Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પ્રે.કૃ. 17 - પવિત્ર બાઇબલ C.L.


થેસ્સાલોનિકા

1 તેઓ આમ્ફીપોલિસ અને આપોલ્લોનિયા થઈને થેસ્સાલોનિકા આવ્યા. ત્યાં યહૂદીઓનું એક ભજનસ્થાન હતું.

2 પોતાની સામાન્ય રીત પ્રમાણે પાઉલ એ ભજનસ્થાનમાં ગયો. ત્યાં ત્રણ વિશ્રામવાર સુધી તેણે શાસ્ત્રવચનો ટાંકીને ખ્રિસ્તે દુ:ખ સહન કરવું જોઈએ અને મરણમાંથી સજીવન થવું જોઈએ,

3 એ બાબતનો લોકોની આગળ ખુલાસો કર્યો અને તેની સાબિતી આપી. પાઉલે કહ્યું, “જે ઈસુને હું પ્રગટ કરું છું તે જ ખ્રિસ્ત છે.”

4 તેમાંના કેટલાકને એની ખાતરી થઈ અને તેઓ પાઉલ અને સિલાસ સાથે જોડાયા. ઈશ્વરની આરાધના કરનાર ગ્રીકોનો મોટો સમુદાય અને ઘણી અગ્રગણ્ય સ્ત્રીઓ પણ સંગતમાં જોડાયાં.

5 પણ યહૂદીઓને અદેખાઈ આવી. તેમણે શેરીઓના ગુડાંઓનો સાથ લઈને આખા શહેરમાં ધાંધલ મચાવ્યું અને પાઉલ તથા સિલાસને શોધીને લોકો સમક્ષ લાવવાના પ્રયાસરૂપે યાસોનના ઘર પર હુમલો કર્યો.

6 પણ તેઓ તેમને મળ્યા નહિ એટલે યાસોન અને બીજા ભાઈઓને શહેરના અધિકારીઓ પાસે લઈ ગયા અને બૂમો પાડી, “આ લોકોએ આખી દુનિયામાં ઊથલપાથલ કરી મૂકી છે અને હવે આપણા શહેરમાં પણ આવ્યા છે અને યાસોને તેમને પોતાના ઘરમાં રાખ્યા છે.

7 ઈસુ નામે બીજો એક રાજા છે એમ કહીને તેઓ સમ્રાટના બધા કાયદાઓ તો ડે છે.”

8 એમ કહીને તેમણે લોકોને અને શહેરના અધિકારીઓને ઉશ્કેર્યા.

9 અધિકારીઓએ યાસોન અને બીજાઓને જામીન પર છોડી મૂક્યા.


બેરિયામાં

10 રાત પડી એટલે ભાઈઓએ પાઉલ અને સિલાસને તરત જ બેરિયા મોકલી દીધા. ત્યાં પહોંચ્યા પછી તેઓ યહૂદીઓના ભજનસ્થાનમાં ગયા.

11 થેસ્સાલોનિકાના લોકો કરતાં બેરિયાના લોકો ઉમદા દિલવાળા હતા. તેઓ ખૂબ આતુરતાથી સંદેશો સાંભળતા અને પાઉલનું કહેવું ખરેખર સાચું છે કે કેમ તે જાણવા ધર્મશાસ્ત્રમાંથી દરરોજ સંશોધન કરતા.

12 તેમનામાંથી ઘણાએ વિશ્વાસ કર્યો. વળી ઉચ્ચ સામાજિક દરજ્જો ધરાવતી કેટલીક ગ્રીક સ્ત્રીઓએ તેમ જ ઘણા ગ્રીક પુરુષોએ પણ વિશ્વાસ કર્યો.

13 થેસ્સાલોનિકાના યહૂદીઓએ સાંભળ્યું કે પાઉલ બેરિયામાં પણ ઈશ્વરના સંદેશનો પ્રચાર કરે છે, ત્યારે તેઓ ત્યાં પણ ટોળાને ઉશ્કેરવા અને ધાંધલ મચાવવા આવી પહોંચ્યા.

14 ભાઈઓએ પાઉલને તરત જ દરિયાક્ંઠાના પ્રદેશમાં મોકલી આપ્યો; પણ સિલાસ અને તિમોથી બેરિયામાં રહ્યા.

15 પાઉલની સાથે ગયેલા માણસો એથેન્સ સુધી તેની સાથે ગયા. પછી સિલાસ અને તિમોથી જલદીથી પાઉલની સાથે થઈ જાય એવી તેની સૂચનાઓ મેળવીને પાછા બેરિયા આવ્યા.


એથેન્સમાં

16 પાઉલ સિલાસ અને તિમોથીની રાહ જોતો હતો. તેવામાં શહેરમાં અસંખ્ય મૂર્તિઓ જોઈને પાઉલનો જીવ અકળાઈ ઊઠયો.

17 તેથી તેણે ભજનસ્થાનમાં યહૂદીઓ સાથે, ઈશ્વરની ભક્તિ કરનાર ગ્રીકો સાથે અને જાહેરસ્થાનોમાં રોજરોજ એકત્ર થતા લોકો સાથે વાદવિવાદ કર્યો.

18 એપીકાયુરિયન અને સ્ટોઈક મતના કેટલાક ફિલસૂફોએ પણ તેની સાથે વાદવિવાદ કર્યો. કેટલાકે કહ્યું, “આ લવરીખોર શું કહે છે?” બીજાઓએ કહ્યું, “તે કોઈ પરદેશી દેવદેવી સંબંધી બોલતો લાગે છે.” ઈસુ અને તેમના સજીવન થવા વિષે પાઉલ ઉપદેશ કરતો હોવાથી તેઓ એવું બોલ્યા.

19 તેથી તેઓ પાઉલને લઈને એરિયોપાગસના સભાગૃહમાં આવ્યા અને કહ્યું, “તું જે નવા શિક્ષણ વિષે બોલે છે તે વિષે અમારે વધારે જાણવું છે.

20 તારી પાસેથી જે વાતો અમે સાંભળીએ છીએ તેમાંની કેટલીક અમને વિચિત્ર લાગે છે અને અમે તેનો અર્થ જાણવા માગીએ છીએ.”

21 એથેન્સના સર્વ નાગરિકો અને ત્યાં વસતા પરદેશીઓ તેમનો બધો સમય નવી વિચારસરણીની ચર્ચા કરવામાં ગાળતા.

22 પાઉલ એરિયોપાગસના સભાગૃહના પ્રાંગણમાં ઊભો રહ્યો અને કહ્યું, “એથેન્સવાસીઓ! તમે સર્વ રીતે ખૂબ જ ધાર્મિક છો.

23 કારણ, તમારા શહેરમાંથી પસાર થતાં હું તમારાં ભજનસ્થાનો જોતો હતો. ત્યારે મેં એક એવી પણ વેદી જોઈ કે જેના પર “અજાણ્યા દેવના ભજન માટે.” એવો લેખ કોતરેલો હતો.

24 પણ દુનિયા અને તેની અંદરનું સર્વસ્વ ઉત્પન્‍ન કરનાર ઈશ્વર આકાશ તથા પૃથ્વીના પ્રભુ છે, અને તે માણસોએ બાંધેલાં મંદિરોમાં રહેતા નથી.

25 વળી, માણસોની મદદની તેમને કંઈ જરૂર નથી. કારણ, તે પોતે જ બધા માણસોને જીવન, શ્વાસોચ્છ્વાસ અને સઘળું આપે છે.

26 એક માણસમાંથી તેમણે બધી પ્રજાઓ પેદા કરી, અને તેમને આખી પૃથ્વી પર વસાવી. તેમના વસવાટ અંગેના ચોક્કસ સમયો અને સ્થળો તેમણે પોતે અગાઉથી નક્કી કર્યાં હતાં.

27 તેમણે એટલા માટે એવું કર્યું કે પ્રજાઓ તેમની શોધ કરે અને તેમની હાજરીનો અનુભવ કરતાં કદાચ તેમને પ્રાપ્ત કરે. છતાં હકીક્તમાં ઈશ્વર આપણામાંનાં કોઈથી દૂર નથી.

28 જેમ કોઈકે કહ્યું છે તેમ, ‘તેમનામાં આપણે જીવીએ છીએ, હરીએફરીએ છીએ અને આપણું અસ્તિત્વ ધરાવીએ છીએ.’ વળી, તમારા કવિઓમાંથી જ કોઈકે કહ્યું છે, ‘આપણે તેમનાં જ સંતાનો છીએ.’

29 “આપણે ઈશ્વરનાં સંતાન હોવાથી એવું ન ધારવું જોઈએ કે માણસે પોતાની કલ્પના અને કળાકૌશલ્યથી બનાવેલી સોના, રૂપા કે પથ્થરમાંથી ઘડેલી પ્રતિમા જેવું તેમનું સ્વરૂપ છે.

30 માણસના અજ્ઞાનપણાના સમયોમાં ઈશ્વરે એ ચલાવી લીધું, પણ હવે તે સર્વ જગ્યાએ વસતા માણસોને પોતાના બધા દુષ્ટ માર્ગોથી પાછા ફરવા આજ્ઞા કરે છે.

31 કારણ, તેમણે પસંદ કરેલા એક માણસ દ્વારા આખી દુનિયાનો અદલ ન્યાય કરવા માટે તેમણે એક દિવસ નક્કી કર્યો છે. એ માણસને મરણમાંથી સજીવન કરીને તેમણે સૌની સમક્ષ એ વાતની સાબિતી આપી છે.”

32 મરણમાંથી સજીવન થવા અંગે પાઉલને બોલતો સાંભળીને કેટલાકે તેની મશ્કરી ઉડાવી. પણ કેટલાકે કહ્યું, “આ અંગે ફરીથી અમે તારી પાસેથી સાંભળવા માગીએ છીએ.”

33 એમ પાઉલ સભામાંથી જતો રહ્યો.

34 કેટલાક માણસો તેની સાથે જોડાયા અને વિશ્વાસ કર્યો; તેમાં એરિયોપાગસનો સભ્ય ડાયનીસીયસ, હેમેરિયસ નામની એક સ્ત્રી અને બીજા કેટલાક હતા.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan