પ્રે.કૃ. 16 - પવિત્ર બાઇબલ C.L.પાઉલ અને સિલાસની સાથે તિમોથી 1 ત્યાર પછી પાઉલ દેર્બે અને લુસ્ત્રા ગયો. ત્યાં તિમોથી નામે એક વિશ્વાસી રહેતો હતો. તેની મા વિશ્વાસી હતી; તે યહૂદી હતી. તેનો પિતા ગ્રીક હતો. 2 લુસ્ત્રા અને દેર્બેમાં બધા ભાઈઓનો તિમોથી વિષેનો અભિપ્રાય ઘણો સારો હતો. 3 પાઉલ તિમોથીને તેની સાથે લેવા માગતો હતો, તેથી તેણે તેની સુન્નત કરાવી. એમ કરવાનું કારણ એ હતું કે એ સ્થળોમાં રહેતા સર્વ યહૂદીઓ જાણતા હતા કે તિમોથીનો પિતા ગ્રીક છે. 4 નગરેનગર જતાં જતાં તેઓ પ્રેષિતો અને યરુશાલેમના આગેવાનોએ ઠરાવેલા નિયમો વિશ્વાસીઓને જણાવતા ગયા, અને તેમને એ નિયમો પાળવાનું કહેતા ગયા. 5 એમ મંડળીઓ વિશ્વાસમાં દઢ થતી ગઈ અને સંખ્યામાં વધતી ગઈ. ત્રોઆસમાં પાઉલને સંદર્શન 6 તેમણે ફ્રુગિયા અને ગલાતિયાના પ્રદેશમાં પ્રવાસ કર્યો. કારણ, પવિત્ર આત્માએ તેમને આસિયા પ્રદેશમાં સંદેશનો પ્રચાર કરતાં અટકાવ્યા. 7 તેઓ મુસિયાની સરહદ પર પહોંચ્યા ત્યારે તેમણે બિથુનિયા જવાનો પ્રયાસ કર્યો, પણ ઈસુના આત્માએ તેમને જવા દીધા નહિ. 8 તેથી તેઓ મુસિયા થઈને મુસાફરી કરતાં કરતાં ત્રોઆસ આવી પહોંચ્યા. 9 તે રાત્રે પાઉલને સંદર્શન થયું અને તેમાં તેણે એક માણસને ઊભો થઈને આજીજી કરતાં જોયો, “મકદોનિયા આવીને અમને સહાય કરો.” 10 પાઉલને એ સંદર્શન થયા પછી અમે તરત જ મકદોનિયા જવા તૈયાર થઈ ગયા. કારણ, અમે નિર્ણય પર આવ્યા કે ઈશ્વરે અમને ત્યાંના લોકોને શુભસંદેશનો ઉપદેશ કરવા આમંત્રણ આપ્યું છે. ફિલિપ્પીમાં લુદિયાનું બદલાણ 11 અમે ત્રોઆસથી વહાણમાં ઊપડયા અને સીધેસીધા સામોથ્રાકે હંકારી ગયા અને બીજે દિવસે નીઆપોલીસ પહોંચ્યા. 12 ત્યાંથી અમે જમીનમાર્ગે ફિલિપ્પી ગયા. એ તો મકદોનિયા જિલ્લાનું અગ્રગણ્ય શહેર અને રોમનોનું સંસ્થાન છે. અમે એ શહેરમાં ઘણા દિવસ રહ્યા. 13 શહેર બહાર નદીકિનારે યહૂદીઓનું પ્રાર્થનાસ્થાન હશે એવું ધારીને વિશ્રામવારે અમે ત્યાં ગયા. ત્યાં બેસીને અમે એકત્ર થયેલી સ્ત્રીઓ સાથે વાત કરી. 14 એમાંની એક થુઆતૈરાની લુદિયા હતી. તે જાંબુઆ વસ્ત્રનો વેપાર કરતી હતી. તે ઈશ્વરભક્ત હતી અને પાઉલનું કહેવું ગ્રહણ કરવા પ્રભુએ તેનું મન ખોલ્યું. તે અને તેના ઘરનાં માણસો બાપ્તિસ્મા પામ્યાં. 15 પછી તેણે અમને આમંત્રણ આપ્યું, “જો તમને લાગ્યું હોય કે હું પ્રભુમાં સાચો વિશ્વાસ કરું છું, તો મારે ઘેર આવીને રહો.” તેણે અમને પોતાને ત્યાં લઈ જવા આગ્રહ કર્યો. ફિલિપ્પીની જેલમાં 16 એક દિવસે અમે પ્રાર્થનાસ્થાને જતા હતા ત્યારે અમને એક સ્ત્રીનોકર મળી. તેને આગાહી કરનાર દુષ્ટાત્મા વળગ્યો હતો. ભવિષ્ય ભાખીને તેણે તેના માલિકોને ઘણા પૈસા કમાવી આપ્યા હતા. 17 તે પાઉલ અને અમારી પાછળ પાછળ બૂમો પાડતી પાડતી આવતી હતી, “આ માણસો તો સર્વોચ્ચ ઈશ્વરના સેવકો છે! તમારો કેવી રીતે ઉદ્ધાર થઈ શકે તે તેઓ તમને જાહેર કરે છે!” 18 ઘણા દિવસોથી તે આ પ્રમાણે કરતી હતી, એટલે છેવટે પાઉલે અકળાઈને પાછા ફરીને દુષ્ટાત્માને કહ્યું, “પ્રભુ ઈસુને નામે હું તને હુકમ કરું છું કે તેનામાંથી નીકળી જા!” એ જ ક્ષણે તેનામાંથી દુષ્ટાત્મા નીકળી ગયો. 19 જ્યારે તેના માલિકોને ખબર પડી કે તેમની પૈસા કમાવાની તક ચાલી ગઈ છે ત્યારે તેમણે પાઉલ અને સિલાસને પકડયા અને તેમને અધિકારીઓ પાસે જાહેરસ્થાનમાં ઢસડી ગયા. 20 તેમણે તેમને રોમન અધિકારીઓ પાસે લાવીને કહ્યું, “આ લોકો યહૂદી છે અને આપણા શહેરમાં ધાંધલ મચાવે છે. 21 તેઓ આપણા નિયમ વિરુદ્ધના રિવાજો શીખવે છે, આપણે રોમનો હોવાથી એ રિવાજોનો સ્વીકાર કે પાલન કરી શકીએ નહિ.” 22 લોકોના ટોળાએ તેમની વિરુદ્ધના હુમલામાં સાથ આપ્યો; અધિકારીઓએ પાઉલ અને સિલાસનાં વસ્ત્ર ઉતારી નાખ્યાં અને તેમને ફટકા મારવાનો હુકમ કર્યો. 23 સખત માર માર્યા પછી તેમને જેલમાં નાખવામાં આવ્યા અને તેમને પૂરીને તાળાં મારી દેવા જેલના અધિકારીને હુકમ કર્યો. 24 હુકમ મળતાંની સાથે જ જેલના અધિકારીએ તેમને અંદરની કોટડીમાં નાખ્યા અને તેમના પગ લાકડાની ભારે હેડમાં જકડયા. 25 લગભગ મધરાતે પાઉલ અને સિલાસ પ્રભુને પ્રાર્થના કરતા હતા અને ગીતો ગાતા હતા, અને બીજા કેદીઓ તેમનું સાંભળતા હતા. 26 એકાએક મોટો ધરતીકંપ થયો કે જેથી જેલના પાયા હાલી ગયા. તરત જ બધા દરવાજા ખૂલી ગયા અને બધા કેદીઓની સાંકળો નીકળી પડી. 27 અધિકારી જાગી ગયો અને દરવાજા ખુલ્લા જોઈને તેણે ધાર્યું કે બધા કેદીઓ નાસી છૂટયા હશે; તેથી તે પોતાની તલવાર તાણીને આપઘાત કરવા જતો હતો. 28 પણ પાઉલ મોટે ઘાંટે બૂમ પાડી ઊઠયો, “તમે પોતાને કંઈ ઇજા કરશો નહિ! અમે બધા અહીં જ છીએ!” 29 જેલના અધિકારીએ દીવો મંગાવ્યો અને દોડીને અંદર ગયો અને પાઉલ તથા સિલાસને પગે પડયો. 30 પછી તેણે તેમને બહાર લાવીને પૂછયું, “સાહેબો, મારો ઉદ્ધાર થાય તે માટે હું શું કરું?” 31 તેમણે કહ્યું, “પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર એટલે તારો તથા તારા ઘરકુટુંબનો ઉદ્ધાર થશે.” 32 પછી તેમણે તેને અને તેના ઘરનાં બધાંને પ્રભુનાં વચનનો બોધ કર્યો. 33 તે જ રાત્રે જેલનો અધિકારી તેમને ત્યાંથી લઈ ગયો અને તેમના ઘા ધોયા; અને તેણે અને તેના ઘરકુટુંબે તરત જ બાપ્તિસ્મા લીધું. 34 તે પાઉલ અને સિલાસને પોતાના ઘરમાં લઈ ગયો અને તેમને ખાવાનું આપ્યું. તેણે ઈશ્વરમાં વિશ્વાસ મૂક્યો તેથી તેને તથા તેના કુટુંબને ખૂબ જ આનંદ થયો. 35 બીજી સવારે રોમન અધિકારીઓએ સૈનિકો મારફતે હુકમ મોકલ્યો, “એ માણસોને છોડી મૂકો.” 36 તેથી જેલના અધિકારીએ પાઉલને કહ્યું, “અધિકારીઓએ તમને અને સિલાસને છોડી મૂકવાનો હુકમ મોકલ્યો છે. તેથી હવે તમે જઈ શકો છો; શાંતિથી જાઓ.” 37 પણ પાઉલે સૈનિકોને કહ્યું, “અમારા પર કોઈ દોષ સાબિત ન થયો હોવા છતાં તેમણે અમને રોમન નાગરિકોને જાહેરમાં માર્યા પછી અમને જેલમાં નાખ્યા અને હવે તેઓ અમને છાનામાના જવા દે છે? એવું નહિ જ બને! રોમન અધિકારીઓએ જાતે અહીં આવીને અમને છૂટા કરવા જોઈએ.” 38 સૈનિકોએ આ શબ્દો રોમન અધિકારીઓને જણાવ્યા; અને જ્યારે તેમણે જાણ્યું કે પાઉલ અને સિલાસ રોમન નાગરિકો છે ત્યારે તેઓ ગભરાયા. 39 તેમણે ત્યાં જઈને તેમની માફી માગી. પછી તેમને જેલમાંથી બહાર કાઢી લાવીને શહેરમાંથી જતા રહેવા જણાવ્યું. 40 પાઉલ અને સિલાસ જેલમાંથી લુદિયાને ઘેર ગયા. ત્યાં ભાઈઓને મળ્યા અને તેમને ઉત્તેજન આપીને ત્યાંથી વિદાય થયા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide