૨ શમુએલ 22 - પવિત્ર બાઇબલ C.L.દાવિદનું વિજયગીત ( ગી.શા. 18 ) 1 પ્રભુએ દાવિદને શાઉલ તથા તેના અન્ય શત્રુઓથી બચાવ્યો ત્યારે દાવિદે પ્રભુ સમક્ષ આ ગીત ગાયું: 2 યાહવે મારા સંરક્ષક ખડક છે, તે મારો કિલ્લો અને મારા મુક્તિદાતા છે. 3 ઈશ્વર તો મારા આશ્રયગઢ છે, હું તેમને શરણે જાઉં છું. તે તો મારી ઢાલ, મારી ઉદ્ધારક શક્તિ, મારો મજબૂત ગઢ અને મારા આશ્રય છે, તે મને અત્યાચારથી બચાવે છે. 4 પ્રભુ સ્તુતિપાત્ર છે; હું તેમને પોકારું છું, એટલે તે મને મારા શત્રુઓથી બચાવે છે. 5 વિકરાળ મોજાં મારી ચોતરફ ફરી વળ્યાં હતાં; વિનાશના મોજાં મારી પર ઉછળતાં હતાં. 6 મૃત્યુલોક શેઓલનાં બંધનોએ મને જકડી લીધો હતો, અને મૃત્યુએ મારે માટે જાળ બિછાવી હતી. 7 મારા સંકટને સમયે મેં પ્રભુને પોકાર કર્યો, ઈશ્વરને મેં મદદને માટે પોકાર કર્યો; ત્યારે તેમણે પોતાના મંદિરમાં મારો અવાજ સાંભળ્યો, અને મારા પોકાર પર તેમણે ધ્યાન આપ્યું. 8 ત્યારે પૃથ્વી કાંપી અને તેને આંચકો લાગ્યો, આકાશના પાયા ડોલી ઊઠયા અને ધ્રૂજવા લાગ્યા; કારણ, ઈશ્વર કોપાયમાન થયા હતા. 9 તેમનાં નસકોરાંમાંથી ધૂમાડો અને તેમના મોંમાંથી ભસ્મ કરી નાખનાર અગ્નિજ્વાળા અને સગળતા અંગારા નીકળ્યા. 10 આકાશ ફાડીને તે નીચે ઊતરી આવ્યા અને તેમના પગ નીચે ગાઢ અંધકાર હતો. 11 તે કરુબ પર સવારી કરીને ઊડયા; પવનની પાંખો પર તેમણે સવારી કરી. 12 તેમણે પોતાને અંધકારથી ઢાંક્યા, ગાઢ સજળ વાદળાં તેમની આસપાસ હતાં. 13 તેમની સમક્ષ રહેલા પ્રકાશમાંથી અગ્નિના તણખા ઊડતા હતા. 14 પછી પ્રભુએ આકાશમાંથી ગર્જના કરી, અને સર્વોચ્ચ ઈશ્વરે હુંકાર કર્યો. 15 તેમણે પોતાનાં બાણ મારીને તેમના શત્રુઓને વિખેરી નાખ્યા, વીજળીના ચમકારાથી તેમણે તેમને નસાડયા. 16 પ્રભુની ધમકીથી, તેમના કોપના સુસવાટથી, સમુદ્રનાં તળિયાં દેખાયાં અને પૃથ્વીના પાયા ખુલ્લા થયા. 17 પ્રભુએ હાથ લંબાવીને મને પકડી લીધો; તેમણે મને ઊંડા પાણીમાંથી ખેંચી કાઢયો. 18 તેમણે મને મારા શક્તિશાળી શત્રુઓથી અને મારો તિરસ્કાર કરનારાઓથી બચાવ્યો; મારા શત્રુઓ મારે માટે બહુ જ શક્તિશાળી હતા. 19 હું સંકટમાં હતો ત્યારે તેમણે મારા પર હુમલો કર્યો, પણ પ્રભુએ મારું રક્ષણ કર્યું. 20 તેમણે મને બધાં બંધનોમાંથી સંપૂર્ણ મુક્ત કર્યો, મારા પર પ્રસન્ન હોવાથી તેમણે મને બચાવ્યો. 21 પ્રભુ મને મારા સદાચરણનું પ્રતિફળ આપે છે, અને તે મને મારી નિર્દોષ વર્તણૂકનો બદલો આપે છે. હું નિર્દોષ હોવાથી તે મને આશિષ આપે છે. 22 હું પ્રભુના માર્ગમાં ચાલ્યો છું અને દુષ્ટતા આચરીને હું તેમનાથી વિમુખ ગયો નથી. 23 તેમના ન્યાયચુકાદાઓ મારી સંમુખ છે; તેમના આદેશોથી હું હટી ગયો નથી. 24 હું નિર્દોષ છું અને અન્યાય કરવાથી મેં પોતાને સાચવ્યો છે. 25 તેથી પ્રભુ મને મારા સદાચરણ પ્રમાણે પ્રતિફળ આપે છે અને મારી નિર્દોષ વર્તણૂકનો બદલો આપે છે. 26 હે પ્રભુ, તમે વિશ્વાસુ પ્રત્યે વિશ્વાસુ છો, અને સાત્વિકની સાથે સાત્વિક છો. 27 જેઓ સીધા છે તેઓ પ્રત્યે તમે સીધા છો, પણ આડા પ્રત્યે તમે આડા બનો છો. 28 નમ્રજનોને તમે બચાવો છો, પણ તમે અભિમાનીઓને ધ્યાનમાં રાખીને નીચા પાડો છો. 29 હે પ્રભુ, તમે મારો પ્રકાશ છો, તમે મારા અંધકારને પ્રકાશમાં બદલી નાખો છો. 30 મારા શત્રુઓ પર ત્રાટકવાને તમે મને શક્તિ આપો છો અને તેમની સંરક્ષણ હરોળ ભેદવાને સામર્થ્ય આપો છે. 31 ઈશ્વરના માર્ગ કેવા સંપૂર્ણ છે! તેમનાં વચનો કેવાં ભરોસાપાત્ર છે! તેમને શરણે જનારાને માટે તે ઢાલ સમાન છે. 32 કારણ, પ્રભુ સિવાય બીજો ઈશ્વર કોણ છે? આપણા ઈશ્વર સમાન આશ્રયગઢ કોણ છે? 33 એ જ ઈશ્વર મારો મજબૂત આશ્રયગઢ છે; તે મારો માર્ગ સલામત બનાવે છે. 34 તે મારાં પગલાં હરણનાં જેવાં ચપળ બનાવે છે;* ઉચ્ચસ્થાનો પર તે મને સલામત રાખે છે. 35 તે મારા હાથને લડાઈની તાલીમ આપે છે; મારા ભુજ કાંસાનું મજબૂત ધનુષ પણ તાણી શકે છે. 36 હે પ્રભુ, તમે મને તમારા ઉદ્ધારની ઢાલ આપી છે, તમારી મમતાથી તમે મને મહાન બનાવ્યો છે. 37 મારાં પગલાં માટે તમે વિશાળ જગ્યા આપી છે, અને મારા પગ સરકી ગયા નથી. 38 હું મારા શત્રુઓ પાછળ પડીને તેમને હરાવું છું; તેમનો વિનાશ ન કરું ત્યાં સુધી હું અટક્તો નથી. 39 હું તેમને મારીને પાડી દઉં છું અને તેઓ ઊભા થઈ શક્તા નથી; તેઓ મારા પગ પાસે પટકાઈ પડે છે. 40 તમે મને લડાઈને માટે સામર્થ્ય અને મારા શત્રુઓ પર વિજય આપો છો. 41 તમે મારા શત્રુઓને મારી આગળથી નસાડો છો, મારો તિરસ્કાર કરનારાઓનો હું વિનાશ કરું છું. 42 તેઓ સહાય શોધે છે, પણ કોઈ તેમને બચાવતું નથી; તેઓ પ્રભુને વિનંતી કરે છે પણ તે જવાબ આપતા નથી. 43 હું તેમને કચડું છું અને તેઓ ધૂળ સમાન થઈ જાય છે. શેરીમાંના ક્દવની જેમ હું તેમને રગદોળીને ફંગોળું છું. 44 તમે મને મારા વિદ્રોહી લોકોથી બચાવો છો અને અન્ય દેશો પરનું મારું શાસન ટકાવ્યું છે. 45 પરદેશીઓ મારે પગે પડતા આવ્યા છે; તેઓ મારો પડયો બોલ ઝીલે છે. 46 તેઓ નાહિંમત થઈ જાય છે અને પોતાના કિલ્લાઓમાંથી ધ્રૂજતા ધ્રૂજતા બહાર આવે છે. 47 પ્રભુ જીવંત છે. મારા સંરક્ષક ખડકને ધન્ય હો! ઈશ્વર મારા ઉદ્ધારક ખડકની મહાનતા જાહેર કરો. 48 તે મને મારા શત્રુઓ પર પૂરો બદલો લેવા દે છે; અન્ય રાષ્ટ્રોને તે મારે તાબે કરે છે. 49 તે મને મારા શત્રુઓથી બચાવે છે, મારા વિદ્રોહીઓ પર મને વિજય પમાડે છે અને જુલ્મી માણસોથી મારું રક્ષણ કરે છે. 50 એ માટે પરપ્રજાઓ મધ્યે હું તમારી પ્રશંસા કરું છું; હું તમારા નામનાં ગુણગાન ગાઉં છું. 51 ઈશ્વર પોતાના રાજાને મહાન વિજયો પમાડે છે, પોતાના પસંદ કરેલા અભિષિક્ત રાજા એટલે દાવિદ અને તેના વંશજો પર સદાકાળ પ્રેમ રાખે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide