૨ શમુએલ 19 - પવિત્ર બાઇબલ C.L.દાવિદને યોઆબનો ઠપકો 1 યોઆબને ખબર મળી કે દાવિદ રાજા આબ્શાલોમ માટે રુદન અને શોક કરે છે. 2 તેથી એ દિવસે દાવિદની સર્વ લશ્કરી ટુકડીઓ માટે વિજયનો આનંદ દુ:ખમાં ફેરવાઈ ગયો. કારણ, તેમણે સાંભળ્યું કે રાજા પોતાના પુત્ર માટે શોક કરે છે. 3 યુધમાંથી નાસી છૂટીને શરમાઈ ગયેલા સૈનિકોની જેમ તેઓ શહેરમાં ચૂપકીદીથી પેસી ગયા. 4 રાજા પોતાનું મુખ ઢાંકીને પોક મૂકીને રડયો. “ઓ મારા પુત્ર, મારા પુત્ર આબ્શાલોમ, આબ્શાલોમ, મારા પુત્ર.” 5 યોઆબે રાજાને ઘેર જઈને કહ્યું, “તમારું જીવન અને તમારા પુત્રપુત્રીઓ, તમારી પત્નીઓ અને ઉપપત્નીઓનાં જીવનો બચાવનાર માણસોને તમે આજે શરમિંદા કર્યા છે. 6 તમારા પર પ્રેમ રાખનારનો તમે તિરસ્કાર કરો છો અને તમારો તિરસ્કાર કરનારાઓ પર પ્રેમ રાખો છો. તમારે મન તમારા સેનાપતિઓ અને સૈનિકોનું કંઈ મૂલ્ય નથી એ તમે આજે જાહેર કર્યું છે. મને લાગે છે કે આજે આબ્શાલોમ જીવતો રહ્યો હોત અને અમે બધા મરી ગયા હોત તો તમે ખુશ હોત. 7 હવે જઈને તમારા સેવકોને ફરી ખાતરી આપો. હું પ્રભુને નામે સોગંદ ખાઉં છું કે જો તમે બહાર આવીને લોકો સાથે વાત નહિ કરો તો આવતી કાલ સવાર સુધી એમાંનો એક પણ તમારી પડખે નહિ હોય. તમારી જિંદગીમાં વહોરેલી સર્વ આફતો કરતાં એ વધારે ભયંકર હશે.” 8 પછી રાજા ઊભો થયો અને જઈને શહેરને દરવાજે બેઠો. તે ત્યાં છે એવું સાંભળીને તેના સર્વ સેવકો તેની આજુબાજુ એકઠા થયા. દરમ્યાનમાં સર્વ ઇઝરાયલીઓ પોતપોતાના નગરમાં જતા રહ્યા. દાવિદ પાછો યરુશાલેમમાં 9 સમગ્ર દેશમાં તેઓ અંદરોઅંદર વિવાદ કરવા લાગ્યા. તેમણે એકબીજાને કહ્યું, “દાવિદ રાજાએ આપણને આપણા શત્રુઓથી બચાવ્યા. તેમણે આપણને પલિસ્તીઓથી છોડાવ્યા પણ હવે તે આબ્શાલોમથી નાસી છૂટીને દેશ છોડી જતા રહ્યા છે. 10 આપણે આબ્શાલોમનો આપણા રાજા તરીકે અભિષેક કર્યો પણ તે યુદ્ધમાં માર્યો ગયો છે. તેથી દાવિદ રાજાને પાછા લાવવાનો પ્રયાસ કેમ કોઈ કરતું નથી?” 11 ઇઝરાયલીઓની આ વાતના સમાચાર દાવિદ રાજા પાસે પહોંચ્યા. તેથી તેણે યજ્ઞકાર સાદોક અને અબ્યાથારને યહૂદિયાના આગેવાનો પાસે આ સંદેશ કહેવા મોકલ્યા કે, “રાજાને પોતાના મહેલમાં પાછો લાવવામાં તમે સૌથી છેલ્લા કેમ છો? 12 તમે તો મારા સંબંધીઓ, મારા હાડમાંસના છો. મને પાછો લઈ જવામાં તમે છેલ્લા કેમ?” 13 વળી, દાવિદે અમાસાને આવું કહેવા તેમને જણાવ્યું, “તારી સાથે તો મારે લોહીની સગાઈ છે. હવેથી યોઆબની જગ્યાએ હું તને મારા લશ્કરનો કાયમી સેનાપતિ ન બનાવું તો ઈશ્વર મારી વિશેષ દુર્દશા કરો.” 14 દાવિદના શબ્દોએ યહૂદિયાના સર્વ માણસોની સંપૂર્ણ વફાદારી જીતી લીધી અને તેમણે તેને તેના સર્વ અધિકારીઓ સાથે પાછા ફરવા સંદેશો મોકલ્યો. 15 તેથી રાજા પાછો ફર્યો અને યર્દન નદી આગળ આવી પહોંચ્યો. યહૂદિયાના લોકો તેને નદી પાર કરાવીને લઈને જવા માટે ગિલ્ગાલમાં આવ્યા હતા. 16 એ જ સમયે ગેરાનો પુત્ર શિમઈ બિન્યામીની બાહુરીમથી રાજા દાવિદને મળવા ઉતાવળે આવી પહોંચ્યો. 17 તેની સાથે બિન્યામીન કુળના હજાર માણસો હતા. શાઉલના કુટુંબનો નોકર સીબા પણ તેના પંદર પુત્રો અને વીસ સેવકો સાથે રાજાને મળવા યર્દન નદી આગળ પહોંચી ગયો. 18 રાજાના પરિવારને નદી પાર કરાવીને રાજાને પ્રસન્ન કરવા તેઓ નદીની સામે પાર ગયા. દાવિદ શિમઈ પ્રત્યે દયા દર્શાવે છે 19 રાજા નદી ઓળંગવાની તૈયારીમાં હતો તેવામાં શિમઈએ તેની આગળ આવીને ભૂમિ પર શિર ટેકવીને નમન કરતાં કહ્યું, “હે રાજા, મારા માલિક, તમે યરુશાલેમ છોડીને જતા હતા, તે દિવસે મેં આચરેલી દુષ્ટતા હવે સ્મરણમાં લાવશો નહિ. 20 હવેથી તે તમારા મનમાં લાવશો નહિ. હે રાજા, મારા માલિક, હું જાણું છું કે મેં પાપ કર્યું છે અને એટલે જ, યોસેફનાં કુળોમાંથી સૌ પ્રથમ હું આપ નામદારને મળવા આવ્યો છું.” 21 સરુયાનો પુત્ર અબિશાય બોલી ઊઠયો, “શિમઈને મારી નાખવો જોઈએ; કારણ, તેણે પ્રભુએ પસંદ કરેલ અભિષિક્ત રાજાને શાપ દીધો હતો.” 22 પણ દાવિદે અબિશાય અને તેના ભાઈ યોઆબને કહ્યું, “સરુયાના પુત્રો, મેં તમારું શું બગાડયું છે કે તમે આજે મારી વિરુદ્ધ પડયા છો? કોણે તમારો અભિપ્રાય માગ્યો છે? હું ઇઝરાયલનો રાજા છું અને આજે કોઈ ઇઝરાયલીને મારી નાખવાનો નથી.” 23 તેણે શિમઈને કહ્યું, “હું તને શપથપૂર્વક વચન આપું છું કે તું માર્યો જશે નહિ.” મફીબોશેથ પ્રત્યે દાવિદે દર્શાવેલી દયા 24 પછી શાઉલનો પુત્ર મફીબોશેથ રાજાને મળવા આવ્યો. રાજા યરુશાલેમ છોડીને ગયો ત્યારથી તે વિજયવંત બનીને પાછો ફર્યો ત્યાં સુધી તેણે પોતાના પગ ધોયા નહોતા, પોતાની દાઢી કાપી નહોતી કે પોતાનાં વસ્ત્ર ધોયાં નહોતાં. 25 મફીબોશેથ યરુશાલેમથી રાજાને મળવા આવ્યો ત્યારે રાજાએ તેને કહ્યું, “મફીબોશેથ, તું મારી સાથે કેમ નહોતો આવ્યો?” 26 તેણે જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, તમે જાણો છો કે હું લંગડો છું. હું તમારી સાથે સાથે સવારી કરી આવું તે માટે મેં મારા નોકરને મારું ગધેડું તૈયાર કરવા કહ્યું પણ તેણે મને દગો દીધો. 27 હે રાજા, મારા માલિક, તેણે આપની સમક્ષ મારી ખોટી નિંદા કરી, પણ આપ નામદાર તો ઈશ્વરના દૂત જેવા છો. તેથી તમને યોગ્ય લાગે તે કરો. 28 મારા પિતાનું કુટુંબ તમારા હાથે મૃત્યુને પાત્ર હતું, પણ તમે મને તમારી સાથે જમવાનો હક્ક આપ્યો. હે રાજા, મારા માલિક, આપની પાસેથી હવે વિશેષ કૃપા માગવાનો મને કોઈ અધિકાર નથી.” 29 રાજાએ જવાબ આપ્યો, “તારે હવે વધારે કંઈ કહેવાની જરુર નથી. હવે તું અને સીબા શાઉલની મિલક્ત વહેંચી લો.” 30 મફીબોશેથે જવાબ આપ્યો, “સીબા ભલે સર્વ મિલક્ત લઈ લે. મારે માટે તો હે રાજા, મારા માલિક, આપ ઘેર સહીસલામત પાછા આવ્યા છો એટલું જ બસ છે.” બાર્ઝિલાય પ્રત્યે દાવિદની દયા 31 ગિલ્યાદ પ્રાંતનો બાર્ઝિલાય પણ રોગેલીમથી રાજાને મળવા યર્દન નદીની પેલે પાર આવ્યો હતો. 32 બાર્ઝિલાય એંસી વર્ષની ઉંમરનો બહુ વૃદ્ધ હતો. તે બહુ શ્રીમંત હતો અને રાજાએ જ્યારે માહનાઇમમાં મુકામ કર્યો હતો ત્યારે તેણે ખોરાક પૂરો પાડયો હતો. 33 રાજાએ તેને કહ્યું, “તું નદી પાર કરીને મારી સાથે યરુશાલેમ આવ અને હું તારું ભરણપોષણ કરીશ.” 34 પણ બાર્ઝિલાયે જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, હું હવે બહુ લાંબું જીવવાનો નથી. હું આપની સાથે યરુશાલેમ આવીને શું કરીશ? 35 હું એંસી વર્ષનો છું અને મને કશામાં રસ રહ્યો નથી. હું જે ખાઉંપીઉં છું તેનો આસ્વાદ માણી શક્તો નથી. હું ગાયક- ગાયિકાનો સાદ સાંભળી શક્તો નથી. હું યરુશાલેમ આવીને આપને શા માટે બોજારૂપ થાઉં? 36 આપે મને એવો મોટો બદલો શા માટે આપવો જોઈએ? તેથી હું આપની સાથે યર્દનની પેલે પાર થોડે સુધી આવીશ. 37 પછી મને ઘેર જવા દેજો. જેથી હું મારા વતનમાં જ મૃત્યુ પામું, કારણ, મારા પૂર્વજોની કબર પણ ત્યાં છે. કિમ્હામ તમારી સેવા કરશે. નામદાર, તેને તમારી સાથે લઈ જાઓ. અને તમને જે યોગ્ય લાગે તે તેને માટે કરજો.” 38 રાજાએ જવાબ આપ્યો, “હું તેને મારી સાથે લઇ જઇશ અને તારી ઈચ્છા પ્રમાણે તેને માટે હું કરીશ અને તારે માટે પણ તું જે માગશે તે પ્રમાણે કરીશ.” 39 પછી દાવિદ અને તેના માણસો યર્દન નદી પાર ઊતર્યા. તેણે બાર્ઝિલાયને ચુંબન કરીને આશિષ આપી અને બાર્ઝિલાય ઘેર પાછો ગયો. રાજા વિષે વાદવિવાદ 40 યહૂદિયાના સર્વ માણસો અને ઇઝરાયલના અડધા માણસોનું સ્વાગત સ્વીકારીને રાજા નદી પાર કરીને ગિલ્ગાલ પહોંચ્યો અને કિમ્હામ તેની સાથે ગયો. 41 પછી સર્વ ઇઝરાયલીઓએ રાજા પાસે જઈને કહ્યું, “હે રાજા, અમારા માલિક, યહૂદિયાના અમારા જાતભાઈઓએ રાજાના માણસો સાથે ભળી જઈને રાજાને પોતાના કેમ કરી લીધા છે? રાજાને અને તેમના પરિવારને નદીની પેલે પારથી તેઓ એકલા કેમ લઈ આવ્યા? 42 યહૂદિયાના માણસોએ જવાબ આપ્યો, “રાજા સાથે અમારે નિકટની સગાઇ છે તેથી અમે તેમ કર્યું છે. એમાં તમારે ખોટું લગાડવાની ક્યાં જરુર છે? રાજાએ અમારા ખોરાક માટે પૈસા આપ્યા નથી કે નથી તેમણે અમને કંઈ બક્ષિસ આપી.” 43 ઇઝરાયલીઓએ જવાબ આપ્યો, “દાવિદ તમારામાંનો હોવા છતાં રાજા તરીકે તેના પર અમારો દસગણો અધિકાર છે તો પછી તમે અમને શા માટે ઉતારી પાડો છે? રાજાને પાછા લાવવાની વાત કરનાર પ્રથમ અમે હતા એ ભૂલી જશો નહિ.” પણ યહૂદિયાના માણસો ઇઝરાયલના માણસો કરતાં તેમનો દાવો રજૂ કરવામાં વધારે જોરદાર હતા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide