૨ શમુએલ 20 - પવિત્ર બાઇબલ C.L.શેબાનો બળવો 1 હવે એવું બન્યું કે ગિલ્ગાલમાં બિન્યામીનના કુળના બિખ્રીનો પુત્ર શેબા દુષ્ટ હતો. સંજોગવશાત્ તે ત્યાં હતો. તેણે રણશિંગડું વગાડીને પોકાર કર્યો, “દાવિદને દૂર કરો, તેના રાજવંશમાં આપણો કોઈ લાગભાગ નથી. હે ઇઝરાયલના માણસો, તમે સૌ પોતપોતાને ઘેર જાઓ.” 2 તેથી ઇઝરાયલીઓ દાવિદને છોડીને બિખ્રીના પુત્ર શેબા સાથે જતા રહ્યા. પણ યહૂદિયાના માણસો દાવિદને વફાદાર રહ્યા અને યર્દન નદીથી યરુશાલેમ સુધી તેની પાછળ પાછળ ગયા. 3 દાવિદ તેના રાજમહેલમાં આવ્યો એટલે તેણે તેની દસ ઉપપત્નીઓ જેમને તેણે રાજમહેલની સારસંભાળ માટે રાખી હતી તેમને સંરક્ષકોના પહેરા હેઠળ રાખી. તેણે તેમની જરૂરિયાતો પૂરી પાડી પણ તેમનો સમાગમ ન કર્યો. તેમના બાકીના જીવનમાં તેમને વિધવાઓની જેમ અલગ રાખવામાં આવી. 4 રાજાએ અમાસાને કહ્યું, “યહૂદિયાના માણસોને એકઠા કરીને ત્રણ દિવસમાં અહીં પાછો આવી જા.” 5 અમાસા તેમને બોલાવવા ગયો પણ રાજાએ નિયત કરેલા સમય પ્રમાણે તે પાછો આવ્યો નહિ. 6 તેથી રાજાએ અબિશાયને કહ્યું, “બિખ્રીનો પુત્ર શેબા આપણને આબ્શાલોમ કરતાં યે વિશેષ મુશ્કેલીમાં ઉતારશે. મારા માણસો લઈને તેનો પીછો કર, નહિ તો તે કેટલાંક કિલ્લેબંધીવાળાં નગરો સર કરશે અને આપણા હાથમાંથી છટકી જશે.” 7 તેથી અબિશાયની સાથે યોઆબના માણસો, કરેથીઓ અને પલેથીઓમાંના સંરક્ષકો અને બીજા સર્વ સૈનિકો યરુશાલેમ છોડીને શેબાનો પીછો કરવા ગયા. 8 તેઓ ગિબ્યોનમાં મોટા ખડક પાસે પહોંચ્યા ત્યારે તેમને અમાસા મળ્યો. યોઆબે બખ્તર પહેરેલું હતું અને તલવાર તેની મ્યાનમાં તેના કમરપટ્ટા સાથે બાંધેલી હતી. તે આગળ ગયો એવામાં તલવાર બહાર નીકળી પડી. 9 યોઆબે અમાસાને કહ્યું, “ભાઈ કેમ છે?” અને તેણે અમાસાને ચુંબન કરવા માટે પોતાના જમણા હાથથી તેની દાઢી પકડી. 10 યોઆબના બીજા હાથમાંની તલવાર પર અમાસાનું ધ્યાન ગયું નહિ અને યોઆબે તેના પેટમાં તલવાર ભોંકી દીધી અને તેનાં આંતરડાં જમીન પર નીકળી પડયાં. તે તરત જ મરણ પામ્યો અને યોઆબને બીજો ઘા કરવાની જરૂર પડી નહિ. પછી યોઆબ અને તેનો ભાઈ અબિશાય શેબાનો પીછો કરવા ગયા. 11 યોઆબના એક માણસે અમાસાના શબ પાસે ઊભા રહીને પોકાર કર્યો, “યોઆબ અને દાવિદના પક્ષનો હોય તે પ્રત્યેક યોઆબ પાછળ જાય.” 12 લોહીથી તરબોળ અમાસાનું શબ રસ્તા વચ્ચે પડયું હતું. યોઆબના માણસે જોયું કે બધા ખચક્તા હતા. તેથી તે શબ રસ્તા પરથી ઢસડીને ખેતરમાં લઈ ગયો અને તેના પર ચાદર ઢાંકી. 13 રસ્તા પરથી શબ ખસેડયા પછી બધા માણસો શેબાનો પીછો કરવા યોઆબ પાછળ ચાલ્યા. 14 શેબા ઇઝરાયલનાં સર્વ કુળોના પ્રદેશ વટાવીને આબેલ-બેથ- માખાના નગરમાં ગયો, અને બિખ્રીના કુટુંબના સર્વ માણસો તેની પાસે એકઠા થઈને તે નગરમાં ગયા. 15 યોઆબના માણસોને ખબર પડી કે શેબા ત્યાં છે અને તેથી તેણે ત્યાં જઈને તે શહેરને ઘેરો ઘાલ્યો. તેમણે બહારના કોટની લગોલગ માટીનો ઢાળ બનાવ્યો અને નગરકોટ તોડવા લાગ્યા. 16 એ નગરમાં રહેતી એક ચતુર સ્ત્રીએ કોટ પરથી બૂમ પાડી, “સાંભળો, સાંભળો. યોઆબને અહીં આવવા કહો. હું તેની સાથે વાત કરવા માગું છું.” 17 યોઆબ ગયો એટલે તેણે પૂછયું, “તમે યોઆબ છો?” તેણે જવાબ આપ્યો, “હા” તેણે કહ્યું, “સાહેબ, મારું સાંભળો.” યોઆબે જવાબ આપ્યો, “હું સાંભળું છું.” 18 તેણે કહ્યું, “જૂના જમાનામાં લોકો કહેતા કે, ‘આબેલ જઈને સલાહ મેળવો’ અને એમ કરવાથી લોકોના પ્રશ્ર્નનું નિરાકરણ થતું. 19 હું તો ઇઝરાયલના સૌથી શાંતિપ્રિય અને વફાદાર નગરની છું. ઇઝરાયલની આ માતૃસમાન નગરીનો તમે શા માટે નાશ કરવા લાગ્યા છો? તમે તો ખુદ પ્રભુના વારસાનો જ વિનાશ કરવા બેઠા છો.” 20 યોઆબે જવાબ આપ્યો, “હું તો કંઈ તમારા નગરનો નાશ કરવા કે તેને ખંડેર બનાવવા માગતો નથી. એ અમારો આશય નથી. 21 તેથી એ સાચું નથી, પણ એફ્રાઇમના પહાડીપ્રદેશમાંથી આવેલ બિખ્રીના પુત્ર શેબા નામના માણસે દાવિદ રાજા સામે બળવો પોકાર્યો છે. આ એક માણસ અમને સોંપી દો એટલે હું નગર પાસેથી હટી જઈશ.” સ્ત્રીએ કહ્યું, “અમે કોટ ઉપરથી તમારી પાસે તેનું માથું ફેંકીશું.” 22 પછી તે સ્ત્રીએ જઈને નગરજનોને ચતુરાઇથી સમજાવ્યા અને તેમણે શેબાનું માથું કાપીને કોટ ઉપરથી યોઆબ પાસે ફેંકયું. યોઆબે રણશિંગડું વગાડીને ઘેરો ઉઠાવી લીધો. પછી તેઓ ઘેર પાછા આવ્યા અને યોઆબ યરુશાલેમમાં રાજા પાસે આવ્યો. દાવિદના અધિકારીઓ 23 યોઆબ ઇઝરાયલના લશ્કરનો સેનાપતિ હતો. યહોયાદાનો પુત્ર બનાયા કરેથી અને પલેથી અંગરક્ષકોનો ઉપરી હતો. 24 અદોનીરામ વેઠ કરાવનારાઓનો ઉપરી હતો, અહિલૂદનો પુત્ર યહોશાફાટ મંત્રી હતો. 25 શેવા સચિવ હતો. 26 સાદોક અને અબ્યાથાર યજ્ઞકારો હતા. યાઈર નગરનો ઈરા પણ દાવિદનો યજ્ઞકાર હતો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide