૨ શમુએલ 4 - પવિત્ર બાઇબલ C.L.ઇશબોશેથનું ખૂન 1 હેબ્રોનમાં આબ્નેરનું ખૂન થયું છે એ સાંભળતા શાઉલનો પુત્ર ઈશબોશેથ ગભરાયો અને ઇઝરાયલના લોકો ચેતી ગયા. 2 ઇશબોશેથના બે અધિકારીઓ બાના અને રેખાબ છાપામાર લશ્કરી દળના આગેવાન હતા. તેઓ બિન્યામીનના કુળમાં આવેલા બેરોથ નગરના રિમ્મોનના પુત્રો હતા. (બેરોથ બિન્યામીનના કુળપ્રદેશમાં ગણાય છે. 3 તેના મૂળ રહેવાસીઓ ગિત્તીમ નાસી ગયા અને ત્યારથી તેઓ ત્યાં જ રહે છે.) 4 શાઉલનો બીજો એક વંશજ યોનાથાનનો પુત્ર મફીબોશેથ હતો. તે અપંગ હતો. શાઉલ અને યોનાથાન માર્યા ગયા ત્યારે તે પાંચ વર્ષનો હતો. યિભયેલ નગરથી તેમના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે મફીબોશેથને સાચવનારી દાસી તેને લઈને નાઠી, પણ તે એવી ઉતાવળમાં હતી કે તેના હાથમાંથી તે પડી ગયો અને તેથી તે અપંગ થઈ ગયો. 5 રેખાબ અને બાના ઇશબોશેથને ઘેર જવા ઉપડયા અને મયાહ્ને તે આરામ કરતો હતો ત્યારે તેઓ ત્યાં પહોંચ્યા. 6 બારણે બેઠેલી સ્ત્રી ઘઉં ઝાટક્તાં નિદ્રાવશ થઈને ઊંઘી ગઈ હતી. તેથી રેખાબ અને બાના ઘરમાં ધૂસી ગયા. 7 એકવાર ઘરમાં પ્રવેશ્યા પછી તેઓ ઇશબોશેથ જ્યાં પોતાના શયનખંડમાં ભરઊંઘમાં હતો ત્યાં ગયા અને તેને મારી નાખ્યો. તેમણે તેનું માથું કાપી નાખ્યું અને તે લઈને આખી રાત યર્દન નદીની ખીણમાં ચાલ્યા. 8 તેમણે હેબ્રોનમાં દાવિદ રાજાને તે માથું આપતાં કહ્યું, “તમને મારી નાખવાનો પ્રયાસ કરનાર તમારા શત્રુ શાઉલના પુત્ર ઇશબોશેથનું આ માથું છે. હે રાજા, મારા માલિક, આજે પ્રભુએ શાઉલ અને તેના વંશજો પર વેર વાળવાની તમને તક આપી છે.” 9 દાવિદે તેમને જવાબ આપ્યો, “મને સર્વ સંકટોમાંથી બચાવનાર જીવતા પ્રભુના સમ, 10 સિકલાગમાં આવીને મને શાઉલના મરણના સમાચાર કહેનાર સંદેશકના મનમાં એમ હતું કે તે શુભ સમાચાર લાવે છે. મેં એને પકડીને મારી નંખાવ્યો હતો. એના શુભ સમાચારનું મેં એ ઇનામ આપ્યું હતું. 11 તો પછી પોતાના ઘરમાં ઊંઘતા નિર્દોષ માણસને મારી નાખનાર દુષ્ટોની કેવી ભૂંડી દશા થવી જોઈએ. એના ખૂનનો બદલો હું હવે તમારી પાસે લઈશ, અને પૃથ્વીના પટ પરથી તમને નષ્ટ કરી દઈશ.” 12 દાવિદે હુકમ આપ્યો એટલે તેના સૈનિકોએ રિમ્મોન બરોથીના પુત્રો રેખાબ અને બાનાને મારી નાખ્યા અને તેમના હાથપગ કાપીને તેમને હેબ્રોનમાં તળાવ નજીક લટકાવ્યા. તેમણે ઇશબોશેથનું માથું લઈને હેબ્રોનમાં આબ્નેરની કબરમાં દફનાવ્યું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide