૨ શમુએલ 17 - પવિત્ર બાઇબલ C.L.નિરર્થક થયેલી અહિથોફેલની સલાહ 1 થોડા જ સમય પછી અહિથોફેલે આબ્શાલોમને કહ્યું, “મને બાર હજાર માણસો ચૂંટી કાઢવા દો અને આજે રાત્રે હું દાવિદનો પીછો પકડીશ. 2 તે થાકેલો અને હતાશ છે ત્યારે હું તેના પર હુમલો કરીશ. તે ગભરાઈ જશે અને તેના સર્વ માણસો નાસી જશે. હું માત્ર રાજાને જ મારી નાખીશ. 3 પછી રિસાયેલી નવવધૂ જેમ પોતાના પતિ પાસે પાછી ફરે તેમ હું તેના સર્વ લોકને તારી પાસે લાવીશ. તમે એક જ માણસને મારવા માગો છો ને? બાકીના લોકો તો સલામત રહેશે.” 4 આબ્શાલોમ અને સર્વ ઇઝરાયલી આગેવાનોને એ સલાહ સારી લાગી. 5 આબ્શાલોમે કહ્યું, “હવે હુશાયને બોલાવો. અને તેનું શું કહેવું છે તે પણ સાંભળીએ.” 6 હુશાય આવ્યો એટલે આબ્શાલોમે તેને કહ્યું, “અહિથોફેલે આવી સલાહ આપી છે, આપણે એ સલાહ માનવી કે નહિ? જો ના, તો અમારે શું કરવું તે તું કહે.” 7 હુશાયે જવાબ આપ્યો, “આ વખતે અહિથોફેલે આપેલી સલાહ બરાબર નથી. 8 તું જાણે છે કે તારા પિતા દાવિદ અને તેના માણસો શૂરવીર લડવૈયા છે અને જેનાં બચ્ચાં છીનવી લેવાયાં હોય એવી રીંછણ જેવા ઝનૂની છે. તારા પિતા યુદ્ધમાં નિપુણ છે અને રાત્રે પોતાના માણસો સાથે રહેતા નહિ હોય. 9 અત્યારે કદાચ તે કોઈ ગુફા કે બીજી કોઇ જગ્યાએ સંતાયા હશે. દાવિદના પ્રથમ હુમલા વખતે કેટલાક માણસો માર્યા જશે ત્યારે તે સાંભળનારા કહેશે, ‘આબ્શાલોમના માણસોની ભારે ક્તલ થઈ છે.’ 10 ત્યારે સિંહના જેવા નિર્ભય અને શૂરવીર માણસો પણ ભયથી થથરી જશે. કારણ, ઇઝરાયલમાં સૌ કોઈ જાણે છે કે તમારા પિતા શૂરવીર સૈનિક છે. 11 અને તેમના માણસો શૂરવીર લડવૈયા છે. મારી સલાહ એવી છે કે દાનથી બેરશેબા સુધી એટલે સમગ્ર દેશમાંથી સમુદ્ર કિનારાની રેતીના કણ જેટલા સર્વ ઇઝરાયલીઓને તમે એકઠા કરો અને તમે પોતે તેમને લડાઈમાં આગેવાની આપો. 12 પછી તો દાવિદ જ્યાં હોય ત્યાંથી આપણે તેને શોધી કાઢીશું અને ઝાકળ જમીન પર પડે તેમ તેમના પર વ્યાપક અને ઓચિંતો હુમલો કરીશું. તે અથવા તેના માણસોમાંનો કોઈ બચવા પામશે નહિ. 13 જો તે કોઇ નગરમાં ધૂસી જશે તો આપણા લોકો દોરડાં લાવીને એ નગરને જ નદીની ખીણમાં ખેંચી પાડશે. પર્વત પર વસેલા શહેરનો એક પથ્થર પણ રહેવા દેવાશે નહિ.” 14 આબ્શાલોમ અને સર્વ ઈઝરાયલીઓએ કહ્યું, “અહિથોફેલ કરતાં હુશાય આર્કીની સલાહ વધારે સારી છે.” અહિથોફેલની સલાહ નિરર્થક જાય અને આબ્શાલોમ પર વિનાશ આવે એવું પ્રભુએ નક્કી કર્યું હતું. ચેતવણી મળતાં નાસી છૂટેલો દાવિદ 15 પછી હુશાયે આબ્શાલોમ અને ઇઝરાયલી આગેવાનોને આપેલી પોતાની સલાહ અને અહિથોફેલની સલાહ વિષે યજ્ઞકારો સાદોક અને અબ્યાથારને જણાવ્યું. 16 વળી, હુશાયે તેમને કહ્યું, “તો હવે દાવિદને સત્વરે સંદેશો મોકલો કે તે વેરાનપ્રદેશમાં જવાના નદીના ઘાટે આજની રાત ગાળે નહિ, પણ તરત જ યર્દન નદી પાર ઊતરી જાય; જેથી તે અને તેના માણસો પકડાઈને માર્યા જાય નહિ.” 17 અબ્યાથારનો પુત્ર યોનાથાન અને સાદોકનો પુત્ર અહિમાસ યરુશાલેમના સીમાડે એનરોગેલ ઝરા પાસે છુપાઈ રહેતા હતા. જે કંઈ બની રહ્યું હોય તે વિષે એક દાસી નિયમિત રીતે જઈને તેમને જણાવતી. પછી તેઓ જઈને તે દાવિદ રાજાને જણાવતા. કારણ, તેઓ શહેરમાં પ્રવેશીને લોકોની નજરે પડવા માંગતા નહોતા. 18 પણ એક દિવસે એક છોકરો તેમને જોઈ ગયો એટલે તેણે જઈને આબ્શાલોમને આ વાત કરી. તેથી તેઓ ત્યાંથી નીકળી ગયા અને બાહુરીમમાં એક માણસને ત્યાં સંતાયા. એ માણસના ઘર પાસે એક કૂવો હતો. તેઓ એ કૂવામાં ઊતરી ગયા. 19 પેલા માણસની પત્નીએ એક ઢાંકણું લઈને તેને કૂવા પર ઢાંકી દીધું અને તેની પર અનાજ પાથર્યું. જેથી કોઈને કશી ખબર પડે નહિ. 20 આબ્શાલોમના અધિકારીઓએ એ ઘેર આવીને પેલી સ્ત્રીને પૂછયું, “અહિમાસ અને યોનાથાન ક્યાં છે?” તેણે જવાબ આપ્યો, “તેઓ યર્દન નદી પાર જતા રહ્યા.” પેલા માણસોએ શોધ કરી પણ તેઓ મળ્યા નહિ, એટલે તેઓ પાછા યરુશાલેમ ગયા. 21 તેમના ગયા પછી અહિમાસ અને યોનાથાન કૂવાની બહાર આવ્યા અને જઈને દાવિદને ખબર આપી. અહિથોફેલે તેના વિરુદ્ધ કેવી સલાહ આપી હતી તે પણ જણાવતા કહ્યું, “ઉતાવળ કરીને યર્દન નદીની પાર ઊતરી જાઓ.” 22 તેથી દાવિદ અને તેના માણસોએ યર્દન નદી ઓળંગવા માંડી અને સવાર થતામાં તેઓ બધા નદી પાર ઊતરી ગયા. 23 અહિથોફેલે જોયું કે તેની સલાહ માનવામાં આવી નથી એટલે તેણે ગધેડા ઉપર જીન બાંધ્યું અને તેના પર સવાર થઈને પોતાના શહેરમાં જતો રહ્યો. પોતાના ઘરની વ્યવસ્થા કરીને તેણે પોતે ફાંસી ખાધી. તેને તેના કુટુંબની કબરમાં દફનાવવામાં આવ્યો. 24 આબ્શાલોમ અને ઇઝરાયલીઓ યર્દન નદી પાર ઉતર્યા ત્યાં સુધીમાં તો દાવિદ માહનાઇમ નગરમાં જઈ પહોંચ્યો. 25 આબ્શાલોમે લશ્કરના સેનાપતિ તરીકે યોઆબની જગ્યાએ અમાસાને નીમ્યો હતો. અમાસા ઈઝરાયલી યિથ્રાનો પુત્ર હતો. તેની માતા અબિગાઈલ નાહાશની પુત્રી અને યોઆબની માતા સરુયાની બહેન હતી. 26 આબ્શાલોમ અને તેના માણસોએ ગિલ્યાદના મેદાનમાં છાવણી કરી હતી. 27 દાવિદ માહનાઇમમાં આવ્યો ત્યારે તેને આમ્મોનના રાબ્બા શહેરના નાહાશનો પુત્ર શોબી, લો-દબાર શહેરના આમ્મીએલનો પુત્ર માખીર અને ગિલ્યાદમાંના રોગલીમ શહેરમાંથી આવેલ બાર્ઝિલાય મળ્યા. 28-29 તેઓ વાસણો, માટલાં અને પથારીઓ લાવ્યા અને દાવિદના માણસોને ખાવાને માટે ઘઉં, જવ, લોટ, પોંક, પાપડી, મસુર, શેકેલા વટાણા, મધ, માખણ, પનીર અને કેટલાંક ઘેટાં લાવ્યાં. કારણ, તેઓ જાણતા હતા કે દાવિદ અને તેના માણસો વેરાનમાં ભૂખ્યાતરસ્યા અને થાક્યાપાક્યા છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide