પ્રે.કૃ. 13 - પવિત્ર બાઇબલ C.L.બાર્નાબાસ અને શાઉલની પસંદગી 1 અંત્યોખમાં આવેલી મંડળીમાં કેટલાક સંદેશવાહકો અને શિક્ષકો હતા: બાર્નાબાસ, નિગેર કહેવાતો શિમિયોન, કુરેનીમાંથી આવેલો લુકિયસ, હેરોદ સાથે ઉછરેલો મનાએન અને શાઉલ. 2 તેઓ પ્રભુનું ભજન કરતા હતા અને ઉપવાસ પર હતા, ત્યારે પવિત્ર આત્માએ તેમને કહ્યું, “બાર્નાબાસ અને શાઉલને મેં જે કાર્ય સોંપ્યું છે તે માટે તેમને મારે માટે અલગ કરો.” 3 તેમણે ઉપવાસ સહિત પ્રાર્થના કરી અને તેમના માથા પર હાથ મૂકીને તેમને વિદાય કર્યા. 4 પછી બાર્નાબાસ અને શાઉલ જેમને પવિત્ર આત્માએ મોકલ્યા હતા તેઓ સિલુકિયા સુધી ગયા અને ત્યાંથી જળમાર્ગે મુસાફરી કરીને સાયપ્રસના ટાપુઓમાં ગયા. 5 તેઓ સાલામિસ આવી પહોંચ્યા એટલે યહૂદી ભજનસ્થાનોમાં ઈશ્વરના સંદેશનો બોધ કર્યો. સેવાકાર્યમાં મદદ કરવા માટે તેમની સાથે યોહાન માર્ક આવ્યો હતો. 6 તેઓ ટાપુમાં ફરતા ફરતા પાફોસ ગયા. ત્યાં પોતે સંદેશવાહક હોવાનો ખોટો દાવો કરતો બાર ઈસુ નામનો એક યહૂદી જાદુગર હતો. 7 ટાપુનો રાજ્યપાલ સર્જિયસ પોલસ, જે બુદ્ધિશાળી માણસ હતો, તેનો તે મિત્ર હતો. રાજ્યપાલે બાર્નાબાસ તથા શાઉલને પોતાની પાસે બોલાવડાવ્યા. કારણ, તે ઈશ્વરનો સંદેશ સાંભળવા માગતો હતો. 8 પણ જાદુગર એલિમાસે, જે એનું ગ્રીક નામ છે, તેમનો વિરોધ કર્યો. તેણે રાજ્યપાલને વિશ્વાસ કરતો અટકાવવા પ્રયત્ન કર્યો. 9 ત્યારે શાઉલ, જે પાઉલ તરીકે પણ ઓળખાય છે, તેણે પવિત્ર આત્માથી ભરપૂર થઈને જાદુગરની સામે તાકીને કહ્યું, 10 “શેતાનની ઓલાદ! તું સર્વ સારી બાબતોનો દુશ્મન છે; તું સર્વ પ્રકારની દુષ્ટ યુક્તિઓ અને કપટથી ભરેલો છે, અને તું હમેશાં પ્રભુના સત્યને જૂઠમાં ફેરવી નાખવાનો પ્રયાસ કરે છે! 11 પ્રભુનો હાથ હમણાં જ તારા પર પડશે; તું આંધળો થઈ જઈશ, અને કેટલાક સમય સુધી તું દિવસનું અજવાળું જોઈ શકીશ નહીં.” તરત જ એલિમાસને તેની આંખો જાણે ગાઢા ધૂમ્મસથી છવાઈ ગઈ હોય તેવો અનુભવ થયો, અને કોઈ તેને હાથ પકડીને દોરી જાય તે માટે કોઈને શોધવા તે આમતેમ ફરવા લાગ્યો. 12 જે બન્યું તે જોઈને રાજ્યપાલે વિશ્વાસ કર્યો. પ્રભુ વિષેના શિક્ષણથી તે ખૂબ જ આશ્ર્વર્ય પામ્યો. પિસિદિયાના અંત્યોખમાં 13 પાઉલ અને તેના સાથીદારો પાફોસથી જળમાર્ગે પામ્ફુલિયાના પેર્ગામાં આવ્યા; પણ ત્યાંથી યોહાન માર્ક તેમને તજીને યરુશાલેમ પાછો ચાલ્યો ગયો. 14 પેર્ગાથી નીકળીને તેઓ પિસિદિયાના અંત્યોખમાં આવ્યા. વિશ્રામવારે તેઓ યહૂદીઓના ભજનસ્થાનમાં ગયા. 15 મોશેના નિયમશાસ્ત્રમાંથી અને સંદેશવાહકોનાં લખાણમાંથી વાચન કર્યા પછી ભજનસ્થાનના અધિકારીઓએ તેમને કહેવડાવ્યું, “ભાઈઓ, તમારી પાસે ઉત્તેજનદાયક સંદેશો હોય તો લોકોને કંઈક કહો એવી અમારી ઇચ્છા છે.” 16 પાઉલ ઊભો થયો અને શાંત રહેવા હાથથી ઇશારો કરીને બોલવા લાગ્યો: “ઈશ્વરનો ડર રાખનાર ઇઝરાયલી ભાઈઓ અને સર્વ બિનયહૂદીઓ, સાંભળો! 17 આ ઇઝરાયલી લોકોના ઈશ્વરે અમારા પૂર્વજોને પસંદ કર્યા. ઇઝરાયલી લોકો ઇજિપ્ત દેશમાં પરદેશીઓ તરીકે રહેતા હતા, ત્યારે તેમને વિશાળ પ્રજા બનાવી. ઈશ્વરે પોતાના મહાન પરાક્રમથી તેમને ઇજિપ્તની ગુલામીમાંથી મુક્ત કર્યા. 18 ચાલીસ વર્ષ સુધી વેરાનપ્રદેશમાં તેમને નિભાવ્યા. 19 કનાન દેશમાં વસતી સાત પ્રજાઓનો તેમણે નાશ કર્યો અને લગભગ ચારસો પચાસ વર્ષ સુધી પોતાના લોકોને તે પ્રદેશ વારસા તરીકે આપ્યો. 20 “પછી સંદેશવાહક શમૂએલના સમય સુધી તેમણે તેમને ન્યાયાધિકારીઓ આપ્યા. 21 તેમણે રાજાની માગણી કરી ત્યારે ઈશ્વરે તેમને ચાલીસ વર્ષ સુધી તેમના રાજા તરીકે બિન્યામીનના કુળના કીશના પુત્ર શાઉલને આપ્યો. 22 તેને પદભ્રષ્ટ કર્યા પછી ઈશ્વરે દાવિદને તેમનો રાજા બનાવ્યો. ઈશ્વરે તેના સંબંધી આવું કહ્યું: ‘યિશાઈનો પુત્ર દાવિદ મને મળ્યો છે, અને તે મારો મનપસંદ એટલે, મારી ઇચ્છા પ્રમાણે વર્તનાર માણસ છે.’ 23 “પોતે આપેલા વચન પ્રમાણે દાવિદના વંશજ ઈસુને જ ઈશ્વરે ઇઝરાયલી લોકોના ઉદ્ધારક બનાવ્યા છે. 24 ઈસુએ પોતાનું સેવાકાર્ય શરૂ કર્યું તે પહેલાં યોહાને સર્વ ઇઝરાયલી લોકોને ઉપદેશ કર્યો કે તેમણે પોતાનાં પાપથી પાછા ફરવું જોઈએ અને બાપ્તિસ્મા પામવું જોઈએ. 25 પોતાના સેવાકાર્યના અંત ભાગમાં યોહાને લોકોને કહ્યું, ‘હું કોણ છું એ વિષે તમે શું ધારો છો? તમે જેની રાહ જુઓ છો તે હું નથી. પણ જુઓ, તે મારા પછીથી આવે છે અને હું તેમનાં ચંપલ ઉતારવા જેવો પણ યોગ્ય નથી.’ 26 “હે મારા ભાઈઓ, અબ્રાહામના વંશજો, અને અત્રે ઈશ્વરનું ભજન કરી રહેલા સર્વ બિનયહૂદીઓ, ઉદ્ધારનો એ સંદેશો અમને જણાવવામાં આવ્યો છે! 27 કારણ, યરુશાલેમમાં વસતા લોકો અને તેમના આગેવાનોને ખબર ન હતી કે તે જ ઉદ્ધારક છે. પ્રત્યેક વિશ્રામવારે વાંચવામાં આવતાં સંદેશવાહકોનાં લખાણો પણ તેઓ સમજતા નથી. 28 જો કે ઈસુને મૃત્યુદંડ ફરમાવવાનું કંઈ કારણ તેમને ન મળવા છતાં તેમણે તેમને મારી નાખવા પિલાત પાસે માગણી કરી. 29 ધર્મશાસ્ત્રમાં તેમના વિષે જે કહેલું છે તે બધું કર્યા પછી તેમણે તેમને ક્રૂસ ઉપરથી ઉતારી લઈને કબરમાં મૂક્યા. 30 પણ ઈશ્વરે તેમને મરેલાંઓમાંથી સજીવન કર્યા, 31 અને જેઓ ગાલીલથી તેમની સાથે યરુશાલેમ આવ્યા હતા તેમને તેમણે ઘણા દિવસ સુધી દર્શન દીધું. તે લોકો ઇઝરાયલીઓ સમક્ષ તેમના સાક્ષીઓ છે. 32 અને અમે અહીં તેમનો શુભસંદેશ સંભળાવવા આવ્યા છીએ. 33 જે કાર્ય કરવા માટે ઈશ્વરે આપણા પૂર્વજોને વચન આપ્યું હતું, તે કાર્ય તેમણે ઈસુને સજીવન કરીને તેમના વંશજો, એટલે આપણે માટે પૂર્ણ કર્યું છે. બીજા ગીતમાં લખ્યું છે તેમ, “તું મારો પુત્ર છે, આજે મેં તને જન્મ આપ્યો છે.” 34 વળી, તેમને મરેલાંઓમાંથી સજીવન કરવા અંગે અને તેમને કદી કોહવાણ નહિ લાગે તે અંગે ઈશ્વરે આવું કહ્યું છે: ‘હું તને દાવિદને આપેલા દૈવી અને અટલ વરદાનની આશિષો આપીશ.’ 35 વળી બીજા એક ભાગમાં તે એવું જ કહે છે: ‘તમે તમારા ભક્તને કોહવાણ લાગવા દેશો નહિ.’ 36 “પણ, દાવિદે પોતાના જમાનામાં ઈશ્વરની મરજી પ્રમાણે સેવા કરી; તે પછી તે મરી ગયો, તેને તેના પૂર્વજોની જેમ દફનાવવામાં આવ્યો, અને તેને કોહવાણ લાગ્યું. 37 પણ ઈશ્વરે ઈસુને મરેલાંઓમાંથી સજીવન કર્યા અને તેમણે તો કોહવાણ જોયું નહિ. 38 મારા ભાઈઓ, તમે સૌ સમજી લો કે પાપની ક્ષમા એ ઈસુ દ્વારા જ મળે છે એવો સંદેશ તમને પ્રગટ કરવામાં આવે છે; 39 તમારે એ જાણવાની જરૂર છે કે મોશેનું નિયમશાસ્ત્ર તમને પાપમાંથી છુટકારો આપી શકાયું નહિ, પણ ઈસુ પર વિશ્વાસ કરનાર પ્રત્યેકને પાપમાંથી છુટકારો મળે છે. 40 માટે સાવધ રહો, જેથી સંદેશવાહકોના કહેવા મુજબ તમારી દશા ન થાય: 41 ‘ઓ નિંદકો, જુઓ, આશ્ર્વર્ય પામો અને આઘાત પામો! કારણ, તમારા સમયમાં હું એવું કાર્ય કરવાનો છું કે તે તમને કોઈ સમજાવે તો પણ તમે તે માનશો નહિ!” 42 પાઉલ અને બાર્નાબાસ ભજનસ્થાનમાંથી બહાર જતા હતા ત્યારે લોકોએ પછીના વિશ્રામવારે આવીને તેમને આ વાતો વિષે વધુ જણાવવા આમંત્રણ આપ્યું. 43 લોકો સભામાંથી વિખેરાયા પછી ઘણા યહૂદીઓ અને યહૂદી ધર્મ સ્વીકારનારા ઘણા બિનયહૂદીઓ પાઉલ અને બાર્નાબાસની પાછળ પાછળ ગયા. પ્રેષિતોએ તેમની સાથે વાત કરી અને ઈશ્વરની કૃપામાં જીવન ગાળવા તેમને ઉત્તેજન આપ્યું. 44 પછીના વિશ્રામવારે નગરના લગભગ બધા લોકો પ્રભુનો સંદેશ સાંભળવા આવ્યા. 45 લોકોનાં ટોળેટોળાં જોઈને યહૂદીઓને ઈર્ષા આવી. તેઓ પાઉલની વિરુદ્ધ બોલ્યા અને તેનું અપમાન કર્યું. 46 પણ પાઉલ અને બાર્નાબાસ વિશેષ હિંમતથી બોલ્યા, “ઈશ્વરનો સંદેશ પ્રથમ તમને જણાવવામાં આવે એ જરૂરી હતું. પણ તમે તેનો નકાર કરો છો અને પોતાને સાર્વકાલિક જીવન માટે અપાત્ર ઠરાવતા હોવાથી અમે તમને તજીને બિનયહૂદીઓ પાસે જઈએ છીએ. 47 કારણ, પ્રભુએ અમને આ આજ્ઞા આપેલી છે: ‘મેં તને બિનયહૂદીઓને પ્રકાશરૂપ થવા અને સમગ્ર દુનિયા માટે ઉદ્ધારનો માર્ગ બનવા નીમ્યો છે.” 48 આ સાંભળીને બિનયહૂદીઓ ખુશ થઈ ગયા અને તેમણે પ્રભુના સંદેશ માટે સ્તુતિ કરી; અને જેઓ સાર્વકાલિક જીવન માટે પસંદ કરાયેલા હતા તેઓ વિશ્વાસી બન્યા. 49 પ્રભુનો સંદેશ એ પ્રદેશમાં બધી જગ્યાએ ફેલાઈ ગયો. 50 પણ યહૂદીઓએ શહેરના અગ્રગણ્ય માણસોને તેમજ ઉચ્ચ સામાજિક દરજ્જો ધરાવનાર અને ભક્તિભાવી સ્ત્રીઓને ઉશ્કેર્યાં. તેમણે પાઉલ અને બાર્નાબાસની સતાવણી શરૂ કરી અને તેમને તેમના પ્રદેશમાંથી કાઢી મૂક્યા. 51 પ્રેષિતો તેમના પગની ધૂળ તેમની સામે ખંખેરીને ઈકોનિયમ ચાલ્યા ગયા. 52 પણ અંત્યોખના શિષ્યો તો આનંદથી અને પવિત્ર આત્માથી ભરપૂર હતા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide