૨ શમુએલ 16 - પવિત્ર બાઇબલ C.L.દાવિદ અને સીબા 1 દાવિદ પર્વતના શિખરની પેલી તરફ ઊતરતો હતો ત્યારે તેને મફીબોશેથના નોકર સીબાનો ભેટો થઈ ગયો. સીબા પાસે કેટલાંક ગધેડાં હતાં. તેમના પર બસો રોટલીઓ, સૂકી દ્રાક્ષની સો એક લૂમો, સો એક તાજાં ફળની અને દ્રાક્ષાસવ ભરેલી ચામડાની મશક લાદેલાં હતાં. 2 દાવિદ રાજાએ તેને પૂછયું, “આ બધું તું શા માટે લાવ્યો છે?” સીબાએ જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, આ ગધેડાં આપના કુટુંબીજનોને બેસવા માટે છે, રોટલી અને ફળો સૈનિકોને જમવા માટે છે અને દ્રાક્ષાસવ વેરાનપ્રદેશમાં થાકી જનારાંને પીવા માટે છે.” 3 રાજાએ પૂછયું, “તારા માલિકનો પૌત્ર મફીબોશેથ ક્યાં છે?” સીબાએ જવાબ આપ્યો, “તે યરુશાલેમમાં જ રહ્યો છે. કારણ, હવે ઇઝરાયલીઓ તેના દાદા શાઉલનું રાજ્ય તેને પાછું સોંપશે એવી તેને ખાતરી થઈ છે.” 4 રાજાએ સીબાને કહ્યું, “મફીબોશેથનું જે કંઈ હોય તે તારું છે.” સીબાએ જવાબ આપ્યો, “હું તો આપનો સેવક છું. હે રાજા, મારા માલિક, આપ મારાથી સદા પ્રસન્ન રહો.” દાવિદ અને શિમઈ 5 દાવિદ રાજા બાહુરીમમાં આવી પહોંચ્યો ત્યારે શાઉલનો એક સંબંધી ગેરાનો પુત્ર શિમઈ શાપ દેતો દેતો તેને મળવા બહાર નીકળી આવ્યો. 6 દાવિદની આસપાસ તેના સૈનિકો અને તેના અંગરક્ષકો હોવા છતાં શિમઈએ દાવિદ અને તેના અધિકારીઓ ઉપર પથ્થરો ફેંકવા માંડયા. 7 શિમઈ શાપ દેતાં કહેવા લાગ્યો, “હે ખૂની અને નકામા માણસ, જા, અહીંથી જતો રહે. 8 તેં શાઉલનું રાજ પચાવી પાડયું. હવે શાઉલના કુટુંબના ઘણા બધાનું ખૂન કરવા બદલ પ્રભુ તને શિક્ષા કરી રહ્યા છે. પ્રભુએ તારા પુત્ર આબ્શાલોમને રાજ આપ્યું છે. તું તારી દુષ્ટતામાં જ સપડાયો છે. કારણ, તું ખૂની છે.” 9 અબિશાયે રાજાને કહ્યું, “હે રાજા, મારા માલિક, તમે આ કૂતરાને શાપ કેમ દેવા દો છો? મને ત્યાં જઈને તેનું મસ્તક ઉડાવી દેવા દો.” 10 રાજાએ સરુયાના પુત્રો એટલે, અબિશાય અને તેના ભાઈ યોઆબને કહ્યું, “એ તમારું કામ નથી. જો તે પ્રભુના કહ્યા પ્રમાણે શાપ આપતો હોય તો આપણને પૂછવાનો શો અધિકાર?” 11 અને દાવિદે અબિશાય અને તેના સર્વ અધિકારીઓને કહ્યું, “મારો પોતાનો પુત્ર મને મારી નાખવાનો પ્રયાસ કરે છે, તો પછી આ એક બિન્યામીની માણસ એવું કરે એમાં શી નવાઈ? પ્રભુએ તેને શાપ દેવાનું કહ્યું છે, માટે એને જવા દો અને શાપ આપવા દો. 12 કદાચ, પ્રભુ મારું દુ:ખ જોશે અને તેના શાપને બદલે મને કંઈક આશિષ આપશે.” 13 તેથી દાવિદ અને તેના માણસો માર્ગે આગળ વયા. શિમઈ તેમની સાથે સાથે સામેના પર્વતના ઢોળાવ પર ચાલતો હતો. જતાં જતાં તે તેમને શાપ દેતો અને તેમના પર પથ્થર અને ધૂળ ફેંક્તો હતો. 14 રાજા અને તેના માણસો યર્દન નદી પાસે પહોંચ્યા ત્યારે થાકીને લોથ થઈ ગયા હતા એટલે ત્યાં તેમણે આરામ કર્યો. યરુશાલેમમાં આબ્શાલોમ 15 આબ્શાલોમ અને તેની સાથેના સર્વ ઇઝરાયલીઓ યરુશાલેમમાં પ્રવેશ્યા. અહિથોફેલ પણ તેમની સાથે હતો. 16 દાવિદના મિત્ર હુશાયે આબ્શાલોમને મળતાં પોકાર કર્યો, “રાજા ઘણું જીવો, રાજા ઘણું જીવો.” 17 આબ્શાલોમે તેને પૂછયું, “તારા મિત્ર દાવિદ પ્રત્યેની તારી આટલી વફાદારી છે? તું તેની સાથે કેમ ન ગયો?” 18 હુશાયે જવાબ આપ્યો, “હું કેવી રીતે જાઉં? હું તો પ્રભુ, આ લોકો અને સર્વ ઇઝરાયલીઓએ પસંદ કરેલા માણસના પક્ષમાં છું. હું તમારી સાથે રહીશ. 19 આમેય હું મારા માલિકના પુત્રની સેવા ન કરું તો બીજા કોની કરું? જેમ મેં તમારા પિતાની સેવા કરી તેમ હવે તમારી સેવા કરીશ.” 20 પછી આબ્શાલોમે અહિથોફેલ તરફ ફરીને પૂછયું, “હવે આપણે અહીં શું કરવું એ વિષે તું શી સલાહ આપે છે?” 21 અહિથોફેલે જવાબ આપ્યો, “તમારા પિતાએ મહેલની સંભાળ રાખવા અહીં રાખેલી ઉપપત્નીઓ સાથે તમે સમાગમ કરો. પછી ઇઝરાયલમાં સૌ જાણશે કે તમે તમારા પિતાના પાકા દુશ્મન બન્યા છો ત્યારે તમારા પક્ષના માણસોને ઘણું ઉત્તેજન મળશે.” 22 તેથી તેમણે મહેલના ધાબા પર આબ્શાલોમને માટે એક તંબૂ ઊભો કર્યો અને સર્વ ઇઝરાયલીઓની સમક્ષ આબ્શાલોમે તંબૂમાં જઈને તેના પિતાની ઉપપત્નીઓ સાથે સમાગમ કર્યો. 23 એ દિવસોમાં અહિથોફેલની સલાહ જાણે કે ઈશ્વરીય વાણી હોય એવી કીમતી ગણાતી. દાવિદ અને આબ્શાલોમ બન્ને એની સલાહને અનુસરતા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide