Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ શમુએલ 9 - પવિત્ર બાઇબલ C.L.


દાવિદ અને મફીબોશેથ

1 દાવિદે પૂછયું, “શાઉલના કુટુંબમાંનું હજુ સુધી કોઈ બાકી રહ્યું છે? જો હોય તો યોનાથાનને લીધે હું તેના પર પ્રેમ દર્શાવવા માગું છું.”

2 સીબા નામે શાઉલના કુટુંબનો એક નોકર હતો. તેને દાવિદ પાસે જવાનું કહેવામાં આવ્યું. રાજાએ તેને પૂછયું, “તું સીબા છે?” તેણે જવાબ આપ્યો, “જી, મહારાજ.”

3 રાજાએ તેને પૂછયું, “શાઉલના કુટુંબમાંનું કોઈ બાકી રહ્યું છે કે હું તેના પર ઈશ્વરના જેવો અપાર પ્રેમ દાખવું?” સીબાએ જવાબ આપ્યો, “હજુ યોનાથાનનો એક પુત્ર બાકી છે, તે લંગડો છે.”

4 રાજાએ પૂછયું, “તે ક્યાં છે?” સીબાએ જવાબ આપ્યો, “તે લો-દબારમાં આમ્મીએલના પુત્ર માખીરને ઘેર છે.”

5 તેથી રાજાએ તેને બોલાવ્યો.

6 શાઉલનો પૌત્ર મફીબોશેથ આવ્યો ત્યારે તેણે દાવિદને ભૂમિ સુધી શિર નમાવીને નમન કર્યું. દાવિદે કહ્યું, “મફીબોશેથ.” તેણે જવાબ આપ્યો, “જી, રાજન.”

7 દાવિદે કહ્યું, “ગભરાઈશ નહિ, તારા પિતા યોનાથાનને લીધે હું તારા પ્રત્યે માયાળુ રહીશ. તારા દાદા શાઉલની સઘળી જમીન જાગીર હું તને પાછી આપીશ અને તું હંમેશા મારી સાથે જમજે.”

8 મફીબોશેથે ફરીથી નમન કરીને કહ્યું, “મહારાજા, હું તો મરેલા કૂતરા જેવો છું. તો પણ તમે મારા પ્રત્યે આટલી ભલાઈ દર્શાવો છો!”

9 પછી રાજાએ શાઉલના નોકર સીબાને બોલાવીને કહ્યું, “તારા માલિકના પૌત્ર મફીબોશેથને શાઉલ તથા તેના કુટુંબનું સર્વસ્વ આપી દઉં છું.

10 તારે, તારા પુત્રોએ અને તારા નોકરોએ તારા માલિક શાઉલના કુટુંબને વાસ્તે એ જમીનમાં ખેતી કરવાની છે અને તેની ઊપજમાંથી તેમનું ભરણપોષણ કરવાનું છે. પણ મફીબોશેથ પોતે તો હંમેશા મારી સાથે જ જમશે.” (સીબાને પંદર પુત્રો અને વીસ સેવકો હતા.)

11 સીબાએ જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, આપના કહેવા પ્રમાણે હું બધું કરીશ.” એમ મફીબોશેથ રાજાના એક પુત્રની માફક રાજાની સાથે જ જમતો.

12 મફીબોશેથને મિખા નામે એક યુવાન પુત્ર હતો. સીબાના કુટુંબના બધા સભ્યો મફીબોશેથના નોકર બન્યા.

13 આમ, બન્‍ને પગે લંગડો મફીબોશેથ યરુશાલેમમાં રહ્યો અને રાજાની સાથે જ જમતો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan