Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 તિમોથી 1 - પવિત્ર બાઇબલ C.L.

1 ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેષિત થવા અને ખ્રિસ્ત ઈસુમાં જે જીવનનું વચન આપણને આપવામાં આવ્યું છે તે પ્રગટ કરવા મોકલવામાં આવેલા પાઉલ તરફથી,

2 મારા પ્રિય પુત્ર તિમોથીને શુભેચ્છા. ઈશ્વરપિતા અને ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તને કૃપા, દયા અને શાંતિ બક્ષો.


આભારદર્શન

3 મારા પૂર્વજોની જેમ હું પણ નિર્મળ પ્રેરકબુદ્ધિથી ઈશ્વરની સેવા કરીને તેમનો આભાર માનું છું. રાતદિવસ પ્રાર્થનામાં તને યાદ કરતાં હું ઈશ્વરનો આભાર માનું છું.

4 તારાં આંસુઓ મને યાદ આવે છે અને મને ઘણો આનંદ થાય તે માટે તને મળવાને હું ખૂબ જ આતુર છું. મને તારા વિશ્વાસની નિખાલસતા યાદ આવે છે.

5 અગાઉ એવો જ વિશ્વાસ તારાં દાદી લોઈસ અને મા યુનિકેમાં હતો અને મને ખાતરી છે કે તે તારામાં પણ છે.

6 માટે હું તને યાદ દેવડાવું છું કે મેં તારા પર હાથ મૂક્યો ત્યારે ઈશ્વરે તને જે કૃપાદાન બક્ષ્યું હતું તેને સતેજ રાખજે.

7 કારણ, ઈશ્વરે આપેલો પવિત્ર આત્મા આપણને બીકણ નહિ, પણ બળવાન, પ્રેમાળ અને સંયમી બનાવે છે.

8 પ્રભુને માટે સાક્ષી આપવામાં શરમાઈશ નહિ. તેમને લીધે હું કેદી હોવાથી મારે લીધે તું શરમાઈશ નહિ. એને બદલે, શુભસંદેશને માટે દુ:ખ સહન કરવામાં ભાગ લે, અને ઈશ્વર તને બળ આપશે.

9 આપણાં કાર્યોથી નહિ, પણ ઈશ્વરના હેતુ અને કૃપાને લીધે તેમણે આપણો ઉદ્ધાર કરીને આપણને તેમના અલગ લોક થવાનું આમંત્રણ આપ્યું છે. પ્રારંભથી જ ખ્રિસ્ત ઈસુની મારફતે તેમણે આ કૃપા આપણને આપી છે;

10 પણ હવે આપણા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તના આગમનથી તે આપણી સમક્ષ પ્રગટ થઈ છે. મૃત્યુને નાબૂદ કરીને શુભસંદેશની મારફતે તેમણે અમર જીવન પ્રગટ કર્યું છે.

11 ઈશ્વરે શુભસંદેશનો પ્રચાર કરવા માટે મને પ્રેષિત અને શિક્ષક તરીકે નીમ્યો છે.

12 આ જ કારણથી હું બધાં દુ:ખો સહન કરું છું. જેમના પર મેં ભરોસો મૂક્યો છે તેમને હું ઓળખું છું અને જેની સોંપણી તેમણે મને કરી છે તેને પુનરાગમનના દિવસ સુધી સાચવી રાખવાને તે સમર્થ છે.

13 મારા સાચા શિક્ષણને નમૂનારૂપ ગણીને પકડી રાખ. ખ્રિસ્ત ઈસુની સાથેના જોડાણથી મળતાં વિશ્વાસ અને પ્રેમને વળગી રહે.

14 આપણામાં વાસો કરનાર પવિત્ર આત્માના સામર્થ્યની મારફતે તને આપવામાં આવેલી સારી બાબતો સાચવી રાખ.

15 આસિયા પ્રદેશના બધા માણસોએ મને તજી દીધો હતો તે તું જાણે છે. ફુગિલસ અને હેર્મોગેનેસ તેમનામાંના જ છે.

16 ઓનેસિફરસના કુટુંબને પ્રભુ શાંતિ બક્ષો. કારણ, ઘણી વખતે તેણે મને પ્રોત્સાહન આપ્યું છે. હું જેલમાં હતો તેને લીધે તે શરમાયો નહિ.

17 પણ તેણે રોમમાં આવતાંની સાથે જ આતુરતાથી શોધ કરીને મને શોધી કાઢયો.

18 પ્રભુ તેમના આગમનને દિવસે તેને કૃપા બક્ષો! વળી, એફેસસમાં તેણે મારે માટે જે કંઈ કર્યું તે પણ તું જાણે છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan