૨ શમુએલ 15 - પવિત્ર બાઇબલ C.L.આબ્શાલોમનું બંડ 1 તે પછી આબ્શાલોમે પોતાને માટે રથો, અને ઘોડા તથા પચાસ માણસોને અંગરક્ષકો તરીકે તૈયાર કર્યા. 2 તે સવારે વહેલો ઊઠીને નગરના દરવાજાના રસ્તાની પાસે જઈને ઊભો રહેતો. જ્યારે કોઈ માણસ રાજા પાસે પોતાની તકરારના નિરાકરણ માટે આવતો ત્યારે આબ્શાલોમ તેને બોલાવીને તે ક્યાંનો છે તે પૂછતો. 3 પછી પેલો માણસ પોતે કયા કુળનો છે એ જણાવતો. ત્યાર પછી તે માણસને આબ્શાલોમ કહેતો, “જો તારી ફરિયાદ સાચી તથા વાજબી છે, પણ તારો કેસ સાંભળવાને રાજા પાસે તારો કોઈ પ્રતિનિધિ નથી.” 4 વળી, તે કહેતો, “હું ન્યાયાધીશ હોત તો કેવું સારું. ત્યારે તો કોઈ કંઈક તકરાર કે દાવા માટે આવે તો હું તેનો ન્યાય કરત.” 5 જ્યારે એવો માણસ આબ્શાલોમને નમન કરવા તેની પાસે જતો ત્યારે આબ્શાલોમ આગળ વધીને તેને ભેટીને ચુંબન કરતો. 6 રાજા પાસે ન્યાય મેળવવા માટે આવતા સર્વ ઇઝરાયલીઓ પ્રત્યે આબ્શાલોમ આવું જ વર્તન દાખવતો અને એમ તેણે તેમની નિષ્ઠા સંપાદન કરી. 7 ચાર વર્ષ પછી આબ્શાલોમે દાવિદ રાજાને કહ્યું, “નામદાર, પ્રભુ આગળ માનેલી માનતા પૂરી કરવાને મને હેબ્રોન જવા દો. 8 અરામના ગેશૂરમાં હું રહેતો હતો ત્યારે મેં પ્રભુની આગળ પ્રતિજ્ઞા કરી હતી કે જો તે મને પાછો યરુશાલેમમાં લાવશે તો હું હેબ્રોન જઈને પ્રભુની આરાધના કરીશ.” 9 રાજાએ કહ્યું, “શાંતિથી જા.” તેથી આબ્શાલોમ હેબ્રોન ગયો. 10 પણ, તેણે ઇઝરાયલનાં સર્વ કુળોને સંદેશકો મારફતે આવો સંદેશો પાઠવ્યો: તમે રણશિંગડાનો નાદ સાંભળો ત્યારે આવો પોકાર પાડજો: “હેબ્રોનમાં આબ્શાલોમ રાજા બન્યો છે.” 11 આબ્શાલોમના આમંત્રણથી યરુશાલેમથી તેની સાથે 200 માણસ આવેલા હતા. તેમને આ કાવતરાની કંઈ ખબર નહોતી અને બધા નિખાલસ ભાવે ગયા હતા. 12 આબ્શાલોમ અર્પણ ચઢાવી રહ્યો હતો તે વખતે તેણે દાવિદ રાજાના એક સલાહકાર અહિથોફેલને ગિલો નગરથી બોલાવ્યો. રાજા વિરુદ્ધના વિદ્રોહે જોર પકડયું અને આબ્શાલોમના પક્ષકારો વધતા ગયા. દાવિદનું યરુશાલેમથી નાસી છૂટવું 13 એક સંદેશકે દાવિદને અહેવાલ આપ્યો. “ઇઝરાયલી લોકોના હૃદયનું વલણ આબ્શાલોમ તરફનું થયું છે.” 14 તેથી દાવિદે પોતાની સાથેના યરુશાલેમમાંના અધિકારીઓને કહ્યું, “આબ્શાલોમથી બચવું હોય તો આપણે તાત્કાલિક નાસી છૂટવું જોઈએ. ઉતાવળ કરો, નહિ તો તે અહીં જલદી આવી પહોંચશે અને આપણને હરાવીને નગરમાં સૌને મારી નાખશે.” 15 તેમણે જવાબ આપ્યો, “હે રાજા, અમારા માલિક, અમે તો આપને યોગ્ય લાગે તે કરવા તૈયાર છીએ.” 16 તેથી રાજા પોતાના કુટુંબ તથા અધિકારીઓ સાથે ચાલી નીકળ્યો. માત્ર રાજમહેલની દેખરેખ રાખવા તેણે દસ ઉપપત્નીઓ રહેવા દીધી. 17 રાજા અને તેના સર્વ માણસો નગર છોડી જઈ રહ્યા હતા ત્યારે તેઓ છેલ્લા મકાન આગળ થોભ્યા. 18 દાવિદની આગળ રાજદ્વારી સંરક્ષકો પસાર થઈ રહ્યા હતા. વળી, ગાથમાંથી દાવિદ રાજા સાથે આવેલા કરેથીઓ અને પેલેથીઓના છસો સૈનિકો પણ પસાર થયા. 19 રાજાએ તેમના આગેવાન ઇતાઇ ગિત્તીને કહ્યું, “તું અમારી સાથે શા માટે આવે છે? પાછો જા અને નવા રાજા સાથે રહે. તું તો પરદેશી છે અને પોતાના દેશથી દૂર નિરાશ્રિત છે. 20 અહીં આવ્યાને તને થોડો જ સમય થયો છે. હું ક્યાં જઈ રહ્યો છું તેની મને ખબર નથી. તેથી મારે તને તારી સાથે ક્યાં રખડાવવો? પાછો જા અને મારી સાથે તારા જાતભાઇઓને લઈ જા. પ્રભુ તારા પ્રત્યે માયાળુ અને વિશ્વાસુ બનો.” 21 પણ ઇતાઇએ જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, હું પ્રભુના અને તમારા જીવના સમ ખાઈને કહું છું કે તમે જ્યાં જશો ત્યાં હું આવીશ. પછી ભલેને મરણ આવે.” 22 દાવિદે જવાબ આપ્યો, “ભલે. આગેકૂચ કરો.” તેથી ઇતાઇ તેના સર્વ માણસો અને તેના પરિવારને લઇને ચાલ્યો. 23 દાવિદના પક્ષકારો ચાલ્યા જતા હતા ત્યારે સર્વ લોકો પોક મૂકીને રડયા. રાજા અને તેના માણસોએ કિદ્રોનનું નાળું ઓળંગ્યું અને તેઓ સૌ વેરાનપ્રદેશ તરફ ગયા. 24 સાદોક યજ્ઞકાર સાથે હતો અને તેની સાથે પવિત્ર કરારપેટી ઊંચકનારા લેવીઓ હતા. તેમણે કરારપેટી નીચે મૂકી અને સર્વ લોકો નગરમાંથી નીકળી ગયા ત્યાં સુધી તેમણે તે ઉઠાવી નહિ. 25 યજ્ઞકાર અબ્યાથાર પણ ત્યાં હતો. પછી રાજાએ સાદોકને કહ્યું, “કરારપેટી પાછી નગરમાં લઈ જા. પ્રભુની મારા પર રહેમનજર થશે તો કોઈક દિવસે એ મને જોવા મળશે અને જ્યાં એ રાખવામાં આવે છે ત્યાં પ્રભુ મને લઈ જશે. 26 પણ જો પ્રભુ મારા પર પ્રસન્ન ન થાય, તો પછી પ્રભુ તેમની ઇચ્છા પ્રમાણે કરે.” 27 વળી, તેણે સાદોકને કહ્યું, “જો, તું તો દૃષ્ટા છે, તેથી તું તારા પુત્ર અહિમાસને અને અબ્યાથારના પુત્ર યોનાથાનને લઈને નગરમાં શાંતિએ પાછો જા. 28 દરમિયાનમાં મને તારા તરફથી સમાચાર મળે ત્યાં સુધી વેરાનપ્રદેશ તરફ જવાના નદીના ઘાટે હું થોભીશ.” 29 તેથી સાદોક અને અબ્યાથાર ઈશ્વરની કરારપેટી પાછી યરુશાલેમમાં લઈ ગયા અને તેઓ ત્યાં જ રહ્યા. 30 દાવિદ રડતો રડતો ઓલિવ પર્વત પર ચઢતો હતો. તે ઉઘાડે પગે હતો અને શોક દર્શાવવા તેણે પોતાનું માથું ઢાંકાયું હતું. તેની પાછળ જતા સર્વ લોકોએ પણ તેમનાં માથાં ઢાંક્યાં હતાં અને તેઓ રડતા રડતા પર્વત પર ચઢતા હતા. 31 દાવિદને ખબર મળી કે અહિથોફેલ આબ્શાલોમ સાથે બળવામાં જોડાયો છે ત્યારે તેણે પ્રાર્થના કરી, “હે પ્રભુ, અહિથોફેલની સલાહ નિરર્થક કરી નાખો.” 32 દાવિદ પર્વતની ટોચ પર પહોંચ્યો ત્યારે ભક્તિસ્થાન પાસે તેને તેનો મિત્ર હુશાય આર્કી મળ્યો. તેનાં વસ્ત્ર ફાડી નાંખેલા અને માથા પર ધૂળ હતી. 33 દાવિદે તેને કહ્યું, “તું મારી સાથે આવીને મને કંઈ મદદ કરી શકશે નહિ. 34 એના કરતાં નગરમાં પાછો જઈને આબ્શાલોમને કહે કે મેં જેમ વિશ્વાસુપણે તારા પિતાની સેવા કરી હતી તેમ તારી સેવા પણ કરીશ અને એમ તું મને મદદ કરી શકીશ અને ત્યાં તું મારે માટે અહિથોફેલની સલાહ નિષ્ફળ કરી શકીશ. 35 સાદોક અને આબ્યાથાર યજ્ઞકારો પણ ત્યાં છે, તને રાજમહેલમાંથી સાંભળવા મળેલું બધું તેમને કહેજે. 36 સાદોકનો પુત્ર અહિમાસ અને અબ્યાથારનો પુત્ર યોનાથાન પણ ત્યાં તેમની સાથે છે. તને મળેલી માહિતી તેમના દ્વારા મને મોકલજે.” 37 તેથી આબ્શાલોમ યરુશાલેમમાં આવી પહોંચ્યો ત્યારે દાવિદનો મિત્ર હુશાય શહેરમાં પાછો આવ્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide