૨ શમુએલ 21 - પવિત્ર બાઇબલ C.L.શાઉલના વંશજોની ક્તલ 1 દાવિદના અમલ દરમ્યાન ભયંકર દુકાળ પડયો અને તે સતત ત્રણ વર્ષ ચાલ્યો. તેથી દાવિદે તે વિષે પ્રભુને પૂછી જોયું. પ્રભુએ કહ્યું, “ગિબ્યોનીઓને મારી નાખવા બદલ શાઉલ અને તેના કુટુંબ પર ખૂનનો દોષ લાગેલો છે.” 2 (ગિબ્યોનના લોકો ઇઝરાયલી નહોતા. તેઓ તો અમોરી પ્રજાના બાકી રહી ગયેલા લોક હતા. ઇઝરાયલીઓએ તેમને મારી નહિ નાખવાના સમ ખાધા હતા. પણ ઇઝરાયલ અને યહૂદિયાના લોકો પ્રત્યેના શાઉલના આવેશને લઈને તેણે તેમનો ઉચ્છેદ કરી નાખવાનો પ્રયાસ કર્યો હતો.) 3 તેથી દાવિદે ગિબ્યોનના લોકોને બોલાવીને પૂછયું, “તમારા પર થયેલા અન્યાયી અત્યાચારનું દોષનિવારણ હું શી રીતે કરું કે તમે પ્રભુના લોકોને આશિષ આપો?” 4 તેમણે જવાબ આપ્યો, “શાઉલ અને તેના કુટુંબ સાથેનો અમારો ઝઘડો સોનારૂપાથી પતે તેમ નથી અથવા અમે કોઈ અન્ય ઇઝરાયલીને મારી નાખવા માગતા નથી.” દાવિદે પૂછયું, “તો પછી તમારે માટે હું શું કરું?” 5 તેમણે જવાબ આપ્યો, “શાઉલ અમારો નાશ કરવા માગતો હતો અને ઇઝરાયલમાંથી અમારું નિકંદન કાઢવા ઇચ્છતો હતો. 6 તેથી તેના વંશના સાત પુરુષોને અમારે સ્વાધીન કરો કે અમે તેમને પ્રભુના પસંદ કરેલા અભિષિક્ત રાજા શાઉલના નગર ગિબ્યામાં પ્રભુની સમક્ષ ફાંસી દઈશું.” રાજાએ જવાબ આપ્યો, “હું તેમને તમારે સ્વાધીન કરીશ.” 7 પણ દાવિદે અને યોનાથાને એકબીજા સાથે પ્રભુને નામે સોગંદ ખાધા હતા તેને લીધે દાવિદે યોનાથાનના પુત્ર એટલે, શાઉલના પૌત્ર મફીબોશેથને બચાવી લીધો. 8 પણ તેણે આયાની પુત્રી રિસ્પાથી થયેલા શાઉલના બે પુત્રો એટલે કે આર્મોની તથા મફીબોશેથને લીધા, વળી તેણે મહોબા નગરના બાર્ઝિલ્લાયના પુત્ર આદીએલને શાઉલની પુત્રી મેરાબથી થયેલા પાંચ પુત્રો પણ લીધા. 9 દાવિદે તેમને ગિબ્યોનના લોકોને સ્વાધીન કર્યા અને તેમણે તેમને પ્રભુ સમક્ષ પર્વત પર ફાંસી દીધી અને સાતેય જણ સાથે મૃત્યુ પામ્યા. કાપણીની ઋતુના શરુઆતના દિવસોમાં, એટલે જવની કાપણીના આરંભમાં તેમને મારી નાખવામાં આવ્યા. 10 પછી આયાની પુત્રી એટલે શાઉલની ઉપપત્ની રિસ્પાએ જ્યાં શબ પડયાં હતાં ત્યાં ખડક પર પોતાના આચ્છાદાન માટે તાટનો ઉપયોગ કર્યો અને કાપણીના આરંભથી વરસાદ આવ્યો ત્યાં સુધી ત્યાં જ રહી. દિવસે તે શબ પાસે પક્ષીઓને આવવા દેતી નહિ અને રાત્રે જંગલી પ્રાણીઓથી શબનું રક્ષણ કરતી. 11 આયાની પુત્રી શાઉલની ઉપપત્ની રિસ્પાના કાર્યની દાવિદને ખબર મળી એટલે તેણે ગિલ્યાદમાં આવેલા યાબેશના લોકો પાસે જઈને શાઉલ અને તેના પુત્ર યોનાથાનનાં હાડકાં મેળવ્યાં. 12 (તેઓ તે હાડકાં બેથશાનના જાહેર ચોકમાંથી ચોરી લાવ્યા હતા. જે દિવસે પલિસ્તીઓએ શાઉલને ગિલ્બોઆ પર્વત પર મારી નાખ્યો હતો તે દિવસે તેમણે તેમના શબ ત્યાં લટકાવ્યાં હતાં.) 13 દાવિદે શાઉલ અને યોનાથાનનાં હાડકાં લીધાં અને જે સાત માણસોને ફાંસી દેવાઈ હતી તેમનાં હાડકાં પણ એકઠાં કર્યાં. 14 પછી તેમણે શાઉલ અને યોનાથાનનાં હાડકાં બિન્યામીનના પ્રદેશમાં આવેલા શેલામાં શાઉલના પિતા કીશની કબરમાં દાટયાં અને એમ રાજાના હુકમ પ્રમાણે તેમણે બધું જ કર્યું. તે પછી ઈશ્વરે દેશ માટેની તેમની પ્રાર્થનાનો જવાબ આપ્યો. પલિસ્તી યોદ્ધાઓ સાથે યુદ્ધ 15 પલિસ્તીઓ અને ઇઝરાયલીઓ વચ્ચે ફરીથી યુદ્ધ ફાટી નીકળ્યું અને દાવિદ તથા તેના માણસો જઇને પલિસ્તીઓ સાથે લડયા. એક લડાઇ દરમ્યાન દાવિદ થાકી ગયો. 16 યિશ્બી- બનોબ નામનો રફાઇમ જાતિનો એક રાક્ષસી કદનો માણસ હતો. તેના તાંબાના ભાલાનું વજન સાડા ત્રણ કિલોગ્રામ હતું અને તેણે કમરે નવી તલવાર ધારણ કરેલી હતી. તેનો ઇરાદો દાવિદને મારી નાખવાનો હતો. 17 પણ સરુયાનો પુત્ર અબિશાય દાવિદની મદદે આવ્યો અને એ પલિસ્તી યોદ્ધા પર હુમલો કરીને તેને મારી નાખ્યો. પછી દાવિદના માણસોએ દાવિદને તેમની સાથે લડાઈમાં કદી નહિ આવવા સમ દઈને આગ્રહ કર્યો. તેમણે કહ્યું, “તમે તો ઇઝરાયલની આશાના દીપક સમાન છો અને અમે તમને ગુમાવવા માગતા નથી.” 18 તે પછી પલિસ્તીઓ સાથે ગોબમાં યુદ્ધ થયું. તે દરમ્યાન હુશાય નગરના સિબ્બખાયે રફાઈ જાતિના સારુ નામના યોદ્ધાને મારી નાખ્યો. 19 ગોબમાં પલિસ્તીઓ સાથે બીજી એક લડાઈ થઈ અને બેથલેહેમ નગરના યાઇરના પુત્ર એલ્હાનાનના પુત્રે ગાથ નગરનો ગોલ્યાથ, જેના ભાલાનો દાંડો વણકરની શાળ પરના લાકડા જેવો હતો તેને મારી નાખ્યો. 20 પછી ગાથમાં બીજી એક લડાઈ થઈ. જેમાં એક રાક્ષસી કદનો યોદ્ધો હતો. તેને બન્ને હાથે છ છ આંગળીઓ હતી અને બંને પગે છ છ આંગળીઓ હતી. 21 તે ઇઝરાયલીઓનો તુચ્છકાર કરતો હતો. દાવિદના ભાઈ શામ્માના પુત્ર યોનાથાને તેને મારી નાખ્યો. 22 આ ચારેય યોદ્ધાઓ ગાથ નગરના હતા અને રાક્ષસી કદ ધરાવતી રફાઈ જાતિના વંશજો હતા અને દાવિદ અને તેના માણસોએ તેમને મારી નાખ્યા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide