Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

3 યોહાન 1 - પવિત્ર બાઇબલ C.L.

1 વડીલબધું તરફથી પ્રિય ગાયસને શુભેચ્છા. તારા પર હું પ્રેમ રાખું છું.

2 મારા પ્રિય મિત્ર, તું સર્વ રીતે સુખી રહે અને જેમ તું આત્મામાં તંદુરસ્ત છે તેમ તારી શારીરિક તંદુરસ્તી પણ સારી રહે એવી હું પ્રાર્થના કરું છું.

3 કેટલાક ભાઈઓએ આવીને જણાવ્યું કે તું સત્યમાં ખૂબ જ વિશ્વાસુ છે, ત્યારે મને પુષ્કળ આનંદ થયો. આમ તો તું સત્યને હંમેશાં અનુસરે છે.

4 મારાં બાળકો સત્યને અનુસરે છે તે જાણીને મને સૌથી વધારે આનંદ થાય છે.

5 મારા પ્રિય મિત્ર, ભાઈઓની અને અજાણ્યાઓની પણ સેવા કરવામાં તું ખૂબ જ વિશ્વાસુ છે.

6 તેમણે તારા પ્રેમ વિષે અહીંની મંડળી સમક્ષ સાક્ષી પૂરી છે. ઈશ્વરને પસંદ પડે એ રીતે તું તેમને તેમની મુસાફરી ચાલુ રાખવામાં મદદ કરજે.

7 કારણ, ખ્રિસ્તની સેવા કરવા માટે તેઓ મુસાફરી કરે છે અને અન્યધર્મીઓ પાસેથી તેમણે કોઈ મદદ લીધી નથી.

8 આથી આપણે એવા માણસોને મદદ કરવી જોઈએ, જેથી સત્યના તેમના કાર્યમાં આપણે પણ ભાગીદાર બનીએ.


દિયોત્રેફેસ અને દેમેત્રિયસ

9 મેં મંડળીને ટૂંકો પત્ર લખ્યો છે પણ દિયોત્રેફેસને આગેવાન બનવું છે. તેથી તે મારા કહેવા પ્રત્યે કંઈ ધ્યાન આપતો નથી.

10 તેથી હું આવીશ ત્યારે તેનાં બધાં કાર્યો જાહેર કરીશ. તે મારા વિષે ભૂંડી વાતો બોલ્યા કરે છે. વળી, એટલું પૂરતું ન હોય તેમ તે ભાઈઓનો આવકાર કરતો નથી. જેઓ તેમનો આવકાર કરે છે તેમને તે તેમ કરતાં અટકાવે છે અને તેમને મંડળીની બહાર મૂકે છે.

11 પ્રિય મિત્ર, ભૂંડાનું નહિ પણ સારાનું અનુકરણ કર. જે કોઈ સારું કરે છે તે ઈશ્વરના પક્ષનો છે; પણ જે કોઈ ભૂંડું કરે છે તેણે ઈશ્વરને જોયા નથી.

12 દેમેત્રિયસ વિષે બધાનો અભિપ્રાય સારો છે. સત્ય પણ તેના વિષે સારું જ કહે છે. અમારી પણ એ જ સાક્ષી છે અને તું જાણે છે કે તે સાચી છે.


અંતિમ શુભેચ્છા

13 મારે તને કહેવું તો ઘણું છે પણ તે લખીને જણાવવું નથી.

14 હું જલદી તારી મુલાકાત લેવાની ઇચ્છા રાખું છું અને તે વખતે આપણે રૂબરૂમાં નિરાંતે વાત કરીશું.

15 તને શાંતિ થાઓ. સર્વ મિત્રો પણ તને શુભેચ્છા પાઠવે છે. ત્યાંના આપણા બધા મિત્રોને પણ વ્યક્તિગત શુભેચ્છા પાઠવજે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan