Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ શમુએલ 23 - પવિત્ર બાઇબલ C.L.


દાવિદના અંતિમ શબ્દો

1 ઈશ્વરે યિશાઈના પુત્ર દાવિદને ઉચ્ચપદે સ્થાપ્યો એટલે કે યાકોબના ઈશ્વરે તેનો અભિષેક કરીને તેને રાજા બનાવ્યો. તેણે ઇઝરાયલને માટે ભક્તિ ગીતો રચ્યાં. એ જ દાવિદના આ અંતિમ શબ્દો છે:

2 “પ્રભુનો આત્મા મારા દ્વારા બોલે છે; તેમનો સંદેશો મારા હોઠ પર છે.

3 ઇઝરાયલના સંરક્ષક ખડકે મને કહ્યું; પ્રભુથી ડરીને ચાલનાર રાજા પ્રજા પર ન્યાયપૂર્વક શાસન ચલાવે છે.

4 એવો રાજા વૃષ્ટિ પછીની સવારે વાદળ વિનાના આકાશમાં પ્રકાશતા સૂર્યના જેવો છે; એનાથી ધરતીમાંથી ઘાસ ફૂટી નીકળે છે.

5 તેથી ઈશ્વર સમક્ષ મારો રાજવંશ અચળ છે; કારણ, તેમણે મારી સાથે સનાતન કરાર કર્યો છે. એ કરાર સચોટ અને બાંયધરીવાળો છે; તો પછી પ્રભુ પૂરેપૂરી સહાય નહિ કરે? તે મારી ઇચ્છા ફળીભૂત નહિ કરે?

6 પણ દુષ્ટો નાખી દેવામાં આવતાં કાંટાળા ઝાંખરાં જેવા છે; ઉઘાડે હાથે તેમને કોઈ પકડી શકતું નથી.

7 એને માટે તો લોખંડી હથિયાર કે ભાલાનો ઉપયોગ કરવો પડે છે; જેથી તેઓ જ્યાં છે ત્યાં જ તેમને આગમાં બાળી દેવાય.”


દાવિદના ખ્યાતનામ સૈનિકો
( ૧ કાળ. 11:10-41 )

8 દાવિદના શૂરવીરોનાં નામ આ પ્રમાણે છે: પ્રથમ તો તાહુખમોની નગરનો યોશેબ બારશેબેથ હતો. તે ‘વીરત્રિપુટી’નો આગેવાન હતો. તેણે એક જ લડાઈમાં આઠસો માણસોને પોતાના ભાલા વડે વીંધી નાખ્યા.

9 ત્રિપુટીમાં બીજા દરજ્જાનો સૈનિક અહોહીના કુટુંબના દોદોનો પુત્ર એલાઝાર હતો. એક દિવસ તેણે અને દાવિદે લડાઈને માટે એકઠા થયેલા પલિસ્તીઓને પડકાર ફેંક્યો.

10 ઇઝરાયલીઓએ પીછેહઠ કરી. પણ તે પોતાની હરોળ પર મક્કમ રહ્યો અને તેનો હાથ તલવાર છોડી ન શકે એટલો અક્કડ થઈ ગયો ત્યાં સુધી પલિસ્તીઓ સાથે લડીને તેમનો સંહાર કર્યો. પ્રભુએ તે દિવસે મહાન વિજય હાંસલ કર્યો. લડાઈ પૂરી થયા પછી ઇઝરાયલીઓ પાછા ફર્યા અને તેમણે તો માત્ર મૃતદેહો પરથી શસ્ત્રસરંજામ લૂંટવાનું જ કામ કર્યું.

11 ત્રિપુટીમાં ત્રીજા દરજ્જાનો સૈનિક હારારી નગરનો આગેનો પુત્ર શામ્મા હતો. પલિસ્તીઓ લેહી પાસે એકઠા થયા હતા. ત્યાં મસુરનું ખેતર હતું.

12 ઇઝરાયલીઓ પલિસ્તીઓ પાસેથી ભાગ્યા. પણ શામ્માએ રણક્ષેત્રમાં અડગ રહીને પોતાની હરોળ સાચવી રાખી અને પલિસ્તીઓને મારી નાખ્યા. પ્રભુએ તે દિવસે મહાન વિજય હાંસલ કર્યો.

13 કાપણીની શરૂઆતના સમયમાં ત્રીસ મુખ્ય શૂરવીરોમાંથી ત્રણ જણ અદુલ્લામની ગુફામાં દાવિદ પાસે ગયા. ત્યારે પલિસ્તીઓએ રફાઈમના ખીણપ્રદેશોમાં છાવણી નાખી હતી.

14 એ સમયે દાવિદ કિલ્લેબંધીવાળા પર્વત પર રહેતો હતો અને પલિસ્તીઓની એક ટુકડીએ બેથલેહેમ કબજે કર્યું હતું.

15 દાવિદને પોતાના વતનની યાદ સાલતી હતી. તેણે કહ્યું, “બેથલેહેમમાં દરવાજા પાસે આવેલ કૂવામાંથી કોઈ મને પાણી લાવીને પીવડાવે તો કેવું સારું.”

16 પેલા ત્રણ શૂરવીરોએ પલિસ્તીઓની છાવણી ભેદીને નગરમાં પ્રવેશ્યા અને ત્યાંથી કૂવામાંથી દાવિદને માટે પાણી કાઢી લાવ્યા. તેણે તે પીધું નહિ; પણ પ્રભુને તે અર્પણ તરીકે રેડી દેતાં તેણે કહ્યું,

17 “પ્રભુ, હું આ પાણી પી શકું નહિ. આ પાણી પીવું તે તો પોતાના જીવ જોખમમાં નાખનાર આ માણસોનું રક્ત પીવા સમાન છે.” તેથી તેણે તે પીવાનો ઇનકાર કર્યો. ત્રણ ખ્યાતનામ સૈનિકોનાં એ પરાક્રમ હતાં.

18 યોઆબનો ભાઈ અબિશાય (તેમની માતાનું નામ સરુયા હતું.) ત્રીસ શૂરવીરોના જૂથનો આગેવાન હતો. તે પોતાનો ભાલો લઈને ત્રણસો માણસો સાથે લડયો અને તેમને મારી નાખ્યા અને તે “ત્રીસ શૂરવીરોના જૂથ” ખ્યાતનામ થઈ ગયો.

19 તે “ત્રીસ” માં સૌથી વધારે પ્રખ્યાત હતો અને તેમનો આગેવાન બન્યો. પણ તે પેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ.

20 કાબ્સએલ નગરના યહોયાદાનો પુત્ર બનાયા બીજો એક ખ્યાતનામ સૈનિક હતો. તેણે મોઆબના બે નિપુણ યોદ્ધાઓને મારી નાખ્યા. વળી, એકવાર હિમવર્ષાના દિવસે તેણે કોતરમાં જઈને એક સિંહને મારી નાખ્યો.

21 એકવાર ભાલાથી સજ્જ એવા ઇજિપ્તીને તેણે મારી નાખ્યો. બનાયાએ તેના પર લાકડી વડે હુમલો કર્યો અને ઇજિપ્તીના હાથમાંથી ભાલો ઝૂંટવી લઈને તેને તે વડે મારી નાખ્યો.

22 ત્રીસ શૂરવીરોમાંનો એક એટલે બનાયાનાં એ પરાક્રમો છે.

23 તે તેમનામાં ઉત્તમ હતો. પણ તે પેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ. દાવિદે તેને પોતાના અંગરક્ષકોનો ઉપરી બનાવ્યો હતો.

24-39 ત્રીસ શૂરવીરોના જૂથના અન્ય સભ્યોમાં આ માણસોનો સમાવેશ હતો: યોઆબનો ભાઈ અસાહેલ, બેથલેહેમના દોદોનો પુત્ર એલ્હાનાન, હેરોદ નગરના શામ્મા અને અલીકા, પાલટી નગરનો હેલેઝ, તકોઆ નગરના ઈક્કેશનો પુત્ર ઈરા, અનાથોથ નગરનો અબીએઝેર, હુશાય નગરનો મબુન્‍નાય, અહોહી નગરનો સાલ્મોન, નટોફાથ નગરના મહાહાય અને બાહનો પુત્ર હેલેબ, બિન્યામીનમાં આવેલા ગિબ્યા નગરના રિબઈનો પુત્ર ઇતાય, પીરાથોન નગરનો બનાયા, ગાઆશ નજીકની ખીણોના રહેવાસી હિદ્દાય, આરાબ નગરમાંથી અબી-આલ્બોન, બાહુરીમ નગરનો આઝમાવેથ, શાઆલ્બોન નગરનો એલ્યાહબા, યાશેનના પુત્રમાંનો યોનાથાન, હારાર નગરનો શામ્મા, હારાર નગરના શારારનો પુત્ર અહિઆમ, માખાથીનો પુત્ર આહાસ્બાયનો પુત્ર અલીફેલેટ, ગિલોની નગરના અહિથોફેલનો પુત્ર અલીઆમ, ર્કામેલમાંથી હેઝોઇ, આર્બી નગરનો પાઅરાય, સોલાહ નગરના નાથાનનો પુત્ર યિગઆલ, ગાદ નગરનો બાની, આમ્મોનનો સેલેક, બએરોથ નગરનો નાહરાય, યોઆબના શસ્ત્રવાહકો: યિથ્રી નગરના ઈરા તથા ગારેબ અને ઉરિયા હિત્તી. કુલ સાડત્રીસ શૂરવીરો હતા.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan