Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 તિમોથી 4 - પવિત્ર બાઇબલ C.L.

1 ઈશ્વરપિતા અને જીવતાં તથા મૃત્યુ પામેલાં સૌનો ન્યાય કરનાર ઈસુ ખ્રિસ્તની સમક્ષતામાં તેમના પુનરાગમન અને રાજની આણ દઈને હું તને આજ્ઞા આપું છું કે,

2 શુભસંદેશ જાહેર કર; અનુકૂળ કે પ્રતિકૂળ સમયે પણ તે માટે તત્પર રહે. ખોટી માન્યતાઓને પડકારજે, લોકોની ભૂલો સુધારજે અને તેમને પ્રોત્સાહન આપજે તથા પૂરી ધીરજથી ઉપદેશ કરજે.

3 એવો સમય આવશે કે જ્યારે માણસો સાચું શિક્ષણ સાંભળવા માગશે નહિ, પણ પોતાની ઇચ્છાઓ પ્રમાણે ચાલશે અને તેમના કાનની ખંજવાળ મટાડે તેવા શિક્ષકોનાં ટોળાં ભેગાં કરશે.

4 સત્યને બદલે તેઓ દંતકથાઓ સાંભળવા તરફ ધ્યાન આપશે.

5 પણ તારે સર્વ સંજોગોમાં મનમાં સ્વસ્થ રહેવું, દુ:ખ સહન કરવું, શુભસંદેશનો પ્રચાર કરવો અને ઈશ્વરના સેવક તરીકેની તારી ફરજ સંપૂર્ણ રીતે અદા કરવી.

6 મારે બલિ થઈ જવાનો અને આ જીવન ત્યજી દેવાનો સમય આવી પહોંચ્યો છે.

7 દોડની સ્પર્ધામાં મેં મારાથી બનતું સર્વ કર્યું છે. મેં મારી દોડનું નિયત અંતર પૂરું કર્યું છે. વિશ્વાસમાં હું અડગ રહ્યો છું.

8 હવે વિજયનું ઇનામ મારે માટે રાહ જુએ છે. અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ પ્રભુ તેમના આગમનના દિવસે મને અને પ્રભુના આગમનની પ્રેમથી રાહ જોનાર બધાને વિજયનું ઇનામ આપશે.


વ્યક્તિગત સૂચનાઓ

9 મારી પાસે જલદી આવવાને તારાથી બનતું બધું કરજે.

10 દેમાસ આ દુનિયાના પ્રેમમાં પડીને મને તજી દઈને થેસ્સાલોનિકા ચાલ્યો ગયો છે. ક્રેસ્કેન્સ ગલાતિયા અને તિતસ દલમાતિયા ગયા છે.

11 એકલો લૂક. મારી સાથે છે. માર્કને તારી સાથે લેતો આવજે, કારણ, તે મને મદદરૂપ થઈ પડશે.

12 તુખિક્સને મેં એફેસસ મોકલ્યો છે.

13 ત્રોઆસમાં ર્કાપસ પાસે જે ઝભ્ભો હું મૂક્તો આવ્યો છું તે તું આવે ત્યારે સાથે લેતો આવજે અને પુસ્તકો અને ખાસ કરીને ચર્મપત્રોને પણ લાવજે.

14 એલેકઝાન્ડર કંસારાએ મને ઘણું નુક્સાન પહોંચાડયું છે. પ્રભુ તેને તેના કાર્ય પ્રમાણે બદલો આપશે.

15 તેણે આપણા સંદેશાનો સખત વિરોધ કર્યો હતો; આથી તેનાથી ચેતતો રહેજે.

16 પ્રથમ વખતે અદાલતમાં મેં જાતે જ મારો બચાવ કર્યો. કારણ, કોઈએ મારો પક્ષ લીધો નહિ, પણ બધા મને એકલો મૂકી ચાલ્યા ગયા. પ્રભુ તે કૃત્ય તેમની વિરુદ્ધમાં ન ગણો.

17 પણ પ્રભુ મારી સાથે રહ્યા અને મને બળ આપ્યું; જેથી સંદેશો સાંભળનાર બિનયહૂદીઓને મેં સંદેશાની સંપૂર્ણ વાતો જણાવી.

18 ખરેખર, હું સિંહના મુખમાંથી બચી ગયો. પ્રભુ મને સર્વ દુષ્ટતાથી બચાવશે તથા તેમના સ્વર્ગીય રાજમાં સહીસલામત લઈ જશે. તેમનો સદાસર્વકાળ મહિમા હો! આમીન.


શુભેચ્છાઓ

19 પ્રિસ્કા અને આકુલાને તથા ઓનેસિફરસના કુટુંબને શુભેચ્છા.

20 એરાસ્તસ કોરીંથમાં રહ્યો છે અને ત્રોફિમસ માંદો હોવાથી મેં તેને મિલેતસમાં રહેવા દીધો છે.

21 શિયાળા પહેલાં અહીં આવવાને પ્રયત્ન કરજે. યુબુલસ, પુદેન્સ, લિનસ, કલાદિયા તથા સર્વ ભાઈઓ તને શુભેચ્છા પાઠવે છે.

22 પ્રભુ તારા આત્માની સાથે રહો. અને તેમની કૃપા તારા પર રાખો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan