Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ શમુએલ 6 - પવિત્ર બાઇબલ C.L.


કરારપેટી યરુશાલેમમાં લવાઈ
( ૧ કાળ. 13:1-4 ; 15:25—16:6,43 )

1 દાવિદે ફરીવાર ઇઝરાયલીઓમાંથી ત્રીસ હજાર ચુનંદા સૈનિકોને એકઠા કર્યા.

2 કરુબો પર બિરાજનાર સેનાધિપતિ યાહવેને નામે ઓળખાતા ઈશ્વરની કરારપેટી બાલાથ-યહૂદિયામાંથી લાવવા માટે દાવિદ એ માણસોને લઈને ઉપડયો.

3 તેઓ પર્વત પર આવેલા અબિનાદાબના ઘરમાંથી કરારપેટીને એક નવા ગાડામાં મૂકીને લાવતા હતા. અબિનાદાબના પુત્રો ઉઝઝા અને આહિયો ગાડું હાંક્તા હતા.

4 આહિયો તો કરારપેટીની આગળ ચાલતો હતો.

5 દાવિદ અને તેના માણસો પ્રભુની સમક્ષ પૂરા જોશથી નાચગાન કરતા હતા. તેઓ દેવદારના લાકડાંમાંથી બનાવેલાં વાજિંત્રો, વીણા, સિતાર, ડફ, મંજિરા અને ખંજરીઓ વગાડતા હતા.

6 તેઓ નાખોનના અનાજના ખળા પાસે આવ્યા ત્યારે બળદોએ ઠોકર ખાધી એટલે ઉઝઝાએ આગળ વધીને કરારપેટી પકડી લીધી.

7 તરત જ ઉઝઝા પર પ્રભુનો ક્રોધ ભભૂકી ઊઠયો અને ઈશ્વરે તેની ભૂલને લીધે તેને મારી નાખ્યો.

8 ઉઝઝા ત્યાં કરારપેટી નજીક જ પટકાઈને મરણ પામ્યો.

9 પ્રભુએ ઉઝઝા પર ત્રાટકીને તેને મારી નાખ્યો તેથી દાવિદને અત્યંત ખોટું લાગ્યું, તેથી તેણે તે સ્થળનું નામ “પેરેસ- ઉઝ્ઝા” એટલે “ઉઝઝા પર ત્રાટકવું” પાડયું, અને આજે ય એનું એ જ નામ ચાલે છે.

10 તે દિવસે દાવિદને પ્રભુનો ડર લાગ્યો અને તેણે કહ્યું, “હવે હું પ્રભુની કરારપેટી મારે ત્યાં કેવી રીતે લઈ જાઉં? તેથી તે પ્રભુની કરારપેટી યરુશાલેમ લઈ જવા માગતો નહોતો અને પાછા વળીને ગાથ નગરના નિવાસી ઓબેદ-અદોમના ઘેર લઈ ગયો.

11 કરારપેટી ત્યાં ત્રણ માસ રહી અને પ્રભુએ ઓબેદ-અદોમ અને તેના ઘરકુટુંબને આશિષ આપી.

12 દાવિદે સાંભળ્યું કે ઈશ્વરની કરારપેટીને લીધે પ્રભુએ ઓબેદ-અદોમના કુટુંબને અને તેના સર્વસ્વને આશિષ આપી છે ત્યારે તે કરારપેટીને મહોત્સવ સહિત યરુશાલેમ લઈ આવવાને નીકળ્યો.

13 કરારપેટી ઊંચકનારાઓ છ ડગલાં ચાલ્યા કે દાવિદે તેમને થોભાવીને આખલા અને માતેલા વાછરડાનું બલિદાન કર્યું.

14 દાવિદ પોતાની કમરે માત્ર અળસી રેસાનું વસ્ત્ર વીંટાળીને પ્રભુની સમક્ષ પોતાના પૂરા બળથી નાચતો હતો.

15 એમ દાવિદ તથા સર્વ ઇઝરાયલીઓ જયજયકારના પોકાર અને રણશિંગડાના નાદ સાથે ઈશ્વરની કરારપેટી યરુશાલેમ લઈ આવ્યા.

16 પ્રભુની કરારપેટી શહેરમાં લાવવામાં આવી રહી હતી ત્યારે શાઉલની પુત્રી મીખાલે બારીમાંથી ડોકિયું કર્યું અને તેણે રાજા દાવિદને પ્રભુની સમક્ષ નાચતો કૂદતો જોયો અને તેને તેના પ્રત્યે નફરત થઈ આવી.

17 લોકોએ પ્રભુની કરારપેટી લાવીને દાવિદે તેને માટે ઊભા કરેલા તંબૂમાં મધ્ય ભાગમાં મૂકી. પછી તેણે પ્રભુને દહનબલિ અને સંગતબલિ ચઢાવ્યાં.

18 બલિ ચઢાવી રહ્યા પછી તેણે સેનાધિપતિ પ્રભુને નામે લોકોને આશિષ આપી.

19 તેણે ઇઝરાયલના સમસ્ત સમુદાયને ભોજન પીરસ્યું. તેણે પ્રત્યેક સ્ત્રી અને પુરુષને રોટલી, શેકેલા માંસનો ટુકડો અને સૂકી દ્રાક્ષ આપ્યાં, પછી સૌ પોતપોતાને ઘેર ગયાં.

20 તે પછી દાવિદ પોતાને ઘેર કુટુંબને આશિષ આપવા ગયો ત્યારે મીખાલ તેને મળવાને બહાર આવી. તેણે કહ્યું, “ઇઝરાયલનો રાજા આજે કેવો માનવંતો લાગતો હતો! કોઈ નિર્લજ્જ માણસ પોતાને નગ્ન કરે તેમ પોતાના અધિકારીઓની દાસીઓ સમક્ષ તેણે પોતાને આજે નગ્ન કર્યો.”

21 દાવિદે જવાબ આપ્યો, “મને તારા પિતા અને તેમના કુટુંબની જગ્યાએ પસંદ કરીને પોતાના લોક ઇઝરાયલનો આગેવાન બનાવનાર પ્રભુની સમક્ષ હું નાચતો હતો. હું તો હજીયે પ્રભુ સમક્ષ નાચગાન કરતો રહીશ;

22 અને મારી જાતને એથી વિશેષ હલકી પાડીશ. તારી આગળ મારી કંઈ વિસાત ન હોય પણ જે દાસીઓ વિષે તું બોલી છે તેઓ તો મારું સન્માન કરશે.”

23 શાઉલની દીકરી મીખાલ જીવનભર નિ:સંતાન રહી.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan