પ્રે.કૃ. 18 - પવિત્ર બાઇબલ C.L.કોરીંથમાં 1 એ પછી પાઉલ એથેન્સથી નીકળીને કોરીંથ આવ્યો. 2 ત્યાં પોંતસમાં જન્મેલા આકુલા નામના એક યહૂદી સાથે તેને મુલાકાત થઈ. તે થોડા જ સમય પર તેની પત્ની પ્રિસ્કીલા સાથે ઇટાલીથી આવ્યો હતો; કારણ, સમ્રાટ કલોડીયસે બધા યહૂદીઓને રોમમાંથી ચાલ્યા જવાનો હુકમ કર્યો હતો. પાઉલ તેમને મળવા ગયો. 3 પછી તેમને ત્યાં રહી તેમની સાથે તે પણ તંબુ બનાવીને પોતાની આજીવિકા મેળવતો હતો. 4 તે દર વિશ્રામવારે ભજનસ્થાનમાં ચર્ચા કરતો અને યહૂદીઓ તેમજ ગ્રીકોને પોતાના સંદેશની ખાતરી કરાવવાનો પ્રયત્ન કરતો. 5 સિલાસ અને તિમોથી મકદોનિયાથી આવ્યા એટલે પાઉલે યહૂદીઓ સમક્ષ ઈસુ એ જ મસીહ છે એવી સાક્ષી આપવામાં પોતાનો પૂરો સમય ગાળ્યો. 6 જ્યારે તેમણે તેનો વિરોધ કર્યો અને તેના સંબંધી ખોટી વાતો કહી ત્યારે પોતાનાં કપડાં પરથી ધૂળ ખંખેરતા પાઉલે તેમનો વિરોધ કર્યો અને કહ્યું, “તમારા વિનાશ માટે તમે જ જવાબદાર છો, હું નહિ; હવેથી હું બિનયહૂદીઓ પાસે જઈશ.” 7 તેથી તે તેમને મૂકીને ઈશ્વરભક્ત તિતસ યુસ્તસ નામના એક બિનયહૂદીને ઘેર રહ્યો; તેનું ઘર ભજનસ્થાનની પાસે હતું. 8 ભજનસ્થાનના આગેવાન ક્રિસ્પસે તથા તેના કુટુંબે વિશ્વાસ કર્યો. કોરીંથના બીજા ઘણા લોકોએ સંદેશો સાંભળીને વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યા. 9 એક રાત્રે પાઉલને સંદર્શન થયું. પ્રભુએ તેમાં તેને કહ્યું, “ગભરાઈશ નહિ, પણ બોલતો રહેજે અને શાંત ના રહેતો. 10 કારણ, હું તારી સાથે છું. કોઈ તને કંઈ ઇજા કરશે નહિ, કારણ, આ શહેરમાં મારા ઘણા લોક છે.” 11 તેથી પાઉલ ત્યાં દોઢ વર્ષ રહ્યો અને લોકોને ઈશ્વરના વચનનો બોધ કર્યો. 12 ગાલિયો ગ્રીસનો રોમન રાજ્યપાલ બન્યો ત્યારે યહૂદીઓએ એકત્ર થઈને પાઉલને પકડયો અને તેને કોર્ટમાં લઈ ગયા. 13 તેમણે કહ્યું, “આ માણસ નિયમશાસ્ત્રથી જુદી રીતે ઈશ્વરનું ભજન કરવા લોકોને સમજાવે છે.” 14 પાઉલ બોલવા જતો હતો એવામાં ગાલિયોએ યહૂદીઓને કહ્યું, “કોઈ ગુનો કે દુષ્ટ કાર્ય કરવા અંગેની આ બાબત નથી. જો તેમ હોત તો મારે યહૂદીઓનું સાંભળવું યોગ્ય હતું. 15 પણ આ તો ફક્ત શબ્દો, નામ અને તમારા પોતાના નિયમશાસ્ત્ર સંબંધીની વાત છે, તેથી તમારે પોતે તેનો નિકાલ કરવો જોઈએ.” 16 પછી તેણે તેમને કોર્ટમાંથી બહાર હાંકી કાઢયા. 17 તેઓ સૌએ ભજનસ્થાનના અધિકારી સોસ્થેનેસને કોર્ટની આગળ જ માર માર્યો. પણ ગાલિયોએ એ પ્રત્યે કંઈ ધ્યાન આપ્યું નહિ. અંત્યોખમાં પાછા ફરવું 18 પાઉલ ભાઈઓ સાથે કોરીંથમાં ઘણા દિવસ રહ્યો અને પછી પ્રિસ્કીલા તથા આકુલાને લઈને ત્યાંથી જળમાર્ગે સિરિયા જવા ઊપડયો. વહાણમાં ઊપડતાં પહેલાં તેણે માનતા લીધી હોવાથી કેંખ્રિયામાં પોતાના માથાના વાળ ઉતરાવ્યા. 19 એફેસસમાં આવી પહોંચતાં પાઉલ પ્રિસ્કીલા તથા આકુલાથી છૂટો પડયો. ભજનસ્થાનમાં જઈને તેણે યહૂદીઓ સાથે ચર્ચા કરી. 20 તેમણે તેને તેમની સાથે વધારે સમય રહેવા કહ્યું, પણ તેણે માન્યું નહિ. 21 એને બદલે, જતાં જતાં તેણે તેમને કહ્યું, “ઈશ્વરની ઇચ્છા હશે તો હું તમારી પાસે પાછો આવીશ.” અને એમ તે એફેસસથી જળમાર્ગે આગળ ગયો. 22 કાઈસારિયા આવી પહોંચ્યા પછી તે યરુશાલેમ આવ્યો અને મંડળીને શુભેચ્છા પાઠવીને અંત્યોખ ગયો. 23 ત્યાં થોડો સમય રહ્યા પછી તે ચાલી નીકળ્યો. બધા વિશ્વાસીઓને દઢ કરતો કરતો તે ગલાતિયા અને ફ્રુગિયાના પ્રદેશમાં ફર્યો. આપોલસનું સેવાકાર્ય 24 એલેકઝાંડ્રિયામાં જન્મેલો આપોલસ નામનો એક યહૂદી એફેસસમાં આવ્યો. તે છટાદાર વક્તા અને ધર્મશાસ્ત્રનો ઊંડો અભ્યાસી હતો. 25 તેને પ્રભુના માર્ગમાં ચાલવાનું શિક્ષણ મળેલું હતું. તે ખૂબ ઉત્સાહથી બોલતો હતો અને ઈસુ સંબંધીની વાતો ચોક્સાઈપૂર્વક શીખવતો હતો. છતાં તે માત્ર યોહાનના બાપ્તિસ્મા વિશે જાણતો હતો. 26 તે ભજનસ્થાનમાં હિંમતપૂર્વક બોલવા લાગ્યો. પ્રિસ્કીલા અને આકુલા તેનું સાંભળીને તેને તેમને ઘેર લઈ ગયા અને તેને ઈશ્વરના માર્ગ સંબંધી વધારે ચોક્સાઈપૂર્વક સમજ આપી. 27 આપોલસે ગ્રીસ જવાનો નિર્ણય કર્યો હોવાથી ત્યાં તેનો આદરસત્કાર થાય તે માટે એફેસસના વિશ્વાસીઓએ ગ્રીસમાં વસતા શિષ્યો પર પત્ર લખીને તેને મદદ કરી. તે ત્યાં આવી પહોંચ્યો અને જેઓ ઈશ્વરની કૃપાથી વિશ્વાસીઓ બન્યા હતા તેમને ખૂબ જ મદદર્ક્તા થઈ પડયો. 28 કારણ, ઈસુ એ જ મસીહ છે એવું ધર્મશાસ્ત્રમાંથી સાબિત કરીને ઉગ્ર દલીલો દ્વારા તેણે યહૂદીઓને જાહેર ચર્ચામાં હરાવ્યા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide