Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 તિમોથી 2 - પવિત્ર બાઇબલ C.L.


વફાદાર સૈનિક

1 મારા પુત્ર, ખ્રિસ્ત ઈસુમાં મેળવાવા દ્વારા આપણને આપવામાં આવેલી કૃપાની મારફતે બળવાન થા.

2 ઘણા સાક્ષીઓની રૂબરૂમાં તેં મારે મુખે જે સાંભળ્યું છે તે એવા વિશ્વાસુ માણસોને સોંપી દે કે જેઓ બીજાને પણ એ શીખવવાને સમર્થ હોય.

3 ઈસુ ખ્રિસ્તના વફાદાર સૈનિક તરીકે દુ:ખ સહન કરવામાં તારો ભાગ લે.

4 જે સૈનિક નોકરી પર છે તે પોતાના અધિકારીને ખુશ કરવા માગે છે અને તેથી નાગરિક તરીકેના જીવનની જવાબદારીમાં તે સામેલ થતો નથી.

5 દોડવીર દોડમાં ભાગ લે પણ નિયમો પ્રમાણે દોડે નહિ તો ઈનામ મેળવી શક્તો નથી.

6 સખત મજૂરી કરનાર ખેડૂતને કાપણીનો પ્રથમ હિસ્સો મળવો જોઈએ.

7 હું જે ફરમાવું છું તે વિષે વિચાર કર. પ્રભુ આ સર્વ બાબતો સમજવાને તને મદદ કરશે.

8 મારા શુભસંદેશનો સાર આ છે: દાવિદના વંશજ ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા છે; તું તેમનું સ્મરણ કર.

9 તે શુભસંદેશ પ્રગટ કરવાને લીધે હું દુ:ખ સહન કરું છું. હું સાંકળોથી બંધાયેલો છું, પણ પ્રભુનો સંદેશ બંધનમાં નથી.

10 આ જ કારણથી ઈશ્વરના પસંદ કરાયેલા લોકને લીધે હું સઘળું સહન કરું છું; જેથી તેઓ પણ ખ્રિસ્ત ઈસુમાં મળતો ઉદ્ધાર અને સાર્વકાલિક મહિમા પ્રાપ્ત કરે.

11 આ વિધાન સત્ય છે: જો આપણે તેમની સાથે મરણ પામ્યા, તો આપણે તેમની સાથે જીવીશું,

12 જો આપણે સહન કરતા રહીએ, તો આપણે તેમની સાથે રાજ કરીશું, જો આપણે તેમનો નકાર કરીએ તો તે પણ આપણો નકાર કરશે,

13 જો આપણે અવિશ્વાસુ નીવડીએ, તો પણ તે વિશ્વાસુ રહે છે, કારણ, તે પોતાના સ્વભાવ વિરુદ્ધ જતા નથી.


ર્ક્તવ્યનિષ્ઠ કાર્યકર

14 તારા લોકોને આ બાબતની યાદ આપ અને શબ્દવાદ ન કરે માટે ઈશ્વરની સમક્ષતામાં કડક ચેતવણી આપ. નક્મી ચર્ચાઓ કંઈ સારું પરિણામ લાવતી નથી, પણ સાંભળનારાઓને નુક્સાન કરે છે.

15 ઈશ્વરની દૃષ્ટિમાં એવો કાર્યકર થવા ખંતથી યત્ન કર કે જેને પોતાના કાર્યમાં શરમાવાનું કંઈ કારણ ન હોય, પણ સત્યનો સંદેશો યોગ્ય રીતે શીખવનાર હોય.

16 અધર્મી અને મૂર્ખ ચર્ચાઓથી દૂર રહે, કારણ, એવા લોકો ઈશ્વરથી દૂર ચાલ્યા જાય છે.

17 તેમનું શિક્ષણ સડાની માફક ફેલાતું જાય છે. એમાંના બે શિક્ષકો હુમનાયસ અને ફિલેતસ છે.

18 તેઓએ સત્યનો માર્ગ ત્યજી દીધો છે અને આપણે મરણમાંથી સજીવન થઈ ચૂક્યા છીએ, તેવું શીખવીને કેટલાક વિશ્વાસીઓના વિશ્વાસને ડગાવી રહ્યા છે.

19 પણ ઈશ્વરે નાખેલો મજબૂત પાયો હલાવી શકાય નહિ. તેના પર આ શબ્દો લખેલા છે: “પ્રભુ પોતાના લોકને ઓળખે છે અને ખ્રિસ્તનું નામ લઈને પોતે તેમનો છે એવું કહેનારે ભૂંડાઈથી દૂર રહેવું જોઈએ.”

20 મોટા ઘરમાં સર્વ પ્રકારનાં પાત્રો હોય છે. તે સોનાનાં, રૂપાનાં, લાકડાનાં કે માટીનાં હોય છે. કેટલાંક પાત્રો ખાસ પ્રસંગોને માટે, જ્યારે બીજા સામાન્ય ઉપયોગને માટે હોય છે.

21 જો કોઈ વ્યક્તિ પોતાને બધી ભૂંડી બાબતોથી શુદ્ધ રાખે તો તેનો ખાસ હેતુને માટે ઉપયોગ કરવામાં આવશે. કારણ, તેણે તેના માલિકને પોતાનું સ્વાર્પણ કરેલું છે અને તે તેને ઉપયોગી છે. વળી, સર્વ સારાં કાર્ય કરવાને માટે તે તૈયાર છે.

22 યૌવનની વાસનાથી દૂર રહે. શુદ્ધ દયથી પ્રભુની મદદ માગનારાઓ સાથે સદાચાર, વિશ્વાસ, પ્રેમ અને શાંતિ પ્રાપ્ત કરવાનો હેતુ રાખ.

23 મૂર્ખ અને અજ્ઞાન દલીલોથી દૂર રહે. કારણ, તેથી ઝઘડો જ થાય છે તે તું જાણે છે.

24 પ્રભુના સેવકે વિખવાદ કરવો જોઈએ નહિ, પણ તેણે બધા પ્રત્યે માયાળુ બનવું જોઈએ અને સારા તથા ધીરજવાન શિક્ષક બનવું જોઈએ.

25 તે વિરોધ કરનારાઓને નમ્રતાથી તેમની ભૂલ જણાવે છે; કદાચ પ્રભુ એવાઓને પાપથી પાછા ફરવાની તક આપે કે જેથી તેઓ સત્યને જાણી લે

26 અને પાછા ફરે, તથા તેમને વશ કરી લઈને પોતાની ઇચ્છાને આધીન કરનાર શેતાનના ફાંદામાંથી છટકી જાય.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan