પ્રે.કૃ. 11 - પવિત્ર બાઇબલ C.L.પિતરનો હેવાલ 1 પ્રેષિતો અને સમગ્ર યહૂદિયામાંના ભાઈઓએ સાંભળ્યું કે બિનયહૂદીઓએ પણ ઈશ્વરનો સંદેશ સ્વીકાર્યો છે. 2 પિતર યરુશાલેમ ગયો ત્યારે બિનયહૂદીઓએ સુન્નત કરાવવી જોઈએ એવું માનનારાઓએ તેની ટીકા કરી, 3 “સુન્નત ન કરાવી હોય તેવા બિનયહૂદીને ઘેર તમે મહેમાન તરીકે રહ્યા, અને તેની સાથે ભોજન પણ લીધું!” 4 તેથી જે કંઈ બન્યું હતું તેનો પિતરે તેમને વિગતવાર હેવાલ આપ્યો. 5 “હું જોપ્પા શહેરમાં પ્રાર્થના કરતો હતો ત્યારે મને સંદર્શન થયું. ચાર છેડાથી લટકાવેલી મોટી ચાદર જેવું કંઈક મેં આકાશમાંથી ઊતરી આવતું જોયું. તે મારી નજીક આવી અટકી ગયું. 6 મેં તેમાં ધારી ધારીને જોયું તો તેમાં ચાર પગવાળાં પ્રાણીઓ, વન્ય પશુઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ અને પક્ષીઓ જોયાં. 7 પછી મેં એક અવાજ સાંભળ્યો, ‘પિતર, ઊઠ, મારીને ખા!’ 8 પણ મેં કહ્યું, ‘ના , કદી નહિ, પ્રભુ! મેં કોઈપણ જાતનો અશુદ્ધ કે દૂષિત ખોરાક ક્યારેય ચાખ્યો નથી.’ 9 ફરીથી આકાશવાણી થઈ, ‘ઈશ્વરે જેને શુદ્ધ ગણ્યું છે તેને તું અશુદ્ધ ગણીશ નહિ.’ 10 આવું ત્રણ વાર બન્યું, અને અંતે એ આખી વસ્તુ આકાશમાં પાછી ખેંચી લેવાઈ. 11 એ જ ક્ષણે હું રહેતો હતો તે ઘરમાં કાઈસારિયાથી મોકલેલા ત્રણ માણસો આવી પહોંચ્યા. 12 પવિત્ર આત્માએ મને તેમની સાથે કંઈપણ આનાકાની કર્યા વગર જવા કહ્યું. આ છ ભાઈઓ પણ મારી સાથે જોપ્પાથી કાઈસારિયા આવ્યા હતા. અમે બધા કર્નેલ્યસના ઘરમાં ગયા. 13 પોતાના ઘરમાં દૂતે તેને દર્શન દઈને જે કહ્યું હતું તે તેણે જણાવ્યું: ‘કોઈને જોપ્પા મોકલીને જેનું પૂરું નામ સિમોન પિતર છે તેને બોલાવ. 14 તે તમને જે સંદેશ કહેશે તેનાથી તું અને તારું આખું કુટુંબ ઉદ્ધાર પામશો.’ 15 મેં બોલવાની શરૂઆત કરી ત્યારે, આરંભમાં પવિત્ર આત્મા જેમ આપણી પર ઊતરી આવ્યો હતો, તેમ તેમના પર ઊતરી આવ્યો. 16 પછી પ્રભુએ જે કહ્યું હતું તે મને યાદ આવ્યું, ‘યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું, પણ તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.’ 17 આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો ત્યારે ઈશ્વરે આપણને જે ભેટ આપી તે તેમણે બિનયહૂદીઓને પણ આપી છે એ વાત સ્પષ્ટ છે. ત્યારે પ્રભુને એમ કરતાં અટકાવનાર હું કોણ?” 18 એ સાંભળીને તેઓ ટીકા કરતા બંધ થઈ ગયા અને ઈશ્વરની સ્તુતિ કરતાં કહેવા લાગ્યા, “તો તો ઈશ્વરે બિનયહૂદીઓને પણ પોતાનાં પાપથી પાછા ફરીને નવું જીવન પામવાની તક આપી છે.” અંત્યોખમાં શિષ્યો ખ્રિસ્તી કહેવાયા 19 સ્તેફનને મારી નાખવામાં આવ્યો ત્યારે થયેલી સતાવણીને કારણે વિશ્વાસીઓ વિખેરાઈ ગયા હતા. એમાંના કેટલાક આ સંદેશ માત્ર યહૂદીઓને જ પ્રગટ કરતા કરતા છેક ફોનેસિયા, સાયપ્રસ અને અંત્યોખ સુધી ગયા. 20 પરંતુ સાયપ્રસ અને કુરેનીમાંથી કેટલાક વિશ્વાસીઓ અંત્યોખ ગયા. તેમણે બિનયહૂદીઓ સમક્ષ પણ આ સંદેશો જાહેર કર્યો અને તેમને પ્રભુ ઈસુ વિષેનો શુભસંદેશ જણાવ્યો. 21 પ્રભુનું પરાક્રમ તેમની સાથે હતું અને ઘણા લોકોએ વિશ્વાસ કર્યો અને પ્રભુ તરફ ફર્યા. 22 આ સમાચાર યરુશાલેમની મંડળીને મળતાં તેમણે બાર્નાબાસને અંત્યોખ મોકલ્યો. 23 લોકોને ઈશ્વરની કૃપા મળેલી જોઈને તેને ખૂબ આનંદ થયો. તેણે સૌને પોતાના પૂરા દયથી પ્રભુને નિષ્ઠાપૂર્વક વળગી રહેવા આગ્રહ કર્યો. 24 બાર્નાબાસ પવિત્ર આત્મા અને વિશ્વાસથી ભરપૂર હતો અને સારો માણસ હતો. ઘણા લોકોને પ્રભુ તરફ દોરી લાવવામાં આવ્યા. 25 પછી બાર્નાબાસ શાઉલને શોધી લાવવા તાર્સસ ગયો. 26 તે તેને મળ્યો, અને તેને અંત્યોખ લઈ આવ્યો. એક આખા વર્ષ સુધી તેઓ બન્ને મંડળીના લોકોને મળતા રહ્યા અને મોટા જનસમુદાયને શિક્ષણ આપ્યું. શિષ્યો સૌ પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા. 27 એ સમય દરમિયાન યરુશાલેમથી કેટલાક સંદેશવાહકો અંત્યોખ આવ્યા. 28 તેમનામાંથી આગાબાસે ઊભા થઈને પવિત્ર આત્માથી પ્રેરાઈને આગાહી કરી કે સમગ્ર પૃથ્વી પર મોટો દુકાળ પડશે. (સમ્રાટ કલોડીયસના સમયમાં એ દુકાળ પડયો.) 29 શિષ્યોએ નિર્ણય કર્યો કે તેમનામાંના દરેકે શકાય તેટલી મદદ યહૂદિયામાં રહેતા ભાઈઓને મોકલવી. 30 ત્યારે તેમણે તે પ્રમાણે કર્યું, અને બાર્નાબાસ તથા શાઉલની સાથે મંડળીના આગેવાનો પર રાહતફાળો મોકલી આપ્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide