પ્રે.કૃ. 19 - પવિત્ર બાઇબલ C.L.એફેસસમાં પાઉલ 1 આપોલસ કોરીંથમાં હતો ત્યારે પાઉલ આસિયા પ્રદેશના અંતરિયાળ વિસ્તારોમાં ફરીને એફેસસમાં આવી પહોંચ્યો. ત્યાં તેને કેટલાક શિષ્યો મળ્યા. 2 તેણે તેમને પૂછયું, “તમે વિશ્વાસ કર્યો ત્યારે તમને પવિત્ર આત્મા મળ્યો હતો?” તેમણે જવાબ આપ્યો, “પવિત્ર આત્મા છે એવું અમે સાંભળ્યું પણ નથી.” 3 પાઉલે પૂછયું, “તો પછી તમે કોનું બાપ્તિસ્મા પામ્યા?” તેમણે જવાબ આપ્યો, “યોહાનનું બાપ્તિસ્મા.” 4 પાઉલે કહ્યું, “પોતાનાં પાપથી પાછા ફરનારાઓ માટે યોહાનનું બાપ્તિસ્મા હતું; અને તેણે ઇઝરાયલી લોકોને તેના પછીથી આવનાર ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કરવાનું કહ્યું હતું.” 5 એ સાંભળ્યા પછી તેઓ પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા પામ્યા. 6 પાઉલે તેમના પર પોતાના હાથ મૂક્યા, ત્યારે પવિત્ર આત્મા તેમના પર આવ્યો; તેઓ જુદી જુદી ભાષાઓમાં બોલવા લાગ્યા અને ઈશ્વરનો સંદેશ પણ પ્રગટ કરવા લાગ્યા, 7 તેઓ બધા મળીને બાર પુરુષો હતા. 8 ત્રણ માસ સુધી પાઉલે ભજનસ્થાનમાં જઈને લોકોની સાથે ચર્ચા કરી અને ઈશ્વરના રાજ સંબંધી ખાતરી કરાવવા તેમની સાથે હિંમતપૂર્વક બોલ્યો. 9 પણ તેમાંના કેટલાક જડ હતા અને તેઓ વિશ્વાસ ન કરતાં આખી સંગતની સમક્ષ પ્રભુના માર્ગની નિંદા કરતા. તેથી પાઉલ તેમને મૂકીને શિષ્યોને પોતાની સાથે લઈને જતો રહ્યો. તે દરરોજ તુરેન્નસના સભાગૃહમાં ચર્ચા કરતો. 10 આવું બે વર્ષ સુધી ચાલ્યું; અને તેથી આસિયા પ્રદેશમાં વસતા યહૂદી અને બિનયહૂદી સૌએ પ્રભુનો સંદેશ સાંભળ્યો. સ્કેવાના પુત્રો 11 ઈશ્વર પાઉલ દ્વારા અસાધારણ ચમત્કારો કરતા હતા. 12 પાઉલે વાપરેલા હાથરુમાલ અને ટુવાલ પણ બીમાર માણસો પાસે લઈ જવામાં આવતા અને તેમના રોગ મટી જતા અને તેમનામાંથી દુષ્ટાત્માઓ નીકળી જતા. 13 કેટલાક યહૂદીઓ અહીંતહીં ફરતા અને દુષ્ટાત્માઓ કાઢવા માટે તેમણે પ્રભુ ઈસુના નામનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો. તેઓ દુષ્ટાત્માઓને કહેતા, “પાઉલ જેને પ્રગટ કરે છે એ ઈસુને નામે હું હુકમ કરું છું.” 14 સ્કેવા નામના એક યહૂદી પ્રમુખ યજ્ઞકારના સાત પુત્રો આવું કરતા હતા. 15 પણ દુષ્ટાત્માએ તેમને કહ્યું, “ઈસુને હું ઓળેખું છું અને પાઉલ વિષે હું જાણું છું, પણ તમે કોણ છો?” 16 દુષ્ટાત્મા વળગેલા માણસે તેમના પર ભયંકર હુમલો કરીને તેમને હરાવ્યા. તેથી તેઓ ઘવાઈને નિર્વ ઘરમાંથી નાઠા. 17 એફેસસમાં વસતા બધા યહૂદીઓ અને બિનયહૂદીઓએ એ વિષે સાંભળ્યું; તેઓ સૌ ગભરાયા અને પ્રભુ ઈસુના નામને વિશેષ માન મળ્યું. 18 ઘણા વિશ્વાસીઓએ આવીને પોતાનાં દુષ્કૃત્યોની જાહેરમાં કબૂલાત કરી. 19 જાદુવિદ્યા કરનારાઓએ તેમનાં પુસ્તકો એકઠાં કરીને બધાની હાજરીમાં બાળી નાખ્યાં. તેમણે એ પુસ્તકોનું મૂલ્ય આંકાયું તો તે ચાંદીના પચાસ હજાર સિક્કા જેટલું થયું. 20 આમ પ્રભુના સંદેશનો પ્રચાર વધતો ગયો અને પ્રબળ થતો ગયો. એફેસસમાં હુલ્લડ 21 એ બનાવો બન્યા પછી પાઉલે મકદોનિયા અને ગ્રીસમાં થઈને યરુશાલેમ જવાનો નિર્ણય કર્યો. તેણે કહ્યું, “ત્યાં ગયા પછી મારે રોમ પણ જવું જોઈએ.” 22 તેથી તેણે પોતાના બે મદદનીશો તિમોથી અને એરાસ્તસને મકદોનિયા મોકલ્યા, જ્યારે પોતે આસિયાના પ્રદેશમાં થોડો વધુ સમય રહ્યો. 23 આ જ સમયે પ્રભુના માર્ગને લીધે એફેસસમાં ભારે હુલ્લડ થયું. 24 દેમેત્રિયસ નામનો એક સોની આર્તેમિસ દેવીના મંદિરના ચાંદીના નમૂના બનાવતો હતો. એના ધંધાથી ઘણા કારીગરોને લાભ થતો. 25 તેથી તેણે એ બધાને અને તેમની સાથે તેમના જેવું ક્મ કરનારાઓને એકત્ર કર્યા, અને કહ્યું, “ભાઈઓ, તમે જાણો છો કે આ ધંધા પર આપણી આબાદીનો આધાર છે. 26 આ પાઉલ શું કરી રહ્યો છે તે તમે તમારી જાતે જુઓ છો અને સાંભળો છો. તે કહે છે કે માણસોએ બનાવેલા દેવો તો દેવો જ નથી અને અહીં એફેસસમાં તેમ જ લગભગ આખા આસિયા પ્રદેશમાં ઘણા લોકોને એવું સમજાવવામાં તે સફળ થયો છે. 27 તેથી આપણો ધંધો બદનામ થવાનો મોટો ભય રહેલો છે. એટલું જ નહિ, પણ આસિયા તેમ જ આખી દુનિયામાં જેની ભક્તિ થાય છે એ મહાન દેવી આર્તેમિસના મંદિરનું કંઈ મહત્ત્વ રહેશે નહિ અને તેનો સર્વ મહિમા ખતમ થઈ જાય એવો ભય પણ છે!” 28 આ શબ્દો સાંભળીને ટોળું ક્રોધે ભરાયું અને પોકારવા લાગ્યું, “આર્તેમિસ દેવીની જય!” 29 આખા શહેરમાં ધાંધલ મચ્યું, લોકોનાં ટોળાએ પાઉલની સાથે ફરનારા ગાયસ અને આરિસ્તાર્ખસ નામના મકદોનિયાના બેને પકડયા અને તેઓ તેમને લઈને સભાગૃહમાં ધસ્યા. 30 પાઉલ પોતે ટોળા સમક્ષ જવા માગતો હતો. પણ વિશ્વાસીઓએ તેને જવા દીધો નહિ. 31 કેટલાક જિલ્લા અધિકારીઓ પાઉલના મિત્રો હતા. તેમણે પણ તેના પર આગ્રહપૂર્વક ખબર મોકલાવી કે તારે સભાગૃહમાં હાજર થવું નહિ. 32 દરમ્યાનમાં, આખી સભામાં ધાંધલ થઈ રહ્યું: કેટલાક લોકો કંઈક પોકારતા હતા, જ્યારે બીજા કેટલાક બીજું કંઈક પોકારતા હતા. કારણ, તેમાંના કેટલાક તો તેઓ શા માટે એકત્ર થયા છે એ પણ જાણતા ન હતા. 33 કેટલાક લોકોએ માની લીધું કે આ બધા માટે એલેકઝાંડર જવાબદાર હતો. કારણ, યહૂદીઓએ તેને આગળ મોકલ્યો. પછી એલેકઝાંડરે હાથથી ઇશારો કરીને લોકો સમક્ષ બચાવ અર્થે બોલવા પ્રયત્ન કર્યો. 34 પણ જ્યારે તેમને ખબર પડી કે તે યહૂદી છે ત્યારે તેમણે બે કલાક સુધી એક જ સૂત્ર પોકાર્યા કર્યું: “બોલો, એફેસસની આર્તેમિસ દેવીની જય!” 35 અંતે શહેરનો અધિકારી ટોળાને શાંત પાડી શક્યો. તેણે કહ્યું, “એફેસસવાસીઓ! એફેસસમાં મહાન આર્તેમિસ દેવીનું મંદિર અને આકાશમાંથી પડેલી તેની પ્રતિમા છે એ સૌ કોઈ જાણે છે. 36 કોઈ આ બાબતોનો નકાર કરી શકે તેમ નથી. તેથી તમારે શાંત થવું જોઈએ અને વગર વિચાર્યું કંઈ કરવું જોઈએ નહિ. 37 આ માણસોએ મંદિરો લૂંટયાં નથી, કે નથી આપણી દેવીની નિંદા કરી; તો પણ તમે તેમને અહીં લાવ્યા છો. 38 દેમેત્રિયસ અને તેના કારીગરોને કોઈના પર આરોપ મૂકવાનો હોય, તો કોર્ટ નિયત દિવસોએ ચાલે છે અને સત્તાધિકારીઓ પણ છે; તેઓ ત્યાં એકબીજા પર ફરિયાદ કરી શકે છે. 39 પણ તમારી માગણી એથી વિશેષ હોય તો તેનો નિર્ણય નાગરિકોની ક્યદેસરની સભામાં જ થઈ શકે. 40 કારણ, આજે જે બન્યું છે તેથી આપણા પર હુલ્લડનો આરોપ આવે એવો ભય છે. આ ધાંધલ માટે કોઈ બહાનું નથી, અને આ ધાંધલ માટે કોઈ યોગ્ય કારણ આપણે આપી શકવાના નથી. 41 એમ કહ્યા પછી તેણે સભા સમાપ્ત કરી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide