Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પ્રે.કૃ. 12 - પવિત્ર બાઇબલ C.L.


અત્યાચારની પરાક્ષ્ટા

1 એ સમય દરમિયાન હેરોદરાજાએ મંડળીના કેટલાક સભ્યોની સતાવણી શરૂ કરી.

2 યોહાનના ભાઈ યાકોબને તેણે તરવારથી મારી નંખાવ્યો.

3 યહૂદીઓને એ ગમ્યું છે તે જોઈને તેણે સતાવણી ચાલુ રાખી અને પિતરની પણ ધરપકડ કરાવી. ખમીર વગરની રોટલી ખાવાના પર્વના સમય દરમિયાન એ બન્યું.

4 પિતરની ધરપકડ કરીને તેને જેલમાં પૂરવામાં આવ્યો. ત્યાં ચાર ચાર સૈનિકોનાં ચાર જૂથના ચોકીપહેરા નીચે તેને રાખવામાં આવ્યો. પાસ્ખાપર્વ પૂરું થાય પછી તેનો કેસ જાહેરમાં ચલાવવાની હેરોદે યોજના ઘડી હતી.

5 તેથી પિતરને જેલમાં પૂરવામાં આવ્યો, પણ તેને માટે મંડળી ઈશ્વરને આગ્રહપૂર્વક પ્રાર્થના કરતી હતી.


પિતરનો જેલમાંથી છુટકારો

6 જે દિવસે હેરોદ પિતરને લોકોની સમક્ષ લાવવાનો હતો. તેની આગલી રાત્રે પિતર બે ચોકીદારોની વચ્ચે ઊંઘી ગયો હતો. તેને બે સાંકળે બાંધેલો હતો, અને જેલના દરવાજા આગળ બે ચોકીદારો પહેરો ભરતા હતા.

7 એકાએક પ્રભુનો એક દૂત ત્યાં આવીને ઊભો રહ્યો. દૂતે પિતરને પડખામાં મારીને જગાડયો અને કહ્યું, “જલદી ઊઠ!” પિતરના હાથ પરની સાંકળો તરત જ નીકળી પડી.

8 પછી દૂતે કહ્યું, “તારો કમરપટ્ટો બરાબર બાંધી લે અને તારાં ચંપલ પહેરી લે.” પિતરે એમ કર્યું, એટલે દૂતે કહ્યું, “તારો ઝભ્ભો પહેરી લે અને મારી પાછળ આવ.”

9 પિતર તેની પાછળ પાછળ જેલની બહાર ગયો. છતાં દૂત જે કરી રહ્યો હતો તે વાસ્તવિક છે કે કેમ તેની તેને ખબર ન હતી. તેને તો લાગ્યું કે તે કંઈક સંદર્શન જોઈ રહ્યો છે.

10 તેમણે ચોકીદારોની પ્રથમ ચોકી અને બીજી ચોકી પસાર કરી, અને છેવટે શહેર તરફ ખૂલતા લોખંડી દરવાજે આવ્યા. દરવાજો તેમને માટે આપોઆપ ખૂલી ગયો અને તેઓ બહાર ગયા. તેઓ એક શેરીમાં થઈને નીકળ્યા અને એકાએક દૂત પિતરને મૂકીને જતો રહ્યો.

11 પછી શું થયું હતું તેની પિતરને ખબર પડી. તેણે કહ્યું, “હવે મને ખબર પડી કે, એ બધું વાસ્તવિક હતું! પોતાના દૂતને મોકલીને પ્રભુએ મને હેરોદના હાથમાંથી તેમ જ મારા પર જે કંઈ વીતવાની યહૂદી લોકો રાહ જોતા હતા તે બધાથી બચાવ્યો છે.”

12 પોતાની પરિસ્થિતિનો ખ્યાલ કરીને તે યોહાન માર્કની માતા મિર્યામને ઘેર ગયો. ત્યાં ઘણા લોકો એકત્ર થઈ પ્રાર્થના કરતા હતા.

13 પિતરે બહારથી બારણું ખટખટાવ્યું, એટલે રોદા નામની નોકરાણી બારણું ખોલવા ગઈ.

14 તેણે પિતરનો અવાજ ઓળખ્યો અને એટલી ખુશ થઈ ગઈ કે બારણું ખોલ્યા વિના જ પાછી અંદર દોડી ગઈ અને બોલી ઊઠી, “પિતર બહાર ઊભા છે!”

15 તેમણે તેને કહ્યું, “તું પાગલ થઈ ગઈ છે!” પણ એણે પોતાની વાત પકડી રાખી. તેમણે જવાબ આપ્યો, “એ તો તેનો દૂત હશે.”

16 તે દરમિયાન પિતરે બારણું ખટખટાવ્યા કર્યું. અંતે તેમણે બારણું ખોલ્યું, અને તેને જોઈને તેઓ આભા બની ગયા.

17 તેણે પોતાના હાથથી ઈશારો કરી તેમને શાંત રહેવા જણાવ્યું, અને પ્રભુ તેને કેવી રીતે જેલમાંથી બહાર કાઢી લાવ્યા તે કહી સંભળાવ્યું. “યાકોબ અને બાકીના સૌ ભાઈઓને આ વાત કહેજો,” એમ કહીને તે ત્યાંથી બીજે ક્યાંક જતો રહ્યો.

18 સવાર પડી ત્યારે ચોકીદારો મોટી મૂંઝવણમાં મુકાઈ ગયા હતા: “પિતરનું થયું શું?”

19 હેરોદે તેને શોધી કાઢવાનો હુકમ કર્યો, પણ તેઓ તેને શોધી શક્યા નહિ. તેથી તેણે ચોકીદારોની પૂછપરછ કર્યા પછી તેમને મારી નંખાવ્યા. એ પછી હેરોદ યહૂદિયામાંથી જઈને થોડો સમય કાઈસારિયામાં રહ્યો.


હેરોદનું મરણ

20 હેરોદ તૂર અને સિદોનના લોકો પર ઘણો ક્રોધે ભરાયો હતો; તેથી તેમનું પ્રતિનિધિમંડળ હેરોદને મળવા ગયું. પ્રથમ તેમણે મહેલના કારભારી બ્લાસ્તસને પોતાના પક્ષનો કરી લીધો. પછી તેમણે હેરોદ પાસે જઈને સમાધાન માટે વિનંતી કરી. કારણ, હેરોદના રાજ્યમાંથી તેમના દેશને અન્‍ન પુરવઠો મળતો હતો.

21 નિયત દિવસે રાજદ્વારી વસ્ત્રોમાં સજ્જ થઈ હેરોદે પોતાના રાજ્યાસન પર બિરાજીને જનતાજોગ પ્રવચન કર્યું.

22 તેમણે પોકાર કર્યો, “આ તો માણસ નહિ, પણ દેવ બોલે છે!”

23 તરત જ પ્રભુના દૂતે હેરોદને માર્યો, કારણ, તેણે ઈશ્વરને માન આપ્યું નહિ. તેને કીડા ખાઈ ગયા અને તે મરી ગયો.

24 ઈશ્વરનો સંદેશ પ્રસરતો રહ્યો અને વૃદ્ધિ પામતો ગયો.

25 બાર્નાબાસ અને શાઉલે તેમનું સેવાકાર્ય પૂરું કર્યું અને તેમની સાથે યોહાન માર્કને લઈને યરુશાલેમથી પાછા ફર્યા.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan