૨ શમુએલ 24 - પવિત્ર બાઇબલ C.L.દાવિદે કરેલી વસ્તી ગણતરી ( ૧ કાળ. 21:1-27 ) 1 પ્રભુ ઇઝરાયલ પર ફરીથી કોપાયમાન થયા અને તેમણે દાવિદને પોતાની વિરુદ્ધ ઉશ્કેરીને તેની મારફતે તેમના પર સંકટ આવવા દીધું. પ્રભુએ તેને કહ્યું, “જઈને ઇઝરાયલ અને યહૂદિયાના લોકોની ગણતરી કર.” 2 તેથી દાવિદે પોતાના સેનાપતિ યોઆબને હુકમ આપ્યો, “તારા અધિકારીઓ લઈને દેશની એક સરહદ દાનથી બીજી સરહદ બેરશેબા સુધી ઇઝરાયલના સર્વ કુળપ્રદેશોમાં જા અને લોકોની ગણતરી કર. હું તેમની સંખ્યા જાણવા માગું છું.” 3 પણ યોઆબે રાજાને જવાબ આપ્યો, “રાજા, મારા માલિક, તમારા ઈશ્વર પ્રભુ ઈઝરાયલના લોકો અત્યારે છે તે કરતાં તેમને સો ગણા વધારો અને આપ તે જોવા જીવતા રહો. પરંતુ હે રાજા, મારા માલિક, આ બાબતમાં આપને શો રસ છે?” 4 પણ રાજાએ યોઆબ અને તેના સેનાધિકારીઓને તેના હુકમને આધીન થવા જણાવ્યું. તેઓ તેની પાસેથી ગયા અને તેમણે ઇઝરાયલના લોકોની ગણતરી કરવી પડી. 5 તેમણે યર્દન નદી ઓળંગી અને ગાદની સરહદમાં ખીણની મધ્યે આવેલ નગર અરોએરની દક્ષિણે છાવણી નાખી, ત્યાંથી તેઓ યાઝેર ગયા. 6 ત્યાંથી ગિલ્યાદ અને ત્યાંથી હિત્તીઓની સરહદમાં આવેલા કાદેશમાં ગયા. પછી તેઓ દાનની સરહદમાં ગયા અને દાનથી તેઓ સિદોનની પશ્ર્વિમે ગયા. 7 પછી તેઓ તૂરના કિલ્લેબંધીવાળા નગરની દક્ષિણે ગયા અને ત્યાંથી હિવ્વીઓ અને કનાનીઓના સર્વ નગરોમાં ગયા અને અંતે યહૂદિયાના દક્ષિણ ભાગમાં બેરશેબા ગયા. 8 આમ નવ માસ અને વીસ દિવસ પછી આખા દેશમાં મુસાફરી કરીને તેઓ યરુશાલેમ પાછા ફર્યા. 9 યુદ્ધમાં ભાગ લઈ શકે તેવા પુરુષોની કુલ સંખ્યાનો તેમણે રાજાને અહેવાલ આપ્યો. તેમની સંખ્યા ઇઝરાયલમાં આઠ લાખ અને યહૂદિયામાં પાંચ લાખની થઈ. 10 પણ ગણતરી કર્યા પછી દાવિદનું અંત:કરણ ડંખવા લાગ્યું અને તેણે પ્રભુને કહ્યું, “હે પ્રભુ, આ કાર્ય કરીને મેં અઘોર પાપ કર્યું છે. કૃપા કરીને મને માફ કરો; કેમ કે મેં મૂર્ખાઈ કરી છે.” 11-12 પ્રભુએ દાવિદના દૃષ્ટા એટલે, સંદેશવાહક ગાદને કહ્યું, “દાવિદને જઇને કહે કે તેની આગળ હું ત્રણ વિકલ્પ મૂકું છું. તેની પસંદગીના વિકલ્પ પ્રમાણે હું કરીશ.” 13 પછી ગાદે દાવિદ પાસે જઈને પ્રભુનો સંદેશો જણાવ્યો અને તેને પૂછયું, “તારી કઈ પસંદગી છે? તારા દેશમાં ત્રણ વર્ષનો દુકાળ પડે કે ત્રણ મહિના સુધી તારે તારા શત્રુઓથી ભાગતા ફરવું પડે કે ત્રણ દિવસ સુધી તારા દેશમાં રોગચાળો ફાટી નીકળે? તો હવે વિચાર કરીને મને કહે કે મારે પ્રભુને શો ઉત્તર આપવો?” 14 દાવિદે કહ્યું, “હું વિકટ પરિસ્થિતિમાં આવી પડયો છું, પણ અમે માણસો દ્વારા શિક્ષા પામીએ એ કરતાં પ્રભુ પોતે જ અમને શિક્ષા કરે એ સારું છે. કારણ, પ્રભુ દયાળુ છે.” 15 તેથી પ્રભુએ ઇઝરાયલ પર રોગચાળો મોકલ્યો, જે સવારથી તેમણે નિયત કરેલા સમય સુધી ચાલ્યો. દાનથી બેરશેબા સુધી સમગ્ર દેશમાં સિત્તેર હજાર માણસો માર્યા ગયા. 16 પ્રભુનો દૂત યરુશાલેમનો નાશ કરવાની તૈયારીમાં હતો એવામાં લોકોનો સંહાર જોઈને પ્રભુને દયા આવી અને તેમણે વધુ શિક્ષા કરવાનું માંડી વાળ્યું. તેમણે સંહારક દૂતને કહ્યું, “બસ, એટલું પૂરતું છે.” એ વખતે દૂત યબૂસી અરાવ્નાના અનાજના ખળા પાસે હતો. 17 લોકોને મારી નાખતા દૂતને દાવિદે જોયો અને પ્રભુને કહ્યું, “હું દોષિત છું. ભૂંડુ તો મેં કર્યું છે. આ બિચારા ઘેટાં સમાન લોકોએ શું કર્યું છે? તમારે તો મને અને મારા કુટુંબને શિક્ષા કરવી જોઈએ.” 18 એ જ દિવસે ગાદે દાવિદ પાસે જઈને તેને કહ્યું, “અરાવ્નાના અનાજના ખળાએ જા અને ત્યાં પ્રભુને માટે વેદી બાંધ.” 19 દાવિદે પ્રભુની આજ્ઞા માની અને ગાદના કહ્યા પ્રમાણે તે ગયો. 20 અરાવ્નાએ જોયું તો રાજા અને તેના અધિકારીઓ તેની પાસે આવી રહ્યા હતા. અરાવ્નાએ દાવિદ પાસે આવીને તેને ભૂમિ પર શિર ટેકવીને પ્રણામ કરતાં પૂછયું, 21 “હે રાજા, મારા માલિક, આપ કેમ પધાર્યા છો?” દાવિદે જવાબ આપ્યો, “રોગચાળો બંધ થાય તે માટે તારા અનાજના ખળામાં પ્રભુને માટે વેદી બાંધવા માટે હું તે ખળું તારી પાસેથી ખરીદવા આવ્યો છું.” 22 અરાવ્નાએ કહ્યું, “હે રાજા, મારા માલિક, આપ એ લઈ લો અને આપે પ્રભુને જે અર્પણ ચઢાવવું હોય તે ચઢાવો. વેદી પર દહન કરવા માટે અહીં સાંઢ છે. બળતણ માટે અહીં તેમની ઝૂંસરીઓ અને અનાજ ઝૂડવાનાં પાટિયાં છે.” 23 અરાવ્નાએ એ બધું રાજાને આપીને કહ્યું, “પ્રભુ તમારા ઈશ્વર તમારું અર્પણ સ્વીકારો.” 24 પણ રાજાએ જવાબ આપ્યો, “ના, હું તેને માટે કિંમત ચૂકવીશ. જેને માટે કંઈ કિંમત ચૂકવવી પડી નથી એવો બલિ હું મારા ઈશ્વર પ્રભુને ચઢાવીશ નહિ.” અને તેણે અનાજનું ખળું અને સાંઢ ચાંદીના પચાસ સિક્કા આપી ખરીદયાં. 25 પછી તેણે પ્રભુને માટે વેદી બાંધી અને દહનબલિ તથા સંગતબલિ અર્પ્યા. પ્રભુએ દાવિદની દેશ માટે કરેલી પ્રાર્થના માન્ય કરી અને ઇઝરાયલમાંથી રોગચાળો બંધ થયો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide