Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ શમુએલ 7 - પવિત્ર બાઇબલ C.L.


નાથાનનો દાવિદને સંદેશ
( ૧ કાળ. 17:1-15 )

1 રાજા દાવિદ પોતાના મહેલમાં ઠરીઠામ થયો અને પ્રભુએ તેને તેની આસપાસના સર્વ શત્રુઓથી સલામત રાખ્યો.

2 પછી રાજાએ ઈશ્વરના સંદેશવાહક નાથાનને પૂછયું, “હું અહીં ગંધતરુના લાકડાંમાંથી બનાવેલા નિવાસસ્થાનમાં રહું છું. પણ ઈશ્વરની કરારપેટી તંબૂમાં રાખવામાં આવે છે.”

3 નાથાને કહ્યું, “તારા મનની ઇચ્છા પ્રમાણે કર, પ્રભુ તારી સાથે છે.

4 પણ તે રાત્રે નાથાનને પ્રભુનો સંદેશ મળ્યો,

5 “જઈને મારા સેવક દાવિદને કહે કે હું આમ કહું છું. શું તું નિવાસ માટે મંદિર બાંધશે?

6 ઇજિપ્તમાંથી મેં મારા લોકને મુક્ત કર્યા ત્યારથી આજ દિવસ સુધી હું મંદિરમાં વસ્યો નથી. મંડપમાં અને તંબૂમાં વસીને હું મુસાફરી કરતો રહ્યો છું.

7 ઇઝરાયલી લોકો સાથેની મારી સર્વ મુસાફરી દરમિયાન મેં તેમના પર નીમેલા આગેવાનોમાંના કોઈને કદી પૂછયું નથી કે તમે મારે માટે ગંધતરુના લાકડાંનું મંદિર કેમ બાંધ્યું નથી?

8 તેથી મારા સેવક દાવિદને જઈને કહે કે હું સેનાધિપતિ પ્રભુ તને કહું છું; ‘ઘાસનાં મેદાનમાં તું ઘેટાં પાછળ રઝળતો હતો ત્યાંથી મેં તને ઉઠાવીને મારા ઇઝરાયલી લોકો પર આગેવાન બનાવ્યો છે.

9 તું જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં હું તારી સાથે રહ્યો છું અને તું આગેકૂચ કરતો ગયો તેમ મેં તારા સર્વ શત્રુઓને હરાવ્યા. દુનિયાના સૌથી મહાન આગેવાનો જેવો હું તને નામાંક્તિ બનાવીશ.

10-11 મેં મારા ઇઝરાયલી લોકો માટે જગ્યા પસંદ કરીને ત્યાં તેમને ઠરીઠામ કર્યા છે. હવે તેઓ ત્યાં જ વસશે, ભૂતકાળમાં એટલે મેં તેમના પર ન્યાયાધીશો નીમ્યા તે વખતે ક્રૂર લોકો તેમના પર જુલમ ગુજારતા હતા, પણ હવે તેમને કોઈ પરેશાન કરશે નહિ. હું તેમને તેમના સર્વ શત્રુઓથી સલામતી બક્ષીશ. વળી, પ્રભુ તને આમ કહે છે; હું તારો રાજવંશ સ્થાપીશ.

12 જ્યારે તું મરણ પામે અને તારા પૂર્વજ પાસે તને દફનાવવામાં આવે ત્યારે હું તારા પુત્રોમાંના એકને રાજા બનાવીશ અને તેનું રાજ્ય સ્થાપીશ.

13 તે જ મારા નામના સન્માર્થે મંદિર બાંધશે અને હું તેનું રાજ્યાસન અચલ કરીશ.

14 હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે. જ્યારે તે ખોટું કરશે ત્યારે પિતા પોતાના પુત્રને શિક્ષા કરે તેમ હું તેને શિક્ષા કરીશ અને તેનાથી મારી સોટી કે મારા ફટકા પાછા રાખીશ નહિ.

15 પણ તું રાજા બને તે માટે શાઉલ પાસેથી મારો ટેકો ખેંચી લઈને મેં તેને દૂર કર્યો તેમ હું તારા વારસદાર પાસેથી મારો ટેકો ખેંચી લઈશ નહિ.

16 તારા વારસદારોને અને તારા રાજ્યને તારી સમક્ષ હું સંસ્થાપિત કરીશ અને તારું રાજ્યાસન સદાકાળને માટે સ્થિર રાખીશ.”

17 ઈશ્વરે નાથાનને દર્શનમાં પ્રગટ કરેલી બધી વાત તેણે દાવિદને કહી સંભળાવી.


દાવિદની સ્તુતિ
( ૧ કાળ. 18:1-17 )

18 પછી દાવિદ પ્રભુની સમક્ષ મંડપમાં ગયો અને ત્યાં બેસીને પ્રાર્થના કરી, “હે પ્રભુ પરમેશ્વર, મારી અને મારા કુટુંબની શી વિસાત કે તમે મને આવા ઉચ્ચપદે બેસાડયો છે?

19 છતાં હે પ્રભુ પરમેશ્વર, તમારી દૃષ્ટિમાં એ ય જાણે નજીવું હોય તેમ તમે તમારા સેવકના કુટુંબના સંબંધમાં લાંબા કાળ માટે વચન આપ્યું છે અને હે પ્રભુ પરમેશ્વર, આ તો માનવી ધોરણોનેય ટપી જાય એવી વાત છે.

20 હવે હે પ્રભુ, દાવિદ તમને વિશેષ શું કહે? કારણ, પ્રભુ પરમેશ્વર તમે તમારા સેવકને જાણો છો.

21 આ બધામાં તમારી ઇચ્છા અને હેતુ હતાં. તમે આપેલા વચનને લીધે અને તમારી ખુદની ઇચ્છા પ્રમાણે તમે એ સઘળી મહાન બાબતો તમારા સેવકને જણાવી છે.

22 હે પ્રભુ પરમેશ્વર, તમે કેવા મહાન છો. તમે એકમાત્ર અને અનન્ય ઈશ્વર છો, અમે જે કંઈ સાંભળ્યું છે તે એ વાતનું સમર્થન આપે છે.

23 વળી, પૃથ્વીના પટ પર તમારા ઇઝરાયલી લોક જેવી અન્ય કોઈ પ્રજા નથી. તેમને તમારા લોક કરી લેવા માટે તમે જાતે તેમને મુક્ત કરવા ગયા. જેમને તમે ઇજિપ્તમાંથી મુક્ત કર્યા એ તમારા લોકને તમારા દેશમાં વસાવવા તમે તમારી નામના માટે મોટાં અને ભયંકર કૃત્યો કરીને તેમની આગળથી અન્ય દેશજાતિઓ અને તેમના દેવોને હાંકી કાઢયા.

24 તમે ઇઝરાયલને સદાને માટે તમારા પોતાના લોક બનાવ્યા છે અને તમે પ્રભુ તેમના ઈશ્વર બન્યા છો.

25 હવે ઓ પ્રભુ પરમેશ્વર, તમે મારે માટે અને મારા વંશજો માટે જે વચનો આપ્યાં છે તે હંમેશને માટે પરિપૂર્ણ કરો;

26 જેથી તમારા નામનો મહિમા થાય અને લોકો કહે કે,

27 સેનાધિપતિ પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર છે. તમે મને, તમારા સેવકને આ બધું પ્રગટ કર્યું છે અને ઓ પ્રભુ પરમેશ્વર, એવું તમે જાતે જ જણાવ્યું છે અને તેથી તમને આ પ્રાર્થના કરવાની મેં હિંમત ધરી છે.

28 હે પ્રભુ પરમેશ્વર, તમે તો ઈશ્વર છો. તમારાં વચન અફર છે અને મને આ અદ્‍ભુત વચન આપ્યું છે.

29 ઓ પ્રભુ પરમેશ્વર, તમે વચન આપ્યું છે તેથી હવે કૃપા કરીને તમારા સેવકના રાજકુટુંબને આશિષ આપો કે તે તમારી સમક્ષ જારી રહે. તમારી જ આશિષથી તમારા આ સેવકનું રાજકુટુંબ સદાની આશિષ પામશે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan