2 થેસ્સલોનિકીઓ 3 - પવિત્ર બાઇબલ C.L.અમારે માટે પ્રાર્થના કરો 1 અંતે, ભાઈઓ અમારે માટે પ્રાર્થના કરો; જેથી તમારે ત્યાં થઈ રહ્યું છે તેમ બધી જગ્યાએ ઈશ્વરના સંદેશાનો પ્રચાર ઝડપથી થાય અને સારી પ્રગતિ થાય. 2 ઈશ્વર અમને દુષ્ટ અને ભૂંડા માણસોથી બચાવે તેને માટે પણ પ્રાર્થના કરો. કારણ, બધા લોકો કંઈ સંદેશા પર વિશ્વાસ કરતા નથી. 3 પણ પ્રભુ વિશ્વાસુ છે; તે તમને બળવાન બનાવશે અને શેતાનથી તમને બચાવશે. 4 તમારા સંબંધી પ્રભુમાં અમને ભરોસો છે. અમે તમને જે જે જણાવ્યું તે પ્રમાણે તમે સારી પ્રગતિ કરી રહ્યા છો અને તેમ કરવાનું ચાલુ રાખશો તેવી અમને ખાતરી છે. 5 પ્રભુ તમારાં હૃદયોને ઈશ્વર તરફ વાળો અને ખ્રિસ્તની મારફતે મળતી ધીરજ તમને પ્રાપ્ત થાઓ. દરેકે ક્મ કરવું જ જોઈએ 6 ભાઈઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે તમને આજ્ઞા કરીએ છીએ: જે કોઈ ભાઈ આળસુ જીવન જીવે છે અને અમે આપેલા શિક્ષણ પ્રમાણે ચાલતો નથી, તેનાથી અલગ રહો. 7 તમારે અમારું અનુકરણ કરવું જોઈએ, તે તમે જાણો છો. કારણ, અમે તમારી સાથે હતા ત્યારે આળસુ ન હતા. 8 અમે કોઈનું મફત ખાધું નથી. અમે સખત પરિશ્રમ સહિત રાતદિવસ ક્મ કરતા રહ્યા; જેથી તમારામાંના કોઈને અમે બોજારૂપ ન થઈ પડીએ. 9 અમને મદદ મળે એવો હક્ક તો અમને હતો, પણ અમારા વર્તનથી તમને નમૂનો મળે માટે અમે તેમ કર્યું. 10 જ્યારે અમે તમારી સાથે હતા ત્યારે અમે તમને જણાવ્યું હતું: “જે કોઈ ક્મ ન કરે તેને જમવાનું આપવું નહિ.” 11 અમને સાંભળવા મળ્યું છે કે તમારામાંના કેટલાક લોકો આળસુ જીવન જીવે છે, કશું જ ક્મ કરતા નથી અને બીજાના ક્મમાં માથું મારે છે. 12 પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં એવા લોકોને અમે આજ્ઞા કરીએ છીએ અને ચેતવણી આપીએ છીએ કે, તેમણે શાંતિપૂર્વક જાતમહેનતથી પોતાનું ભરણપોષણ કરવું જોઈએ. 13 પ્રિય ભાઈઓ, ભલું કરવામાં થાકશો નહિ, 14 તમારામાંના કેટલાક આ પત્રમાં જણાવેલી સૂચના માનશે નહિ. જો તેમ બને તો તમે તેવાની સાથે કોઈ જાતનો વ્યવહાર રાખશો નહિ, જેથી તેઓ શરમાઈ જાય. 15 તેની તરફ દુશ્મન તરીકે ન જોશો, પણ એક ભાઈ તરીકે ચેતવણી આપજો. છેલ્લા શબ્દો 16 શાંતિદાતા પ્રભુ પોતે તમને સર્વ સમયે અને દરેક રીતે શાંતિ બક્ષો. પ્રભુ તમ સર્વની સાથે રહો. 17 મારે પોતાને હાથે હું આ લખું છું: પાઉલની શુભેચ્છા. આ રીતે દરેક પત્રમાં હું સહી કરું છું. આ જ પ્રમાણે હું લખું છું. 18 પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમ સર્વની સાથે રહો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide