Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ શમુએલ 8 - પવિત્ર બાઇબલ C.L.


દાવિદના યુદ્ધવિજયો

1 કેટલાક સમય બાદ દાવિદે પલિસ્તીઓ પર ફરીથી ચઢાઈ કરીને તેમને હરાવ્યા અને દેશ પરના તેમના નિયંત્રણોનો અંત આણ્યો.

2 પછી તેણે મોઆબીઓને હરાવ્યા. તેણે યુદ્ધ કેદીઓને જમીન પર સુવાડીને દોરીથી માપ્યા. તેણે બે દોરીના માપમાં આવતા માણસોને મારી નાખ્યા, જ્યારે પછીની એક દોરીના માપમાં આવતા માણસોને જીવતા રાખ્યા. બે તૃતીયાંશ ભાગના લોકોને મારી નાખ્યા, જ્યારે બાકીનાને જીવતા રાખ્યા. આમ, મોઆબીઓ તેના તાબેદાર બની ગયા અને તેને ખંડણી ભરવા લાગ્યા.

3 પછી યુફ્રેટિસના ઉપરવાસના પ્રદેશ પર પોતાનો કબજો ફરીથી જમાવવા જતા સોબા રાજ્યના રાજા એટલે રેહોબના પુત્ર હદાદએઝેરને તેણે હરાવ્યો.

4 દાવિદે તેના 1700 ઘોડેસ્વારો અને 20,000 સૈનિકોને પકડી લીધા. તેણે એક સો રથો પૂરતા ઘોડા રાખી લીધા અને બાકીના ઘોડાના પગની નસો કાપી નાખીને તેમને અપંગ કરી નાખ્યા.

5 જ્યારે દમાસ્ક્સના અરામીઓએ હદાદએઝેર રાજાને મદદ કરવા સૈન્ય મોકલ્યું ત્યારે દાવિદે તેના પર ત્રાટકીને બાવીસ હજાર માણસોને મારી નાખ્યા.

6 પછી તેણે દમાસ્ક્સના અરામીઓના પ્રદેશમાં લશ્કરી છાવણીઓ નાખી અને અરામીઓએ તેની તાબેદારી સ્વીકારી અને તેને ખંડણી ભરવા લાગ્યા. પ્રભુએ દાવિદને સર્વ જગ્યાએ વિજયવંત કર્યો.

7 હદાદએઝેરના લશ્કરી અધિકારીઓની સોનાની ઢાલો દાવિદ યરુશાલેમ લાવ્યો.

8 વળી, હદાદએઝેરના શાસન હેઠળનાં બેરા અને બેરોથાય નામનાં શહેરોમાંથી તે મોટા જથ્થામાં તાંબુ લઈ આવ્યો.

9 દાવિદે હદાદએઝેરના આખા સૈન્યને હરાવ્યું છે એ વાત હમાથના રાજા ટોઈના સાંભળવામાં આવી.

10 તેથી તેણે પોતાના પુત્ર યોરામને દાવિદને શુભેચ્છા પાઠવવા અને હદાદએઝેર રાજા પર વિજય મેળવવા બદલ તેને અભિનંદન આપવા મોકલ્યો; કારણ, ટોઈને હદાદએઝેર સાથે સતત વિગ્રહ ચાલતો હતો. યોરામ દાવિદ પાસે સોનું, રૂપુ અને તાંબાની ભેટસોગાદો લઈને ગયો.

11-12 દાવિદે એ ભેટસોગાદો તથા અદોમ, મોઆબ, આમોન, પલિસ્તીયા અને અમાલેકનાં રાજ્યો પર જીત મેળવીને મેળવેલું સોનું, રૂપું તથા સોબાના રાજા એટલે રેહોબના પુત્ર હદાદએઝેર પાસેથી મેળવેલી લૂંટ પ્રભુને અર્પણ કર્યાં.

13 મીઠાની ખીણમાં અઢાર હજાર અદોમીઓને હરાવીને દાવિદ પાછો આવ્યો ત્યારે તે એથીયે વિશેષ નામાંક્તિ બન્યો.

14 તેણે આખા અદોમમાં લશ્કરી છાવણીઓ ઊભી કરી અને તેથી તે લોકોએ તાબેદારી સ્વીકારી. આમ, દાવિદ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં પ્રભુએ તેને વિજયવંત બનાવ્યો.

15 દાવિદે સર્વ ઇઝરાયલ પર રાજ કર્યુ અને તેની સમગ્ર પ્રજા પ્રત્યે દાવિદ ન્યાયી અને સમભાવી વર્તાવ રાખતો.

16 યોઆબ જેની માતાનું નામ સરુયા હતું તે લશ્કરનો સેનાપતિ હતો. અહિલૂદનો પુત્ર યહોશાફાટ મંત્રી હતો.

17 અહિટૂબનો પુત્ર સાદોક અને અબ્યાથારનો પુત્ર અહિમેલેખ યજ્ઞકારો હતા. સરાયા ન્યાય કચેરીનો સચિવ હતો.

18 કરેથીઓ અને પલેથીઓ દાવિદના અંગરક્ષકો હતા. યહોયાદાનો પુત્ર બનાયા તે અંગરક્ષકોનો ઉપરી હતો અને દાવિદના પુત્રો યજ્ઞકારો હતા.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan