૨ શમુએલ 2 - પવિત્ર બાઇબલ C.L.દાવિદ યહૂદિયાનો રાજા 1 એ પછી દાવિદે પ્રભુને પૂછયું, “હું જઈને યહૂદિયાના કોઈ નગરને જીતવા જઉં?” પ્રભુએ જવાબ આપ્યો, “જા.” દાવિદે પૂછયું, “કયા નગરમાં?” પ્રભુએ કહ્યું, “હેબ્રોનમાં.” 2 દાવિદ પોતાની બે પત્નીઓ એટલે, યિભએલની અહિનોઆમ અને ર્કામેલી નાબાલની વિધવા અબિગાઈલને લઈને હેબ્રોન ગયો. 3 તે પોતાના માણસોને પણ તેમના કુટુંબો સાથે લઈ ગયો અને તેમને હેબ્રોનની આજુબાજુનાં ગામોમાં વસાવ્યાં. 4 પછી યહૂદિયાના માણસો હેબ્રોન આવ્યા અને દાવિદનો યહૂદિયાના રાજા તરીકે અભિષેક કર્યો. ગિલ્યાદમાં આવેલા યાબેશના લોકોએ શાઉલને દફનાવ્યો છે એવી ખબર મળતાં, 5 તેણે કેટલાક સંદેશકો મોકલીને આવો સંદેશો પાઠવ્યો: “તમારા રાજાને દફનાવીને તમે તેના પ્રત્યે દર્શાવેલી વફાદારી માટે પ્રભુ તમને આશિષ આપો. 6 તે હવે તમારા પ્રત્યે માયાળુ અને વિશ્વાસુ થાઓ. તમારા એ કાર્ય માટે હું પણ તમારા પ્રત્યે સદ્ભાવ દાખવીશ. 7 બળવાન તથા શૂરવીર થાઓ. તમારો રાજા શાઉલ મરણ પામ્યો છે અને યહૂદાના કુળે પોતાના રાજા તરીકે મારો અભિષેક કર્યો છે.” ઇશબોશેથ ઇઝરાયલનો રાજા બન્યો 8 શાઉલનો સેનાપતિ, નેરનો પુત્ર આબ્નેર શાઉલના પુત્ર ઇશબોશેથને લઈને યર્દન નદીને પેલે પાર માહનાઈમમાં નાસી ગયો હતો. 9 ત્યાં આબ્નેરે ઇશબોશેથને ગિલ્યાદ, આશેર, યિભયેલ, એફ્રાઈમ અને બિન્યામીનના પ્રદેશો પર એટલે આખા ઇઝરાયલ પર રાજા ઠરાવ્યો. 10 તેને ઇઝરાયલનો રાજા બનાવવામાં આવ્યો ત્યારે તે ચાલીસ વર્ષનો હતો, પણ યહૂદાનું કુળ દાવિદને વફાદાર રહ્યું. 11 તેણે હેબ્રોનમાં રહીને તેમના પર સાડા સાત વર્ષ રાજ કર્યું. ઇઝરાયલ અને યહૂદિયા વચ્ચે લડાઈ 12 આબ્નેર અને શાઉલના પુત્ર ઇશબોશેથના અધિકારીઓ માહનાઈમમાંથી ગિબ્યોન નગરમાં ગયા. 13 યોઆબ, જેની માતાનું નામ સરુયા હતું, તે અને દાવિદના માણસો તળાવ આગળ સામસામે આવી ગયા. ત્યાં તેઓ સૌ બેસી ગયા; એક જૂથ તળાવની એક તરફ અને બીજું જૂથ તળાવની બીજી તરફ. 14 આબ્નેરે યોઆબને કહ્યું, “શસ્ત્રસ્પર્ધામાં લડવા માટે બંને બાજુએથી યુવાનો મોકલીએ.” યોઆબે કહ્યું, “ભલે.” 15 તેથી ઇશબોશેથ અને બિન્યામીનના કુળ તરફથી બાર માણસો દાવિદના બાર માણસો સાથે લડયા. 16 પ્રત્યેક માણસે પોતાના પ્રતિસ્પર્ધીનું માથું પકડયું અને પ્રત્યેક માણસે પોતાના પ્રતિસ્પર્ધીની કૂખમાં પોતાની તલવાર ભોંકી દીધી. તેથી ચોવીસે માણસો એક સાથે પડીને મરી ગયા. તેથી એ જગ્યા ‘હેલ્કાથ-હાસ્સુરીમ’ એટલે ‘તલવારોનું ક્ષેત્ર’ એ નામે ઓળખાય છે. 17 પછી ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું અને દાવિદના માણસોએ આબ્નેર તથા તેના માણસોને હરાવ્યા. 18 સરુયાના ત્રણ દીકરા યોઆબ, અબિશાય અને અસાહેલ ત્યાં હતા. અસાહેલ જંગલી હરણના જેટલી ઝડપથી દોડી શક્તો. 19 તેણે આબ્નેરનો પીછો કર્યો અને આમતેમ ક્યાંય વળ્યા વિના આબ્નેર પાછળ સીધેસીધો દોડયો. 20 આબ્નેરે પાછળ ફરીને જોયું અને પૂછયું, “અસાહેલ, એ શું તું છે?” તેણે કહ્યું, “હા.” 21 આબ્નેરે કહ્યું, “મારો પીછો મૂકી દે. બીજા કોઈ એક સૈનિકની પાછળ પડીને તેની પાસેનાં શસ્ત્રો લૂંટી લે.” પણ અસાહેલે તેનો પીછો ચાલુ રાખ્યો. 22 આબ્નેરે ફરીથી કહ્યું, “મારો પીછો મૂકી દે, નહિ તો મારે તને ભોંયભેગો કરી દેવો પડશે. હું તારા ભાઈ યોઆબને શું મોં બતાવીશ?” 23 પણ અસાહેલે તેનો પીછો કરવાનું પડતું મૂકાયું નહિ. તેથી આબ્નેરે પાછા ફરીને પોતાના ભાલાથી તેના પેટમાં ઘા કર્યો, જેથી ભાલો તેની પીઠ પાછળ નીકળ્યો અને અસાહેલ જમીન પર પટકાઈને મરણ પામ્યો. તે પડયો હતો ત્યાં આવીને સૌ થંભી ગયા અને ઊભા રહ્યા. 24 પણ યોઆબ અને અબિશાય આબ્નેરની પાછળ પડયા અને સૂર્યાસ્ત સમયે તેઓ ગિબ્યોનના વેરાન પ્રદેશમાં જવાને રસ્તે ગિબ્યાની પૂર્વમાં આવેલા આમ્મા પર્વત પર આવી પહોંચ્યા. 25 બિન્યામીનના કુળના લોકો આબ્નેર પાસે ફરીથી એકઠા થયા અને પર્વતના શિખર પર પોતાની જમાવટ કરી. 26 આબ્નેરે યોઆબને હાંક મારીને કહ્યું, “શું આપણે સતત લડયા જ કરવાનું છે? અંતે વેરઝેર વિના બીજું કશું જ નહિ રહે તેની તને ખબર નથી પડતી? અમે તો તારા દેશબાંધવો છીએ. તું ક્યારે તારા માણસોને અમારો પીછો કરતા અટકાવીશ?” 27 યોઆબે કહ્યું, “જીવતા ઈશ્વરના સમ, તું ન બોલ્યો હોત તો આવતી કાલ સવાર સુધી મારા માણસોએ તમારો પીછો કર્યો હોત.” 28 પછી ઇઝરાયલીઓનો પીછો કરવાનું પડતું મૂકવા પોતાના માણસોને નિશાનીરુપે યોઆબે રણશિંગડું વગાડયું એટલે લોકો થંભી ગયા અને એમ યુદ્ધ બંધ થયું. 29 આબ્નેર અને તેના માણસોએ આખી રાત યર્દન નદીની ખીણમાં થઈને કૂચ કરી. તેમણે યર્દન નદી પાર કરી. એમ બીજા દિવસની સવાર સુધી કૂચ કરતાં કરતાં તેઓ માહનાઇમમાં પાછા આવ્યા. 30 પીછો પડતો મૂક્યા પછી યોઆબે પોતાના સર્વ માણસોને એકઠા કર્યા તો અસાહેલ ઉપરાંત બીજા ઓગણીસ માણસો ખૂટતા હતા. 31 દાવિદના માણસોએ બિન્યામીનના વંશના આબ્નેરના 360 માણસો મારી નાખ્યા હતા. 32 યોઆબ અને તેના માણસોએ અસાહેલનું શબ લઈને બેથલેહેમમાં તેમના કુટુંબની કબરમાં દફનાવ્યું. પછી તેઓ આખી રાત ચાલીને વહેલી સવારે હેબ્રોન પાછા આવ્યા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide