસ્તાર્ખસ અને સિકુંદસ; દેર્બેથી ગાયસ; તિમોથી તથા આસિયા પ્રદેશમાંથી તુખીક્સ અને ત્રોફિમસ પણ હતા. 5 તેઓ અમારી અગાઉ ત્રોઆસ જઈ અમારી રાહ જોતા હતા. 6 ખમીર વગરની રોટલી ખાવાના પર્વ પછી અમે જળમાર્ગે ફિલિપ્પી ગયા, અને પાંચ દિવસ પછી તેમને ત્રોઆસમાં મળ્યા, અને ત્યાં એક સપ્તાહ રહ્યા. ત્રોઆસમાં પાઉલની છેલ્લી મુલાકાત 7 સપ્તાહને પ્રથમ દિવસે અમે રોટલી ભાંગવાને એકઠા થયા. 8 પાઉલે લોકો સમક્ષ સંદેશો આપ્યો અને મધરાત સુધી બોલવાનું ચાલુ રાખ્યું. કારણ, તે બીજે દિવસે ત્યાંથી જવાનો હતો. 9 અમે જ્યાં મળતા હતા ત્યાં ઉપલે માળે ઘણા દીવા હતા. યુતુખસ નામનો એક યુવાન બારીમાં બેઠો હતો. પાઉલે ભાષણ લંબાવ્યું તેથી યુતુખસને ઊંઘ ચઢી અને ભારે ઊંઘમાં ઘેરાઈ જતાં તે ત્રીજે માળેથી જમીન પર પટક્યો. તેમણે તેને ઊંચક્યો ત્યારે તે મરેલો માલૂમ પડયો. 10 પણ પાઉલ નીચે ગયો, અને તેના પર પડીને તેને ઢંઢોળ્યો. તેણે કહ્યું, “ચિંતા ન કરશો, તે જીવે છે!” 11 પછી પાઉલ ઉપલે માળે ગયો અને રોટલી ભાંગીને ખાધા પછી લાંબો સમય એટલે સૂર્યોદય થતાં સુધી તેમની સાથે વાતો કરીને પાઉલ ચાલી નીકળ્યો. 12 તેઓ તે યુવાનને જીવતો ઘેર લઈ ગયા, અને પુષ્કળ દિલાસો પામ્યા. ત્રોઆસથી મિલેતસ 13 અમે આગળ જઈ વહાણમાં બેઠા અને જળમાર્ગે આસોસ ગયા. ત્યાંથી અમે પાઉલને વહાણમાં લેવાના હતા. તેણે અમને એમ કરવાનું કહ્યું હતું, કારણ, તે ત્યાં જમીનમાર્ગે જવાનો હતો. 14 તે અમને આસોસમાં મળ્યો એટલે તેને વહાણમાં લઈને અમે મિતુલેને ગયા. 15 ત્યાંથી અમે વહાણ હંકાર્યું અને બીજે દિવસે ખીઓસ પહોંચ્યા. એક દિવસ પછી અમે સામોસ આવ્યા અને પછી બીજે દિવસે મિલેતસ આવી પહોંચ્યા. 16 પાઉલે એફેસસને ટાળીને વહાણમાં જવાનો નિર્ણય કર્યો; જેથી આસિયાના પ્રદેશમાં જરા પણ સમય બગડે નહિ. શકાય હોય તો પચાસમાના પર્વના દિવસ પહેલાં તે યરુશાલેમ પહોંચી જવાની ઉતાવળમાં હતો. એફેસસના આગેવાનોને પાઉલનો વિદાયસંદેશ 17 પાઉલે મિલેતસથી એફેસસ સંદેશો મોકલ્યો કે મંડળીના આગેવાનો તેને મળવા આવે. 18 તે આવ્યા એટલે તેણે કહ્યું, “આસિયા પ્રદેશમાં હું પ્રથમવાર આવ્યો ત્યારથી તમારી સાથેનો પૂરો સમય મેં કેવી રીતે ગાળ્યો તે તમે જાણો છો. 19 યહૂદીઓના કાવતરાંને કારણે કપરા સમયોમાં થઈને પસાર થતાં પ્રભુના સેવક તરીકે મેં મારું સેવાકાર્ય પૂરી નમ્રતા અને ઘણાં આંસુઓ સાથે કર્યું છે. 20 તમે જાણો છો કે જાહેરમાં અથવા તમારાં ઘરોમાં ઉપદેશ કરતાં કે શિક્ષણ આપતાં તમને મદદર્ક્તા નીવડે એવું કંઈપણ મેં તમારાથી પાછું રાખ્યું નથી. 21 યહૂદી અને બિનયહૂદી બધાને એક સરખી રીતે મેં ગંભીર ચેતવણી આપી કે તેમણે પોતાનાં પાપથી વિમુખ થઈ ઈશ્વર તરફ ફરવું, અને આપણા પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરવો. 22 અને હવે, પવિત્ર આત્માને આધીન થઈને મારું શું થશે એ જાણ્યા વગર હું યરુશાલેમ જઉં છું. 23 હું માત્ર એટલું જ જાણું છું કે પ્રત્યેક શહેરમાં પવિત્ર આત્મા મને ચેતવણી આપે છે કે બંદીવાસ તથા સંકટો મારી રાહ જુએ છે. 24 “હું મારું સેવાકાર્ય સંપૂર્ણ કરું અને પ્રભુ ઈસુએ મને સોંપેલું કાર્ય પૂરું કરું તે માટે હું મારા જીવને પણ વહાલો ગણતો નથી. એ કાર્ય તો ઈશ્વરની કૃપાનો શુભસંદેશ જાહેર કરવાનું છે. 25 “ઈશ્વરના રાજનો ઉપદેશ કરતાં કરતાં હું તમ સર્વ મયે ફર્યો છું. અને હવે હું જાણું છું કે તમારામાંનો કોઈ મને ફરી જોશે નહિ. 26 તેથી હું આજે જ આ વાત ગંભીરપણે જાહેર કરું છું! જો તમારામાંના કોઈનો નાશ થાય તો હું જવાબદાર નથી. 27 તમને ઈશ્વરનો સમગ્ર ઉદ્દેશ જણાવવામાં મેં કંઈ બાકી રાખ્યું નથી. 28 તમારી પોતાની તેમ જ પવિત્ર આત્માએ તમને સોંપેલા આખા ટોળાની સંભાળ રાખો. ઈશ્વરની મંડળી, જેને તેમણે પોતાના લોહી દ્વારા ખરીદી લીધી છે તેનું પાલન કરો. 29 હું જાણું છું કે મારા ગયા પછી તમારી મયે ક્રૂર વરુઓ આવશે, અને ટોળાનો નાશ કરશે. 30 એવો સમય આવશે કે જ્યારે તમારી પોતાની જ સંગતના માણસો કેટલાક વિશ્વાસીઓને પોતાની પાછળ દોરી જવા જુઠ્ઠું બોલશે. 31 તેથી સાવધ રહેજો અને યાદ રાખજો કે રાતદિવસ ઘણાં આંસુઓ સારીને મેં તમ સર્વને ત્રણ વર્ષ સુધી શિક્ષણ આપ્યું છે. 32 “અને હવે હું તમને ઈશ્વરને તેમ જ તેમની કૃપાના સંદેશને સોંપું છું. તે તમારું ઘડતર કરવાને અને તેના અલગ કરાયેલા સર્વ લોકો માટે રાખી મૂકેલી આશિષો આપવાને સમર્થ છે. 33 મેં કોઈના સોનારૂપાનો કે કીમતી વસ્ત્રનો લોભ રાખ્યો નથી. 34 તમે પોતે જાણો છો કે મારા પોતાના હાથોથી ક્મ કરીને મેં મારા સાથીદારોની તેમ જ મારી જરૂરિયાતો પૂરી પાડી છે. 35 આ રીતે સખત ક્મ કરીને મેં બધી વાતે બતાવી આપ્યું છે કે, ‘દાન પામવા કરતાં આપવામાં વિશેષ ધન્યવાદ છે.” એ પ્રભુ ઈસુના પોતાના શબ્દો યાદ રાખીને આપણે નિર્બળોને સહાય કરવી જોઈએ.’ 36 પાઉલ બોલી રહ્યો એટલે બધાની સાથે તેણે ઘૂંટણે પડીને પ્રાર્થના કરી. 37 સૌ તેને ભેટીને ચુંબન કરી વિદાય આપતાં રડતા હતા. 38 ખાસ કરીને, તેઓ તેને ફરી કદી નહિ જુએ એવા એના શબ્દોને કારણે તેઓ દુ:ખી થયા. અને એમ તેઓ તેને વળાવવા વહાણ સુધી ગયા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide