૨ શમુએલ 18 - પવિત્ર બાઇબલ C.L.આબ્શાલોમનો પરાજય અને મરણ 1 દાવિદ રાજાએ પોતાના સર્વ માણસોની ગણતરી કરી અને તેમને હજાર હજારની અને સો સોની ટુકડીઓમાં વહેંચી નાખ્યા અને તેમના પર અધિકારીઓ નીમ્યા. 2 તેમણે તેમને ત્રણ જૂથમાં વહેંચી નાખ્યા અને યોઆબ, યોઆબનો ભાઈ અબિશાય અને ગાથમાંથી આવેલ ઇતાયના હસ્તક એક એક જૂથ રાખ્યું. રાજાએ કહ્યું, “હું પોતે પણ તમારી સાથે આવીશ.” 3 તેમણે જવાબ આપ્યો, “તમે અમારી સાથે ન આવશો. અમારામાંના બાકી રહેલાઓ પાછા ફરીને નાસી જાય અથવા અમારામાંના અડધા મરી જાય તો શત્રુને એની પરવા નહિ હોય. પણ અમારે મન તો તમે અમારામાંના દસ હજારથીય વિશેષ છો. તમે અહીં નગરમાં રહીને અમને મદદ મોકલો એ ઉચિત થશે.” 4 રાજાએ જવાબ આપ્યો, “તમને જે યોગ્ય લાગતું હોય તે પ્રમાણે હું કરીશ.” પછી તેના માણસો હજાર હજાર અને સો સોની ટુકડીઓમાં કૂચ કરી બહાર નીકળ્યા ત્યારે તે દરવાજા પાસે ઊભો હતો. 5 તેણે યોઆબ, અબિશાય અને ઇતાયને હુકમ આપ્યો, “મારે લીધે તમે જુવાન આબ્શાલોમને કંઈ હાનિ પહોંચાડશો નહિ.” દાવિદે તેના સેનાધિકારીઓને આપેલો એ આદેશ સર્વ લશ્કરી ટુકડીઓએ સાંભળ્યો. 6 દાવિદનું લશ્કર રણક્ષેત્રમાં ગયું અને તેમણે એફ્રાઈમના જંગલમાં ઇઝરાયલીઓ સાથે યુદ્ધ કર્યું. 7 દાવિદના માણસોએ ઇઝરાયલીઓને હરાવ્યા. એ તો ભયંકર હાર હતી. એ દિવસે વીસ હજાર માણસોનો ખુરદો બોલી ગયો. 8 યુદ્ધ સમગ્ર દેશમાં ફેલાઈ ગયું અને યુદ્ધમાં માર્યા ગયેલા કરતાં જંગલમાં ભક્ષ થઈ ગયેલા વધારે હતા. 9 પછી દાવિદના માણસોને અચાનક આબ્શાલોમનો ભેટો થઈ ગયો. આબ્શાલોમ ખચ્ચર પર બેઠો હતો. ખચ્ચર એક મોટા મસ્તગી વૃક્ષ તળેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આબ્શાલોમનું માથું ડાળીઓમાં ભરાઈ ગયું. ખચ્ચર આગળ ચાલ્યું ગયું અને આબ્શાલોમ આકાશ અને પૃથ્વી વચ્ચે અધર લટકી રહ્યો. 10 દાવિદના એક માણસે તે જોઈને યોઆબને ખબર આપી, “સાહેબ, મેં આબ્શાલોમને મસ્તગી વૃક્ષ પર લટકેલો જોયો હતો.” 11 યોઆબે જવાબ આપ્યો, “તેં તેને જોયો ત્યારે તેં તેને ત્યાં જ કેમ મારી ન નાખ્યો? મેં પોતે જ તને ચાંદીના દસ સિક્કા અને કમરપટ્ટો આપ્યાં હોત.” 12 પણ પેલા માણસે જવાબ આપ્યો, “તમે મને ચાંદીના હજાર સિક્કા આપો તો પણ હું રાજાના પુત્ર પર મારો હાથ ન ઉપાડું. ‘મારે લીધે તમે યુવાન આબ્શાલોમને કંઈ ઇજા ન કરશો.’ એવો તમને, અબિશાયને અને ઇતાયને રાજાએ આપેલો હુકમ અમે સૌએ સાંભળ્યો હતો. 13 જો મેં રાજાની આજ્ઞાનો ભંગ કરીને આબ્શાલોમને મારી નાખ્યો હોત તો રાજાને એની ખબર પડી જાત અને તમે મારો બચાવ કર્યો ન હોત. (રાજાને તો બધી ખબર પડે જ છે.)” 14 યોઆબે કહ્યું, “હું તારી સાથે મારો વધારે સમય બગાડવા માગતો નથી.” તેણે ત્રણ ભાલા લીધા અને મસ્તગી વૃક્ષ પર લટકી રહેલો આબ્શાલોમ હજુ તો તે જીવતો હતો ત્યારે જ તેના હૃદયમાં ભોંકી દીધા. 15 પછી યોઆબના દસ સૈનિકો આબ્શાલોમને ઘેરી વળ્યા અને તેને મારીને પૂરો કર્યો. 16 યોઆબે લડાઈ બંધ કરવા રણશિંગડું વગાડવા માટે આજ્ઞા કરી અને તેની ટુકડીઓ ઇઝરાયલીઓનો પીછો કરવામાંથી પાછી ફરી. 17 તેમણે આબ્શાલોમનું શબ લઈને જંગલમાં એક ઊંડા ખાડામાં ફેંકી દીધું અને તેના પર પથ્થરોનો ઢગલો કરી દીધો. પછી સર્વ ઇઝરાયલીઓ છાવણીમાં પોતપોતાના તંબૂએ પાછા ફર્યા. 18 આબ્શાલોમે પોતાના જીવનકાળ દરમ્યાન રાજાની ખીણમાં પોતાને માટે એક સ્મરણસ્તંભ ઊભો કર્યો હતો. કારણ, તેનું નામ ચાલુ રાખવા માટે તેને પુત્ર નહોતો. તેથી તેણે પોતાના નામ પરથી એનું નામ પાડયું હતું અને આજે પણ તે આબ્શાલોમના સ્મરણસ્તંભ તરીકે ઓળખાય છે. 19 પછી સાદોકના પુત્ર અહિમાસે યોઆબને કહ્યું, “મને રાજા પાસે દોડી જઈને આ શુભ સમાચાર જણાવવા દો કે પ્રભુએ તમારા શત્રુઓ પર વેર વાળ્યું છે અને તેનાથી તમને છોડાવ્યા છે.” 20 યોઆબે કહ્યું, “ના. તું આજે શુભ સમાચાર લઈ જઈશ નહિ. બીજે કોઈક દિવસે તું એમ કરજે, પણ આજે નહિ; કેમ કે રાજાનો પુત્ર મરણ પામ્યો છે.” 21 પછી તેણે તેના કૂશી ગુલામને કહ્યું, “જા, તેં જે જોયું છે તે જઈને રાજાને જણાવ.” ત્યારે ગુલામે તેને નમન કર્યું અને પછી દોડીને ગયો. 22 સાદોકના પુત્ર અહિમાસે આગ્રહ કર્યો, “જે થવાનું હોય તે થાય મને એની પરવા નથી. મહેરબાની કરીને મને પણ સમાચાર કહેવા જવા દો.” 23 યોઆબે પૂછયું, “દીકરા, તું શા માટે જવા માગે છે? એને બદલે તને કોઈ ઇનામ મળવાનું નથી.” અહિમાસે કહ્યું, “થવાનું હોય તે થાય. મારે જવું છે.” યોઆબે કહ્યું, “તો જા.” તેથી અહિમાસ યર્દન નદીની ખીણમાં થઈને દોડયો અને કૂશી ગુલામની આગળ થઈ ગયો. 24 દાવિદ શહેરના અંદરના અને બહારના દરવાજાની વચ્ચેની જગ્યાએ બેઠો હતો. ચોકીદાર કોટની ટોચે ગયો અને દરવાજાના ધાબા પર બેઠો. તેણે બહાર જોયું તો એક માણસને દોડતો આવતો જોયો. 25 તેણે નીચે બૂમ પાડીને રાજાને વાત કરી. રાજાએ કહ્યું, “જો તે એકલો હોય તો તે શુભ સમાચાર લઈને આવતો હશે.” દોડનાર નજીકને નજીક આવતો ગયો. 26 પછી ચોકીદારે બીજા માણસને એકલો દોડતો આવતો જોયો અને તેણે નીચે બૂમ પાડીને દરવાનને બોલાવ્યો, “જો બીજો એક માણસ દોડતો આવે છે.” રાજાએ કહ્યું, “એ પણ શુભ સમાચાર લઈને આવતો હશે.” 27 પ્રથમ માણસની દોડ અહિમાસની દોડ જેવી લાગે છે. રાજાએ કહ્યું, “તે સારો માણસ છે અને તે શુભ સમાચાર લાવે છે.” 28 અહિમાસે રાજાને પોકાર કર્યો, “બધું સલામત છે.” પછી તેની આગળ ભૂમિ પર શિર ટેકવીને નમન કરતાં કહ્યું, “હે રાજા, મારા માલિક, તમારા ઈશ્વર પ્રભુની સ્તુતિ હો. તમારી સામે બળવો કરનાર માણસને તેમણે તમારા હાથમાં સોંપી દીધો છે.” 29 રાજાએ પૂછયું, “યુવાન આબ્શાલોમ સહીસલામત છે?” અહિમાસે જવાબ આપ્યો, “સાહેબ, તમારા સેનાપતિ યોઆબે મને મોકલ્યો ત્યારે મેં ભારે રમખાણ મચેલું જોયેલું, પણ શું બન્યું તે હું જાણતો નથી.” 30 રાજાએ કહ્યું, “ત્યાં એક બાજુએ ઊભો રહે.” એટલે તે જઈને બાજુ પર ઊભો રહ્યો. 31 પછી કુશી ગુલામ આવી પહોંચ્યો અને તેણે રાજાને કહ્યું, “હે રાજા, મારા માલિક, હું આપને માટે શુભ સમાચાર લાવ્યો છું. આજે પ્રભુએ તમને તમારી વિરુદ્ધ બળવો કરનારાઓના હાથથી છોડાવ્યા છે.” 32 રાજાએ પૂછયું, “યુવાન આબ્શાલોમ સહીસલામત છે?” કૂશી ગુલામે જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, યુવાનના જેવા તમારા સર્વ શત્રુઓના અને તમારી વિરુદ્ધ બળવો પોકારનારના હાલ થાઓ.” 33 દાવિદ અત્યંત દુ:ખી થઈ ગયો. દરવાજા પરની ઓરડીમાં જઈને તે રડયો. જતાં જતાં તે બોલતો ગયો. “ઓ મારા પુત્ર, મારા પુત્ર આબ્શાલોમ! આબ્શાલોમ, મારા પુત્ર! મારા પુત્ર તારે બદલે હું મૃત્યુ પામ્યો હોત તો કેવું સારું થાત. આબ્શાલોમ, મારા પુત્ર.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide