Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ શમુએલ 5 - પવિત્ર બાઇબલ C.L.


દાવિદ ઇઝરાયલ અને યહૂદિયાનો રાજા
( ૧ કાળ. 11:1-9 ; 14:1-7 )

1 પછી ઇઝરાયલનાં સર્વ કુળોએ દાવિદ પાસે હેબ્રોનમાં આવીને કહ્યું, “અમારે તમારી સાથે લોહીની સગાઈ છે.

2 ભૂતકાળમાં શાઉલ જ્યારે રાજા હતો ત્યારે પણ ઇઝરાયલીઓને યુદ્ધમાં આગેવાની આપનાર તમે જ હતા અને પ્રભુએ તમને વરદાન આપ્યું હતું કે તમે તેમના ઇઝરાયલી લોકના પાળક અને રાજા બનશો.

3 એમ ઇઝરાયલના સર્વ આગેવાનો દાવિદ રાજા પાસે હેબ્રોનમાં આવ્યા. દાવિદે તેમની સાથે પ્રભુની સમક્ષ કરાર કર્યો. તેમણે તેનો ઇઝરાયલના રાજા તરીકે અભિષેક કર્યો.

4 દાવિદ રાજા બન્યો ત્યારે તે ત્રીસ વર્ષનો હતો અને તેણે ચાલીસ વર્ષ રાજ કર્યું

5 તેણે હેબ્રોનમાં રહીને યહૂદિયા પર સાડા સાત વર્ષ અને યરુશાલેમમાં રહીને સમસ્ત ઇઝરાયલ અને યહૂદિયા પર તેત્રીસ વર્ષ રાજ કર્યું.

6 દાવિદ અને તેના માણસોએ યરુશાલેમ પર ચઢાઈ કરી. ત્યાં રહેતાં યબૂસીઓએ વિચાર્યું કે દાવિદ એ નગરને જીતી શકશે નહિ. તેથી તેમણે કહ્યું કે, “તું અહીં કદી જ પ્રવેશી શકશે નહિ, આંધળા અને અપંગો પણ તને બહારનો બહાર રાખી શકે તેમ છે.”

7 (પણ દાવિદે તો એમનો સિયોનનો કિલ્લો જીતી લીધો અને તે ‘દાવિદનગર’ તરીકે જાણીતો થયો.)

8 તે દિવસે દાવિદે પોતાના માણસોને કહ્યું, “જેઓ યબૂસીઓ પર હુમલો કરવા તત્પર હોય તેઓ ભૂગર્ભ જળમાર્ગે જઈને એ આંધળા અને અપંગો એટલે દાવિદના શત્રુઓ પર ત્રાટકે. (તેથી જ આવી કહેણી થઈ પડી છે કે, “આંધળા અને અપંગો પ્રભુના ઘરમાં પ્રવેશશે નહિ.”

9 કિલ્લો જીતી લીધા પછી દાવિદ તેમાં રહ્યો અને તેને ‘દાવિદનું નગર’ એવું નામ આપ્યું. પર્વતની પૂર્વ બાજુએ જ્યાં જમીનમાં પૂરાણ કરવામાં આવ્યું હતું ત્યાંથી શરૂ કરીને તેણે તેની આજુબાજુ નગર બાંધ્યું.

10 તે વધારે અને વધારે બળવાન થતો ગયો. કારણ, સેનાધિપતિ પ્રભુ ઈશ્વર તેની સાથે હતા.

11 તૂરના રાજા હિરામે દાવિદ પાસે રાજદૂતો મોકલ્યા. તેણે દાવિદને મહેલ બાંધવા માટે ગંધતરુનાં લાકડાં, સુથારો અને શિલ્પકારો પૂરા પાડયાં.

12 એ પરથી દાવિદને લાગ્યું કે પ્રભુએ તેને ઇઝરાયલ પર રાજા તરીકે સ્થાપિત કર્યો છે અને પોતાના લોક ઇઝરાયલને લીધે રાજ્યને વૈભવશાળી બનાવ્યું છે.

13 હેબ્રોનથી યરુશાલેમમાં ગયા પછી દાવિદે બીજી વધારે ઉપપત્નીઓ અને પત્નીઓ કરી અને દાવિદને તેમનાથી બીજા પુત્રો અને પુત્રીઓ થયાં.

14 યરુશાલેમમાં તેને ત્યાં જન્મેલાં તેનાં સંતાનો આ પ્રમાણે છે:

15 શામ્મુઆ, શોબાબ, નાથાન, શલોમોન, યિબ્હાર, એલિશુઆ, નેફેગ, યાફિયા,

16 એલિશામા, એલ્યાદા અને એલિફેલેટ.


પલિસ્તીઓ પર વિજય
( ૧ કાળ. 14:8-17 )

17 દાવિદ ઇઝરાયલ પર રાજા બન્યો છે એવી ખબર મળતાં પલિસ્તીઓએ તેને પકડવા સૈન્ય મોકલ્યું. દાવિદને એની જાણ થતાં તે કિલ્લેબંધીવાળા સ્થળમાં જતો રહ્યો.

18 પલિસ્તીઓએ રફાઈમની ખીણનો કબજો લીધો.

19 દાવિદે પ્રભુને પૂછયું, “પલિસ્તીઓ પર હુમલો કરું? શું તમે મને તેમના પર વિજય અપાવશો?” પ્રભુએ જવાબ આપ્યો, “હા. હુમલો કર. હું તને જરૂર વિજય અપાવીશ.”

20 તેથી દાવિદ બઆલ પરીઝીમમાં ગયો અને ત્યાં તેણે પલિસ્તીઓને હરાવ્યા. તે બોલ્યો,” મારા શત્રુ પર પ્રભુ પૂરની જેમ ત્રાટકયા છે.” અને તેથી તે સ્થળનું નામ “બઆલ પરીઝીમ” (અર્થાત્ ત્રાટકનાર પ્રભુ) પડયું.

21 પલિસ્તીઓ તેમની મૂર્તિઓ પડતી મૂકીને નાસી ગયા અને દાવિદ તથા તેના માણસો એ લઈ ગયા

22 પછી પલિસ્તીઓ રફાઈમની ખીણમાં ફરીથી ગયા અને તેનો કબજો લીધો.

23 ફરીવાર દાવિદે પ્રભુને પૂછી જોયું અને તેમણે જવાબ આપ્યો, “અહીંથી તેમના પર હુમલો કરીશ નહિ. પણ વળીને શેતૂરવૃક્ષની સામેથી તેમના પર હુમલો કરવાને તૈયાર રહે.

24 શેતૂર વૃક્ષોની ટોચ પર તું લશ્કરની કૂચનો અવાજ સાંભળે ત્યારે હુમલો કરજે. કારણ, પલિસ્તીઓના સૈન્યને હરાવવા હું તારી અગાઉ કૂચ કરીશ.”

25 દાવિદે પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યુ અને તેણે પલિસ્તીઓને ગેબાથી છેક ગેઝેર સુધી નસાડીને માર્યા.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan