૨ શમુએલ 14 - પવિત્ર બાઇબલ C.L.આબ્શાલોમને પાછો લાવવા યોઆબની યોજના 1 યોઆબે જોયું કે દાવિદ રાજાનું દિલ આબ્શાલોમ માટે ઝૂરે છે. 2 તેથી તેણે તકોઆમાં રહેતી એક ચાલાક સ્ત્રીને બોલાવડાવી. તે આવી એટલે તેણે તેને કહ્યું, “તું શોકમગ્ન હોય તેવો દેખાવ કર. તારાં શોકનાં વસ્ત્ર પહેર અને અત્તર ચોળીશ નહિ. કોઈના મરણને લીધે લાંબા સમયથી શોકમાં હોય એવી સ્ત્રી જેવું વર્તન કરજે. 3 પછી રાજા પાસે જઈને હું તને કહું તે પ્રમાણે જ તારે કહેવાનું છે. પછી તેણે શું કહેવું તે યોઆબે તેને કહ્યું. 4 તકોઆ નગરની સ્ત્રી રાજા પાસે ગઈ અને ભૂમિ સુધી શિર નમાવીને નમન કરીને બોલી, “મહારાજા, મને બચાવો.” 5 તેણે તેને પૂછયું, “શું છે?” તેણે જવાબ આપ્યો, “મહારાજા, હું એક વિધવા છું. 6 મારા પતિ મરી ગયા છે. મારા માલિક, મારે બે દીકરા હતા. એક દિવસ તેઓ ખેતરમાં લડી પડયા અને ત્યાં તેમને છોડાવનાર કોઈ ન હતું એટલે એકે બીજાને મારી નાખ્યો. 7 હવે મારા સર્વ સંબંધીઓ મારી વિરુદ્ધ થઈ ગયા છે અને મારી પાસેથી મારો છોકરો તેમને સોંપી દેવાની માગણી કરે છે. જેથી તેના ભાઈને મારી નાખવા બદલ તેઓ તેને મારી નાખે. તેમનો ઇરાદો એ રીતે એકમાત્ર વારસદારનું ખૂન કરવાનો છે. તેઓ એમ કરે તો હું પુત્રવિહોણી થઈ જઈશ. તેઓ મારી છેલ્લી આશાને નષ્ટ કરી દેશે અને પૃથ્વીના પટ પરથી મારા પતિને નિર્વંશ કરી દઈને તેમનું નામ મિટાવી દેશે.” 8 રાજાએ જવાબ આપ્યો, “તારે ઘેર જા. હું તારે વિષે જરૂરી આદેશ આપીશ.” 9 તેણે કહ્યું, “હે રાજા, મારા માલિક, તમે જે કરો તે ખરું, એનો દોષ મારા પર અને મારા કુટુંબ પર રહો. તમે અને તમારું રાજયાસન નિર્દોષ રહો.” 10 રાજાએ જવાબ આપ્યો, “તને કોઈ ધાકધમકી આપે તો તેને મારી પાસે લાવજે અને એ તને ફરીથી પરેશાન કરશે નહિ.” 11 તેણે કહ્યું, “હે રાજા, પ્રભુ તમારા ઈશ્વરને પ્રાર્થના કરો કે મારા પુત્રના મૃત્યુનો બદલો લેવા મારો જે નિકટનો સગો જવાબદાર છે તે મારા બીજા પુત્રને મારી નાખીને મોટો ગુન્હો ન આચરે.” દાવિદે જવાબ આપ્યો, “હું પ્રભુના જીવના સમ ખાઇને વચન આપું છું કે તારા પુત્રને કંઈ ઇજા થશે નહિ.” 12 ત્યારે તે સ્ત્રીએ કહ્યું, “હે રાજા, મારા માલિક, કૃપા કરીને મને એક વિશેષ વાત કહેવા દો.” તેણે જવાબ આપ્યો, “ભલે કહે.” 13 તેણે તેમને કહ્યું, “તો પછી આપ, ઈશ્વરના લોકનું અહિત કેમ કરો છો? કારણ, પરદેશમાં ભાગી ગયેલા તમારા પુત્રને તમે પાછો બોલાવતા નથી. આમ, તમારા શબ્દો જ તમને દોષિત ઠરાવે છે. 14 આપણે સૌએ એકવાર મરવાનું છે. જેમ જમીન પર ઢોળાઈ ગયેલું પાણી એકઠું કરી શક્તું નથી તેના જેવા આપણે છીએ. ઈશ્વર જીવ લેતા નથી, પણ એથી ઊલટું, તે દેશનિકાલ થયેલા માણસને પાછો લાવવાની યોજના કરે છે. 15 હવે હે રાજા, મારા માલિક, આ તો લોકો મને ધમકી આપે છે એટલે તમે મારું સાંભળશો એવી આશાએ હું તમને આ વાત કહેવા આવી છું. 16 મેં માન્યું હતું કે તમે મારું સાંભળશો અને મને તથા મારા પુત્રને મારી નાખવાનો પ્રયત્ન કરીને ઈશ્વરે પોતાના લોકોને વારસા તરીકે આપેલા દેશમાંથી અમારું નિકંદન કાઢનારાઓથી તમે અમને બચાવશો. 17 મેં મારા મનમાં કહ્યું કે આપના અભયવચનથી મને જંપ વળશે. આપ નામદાર તો ભલુંભૂંડું પારખવામાં ઈશ્વરના દૂત જેવા છો. ઈશ્વર તમારા પ્રભુ તમારી સાથે રહો.” 18 ત્યારે રાજાએ તે સ્ત્રીને જવાબ આપ્યો, “હું તને એક પ્રશ્ર્ન પૂછવા માગું છું. કંઈપણ છુપાવ્યા વિના સાચેસાચું બોલજે.” તેણે જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, પૂછો.” 19 તેણે તેને પૂછયું, “શું યોઆબે તને આ બધું શીખવ્યું છે?” તેણે જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, આપના જીવના સમ, આપના પ્રશ્ર્નનો જવાબ આપવાનું ટાળી શકાય તેમ નથી. આપના અધિકારી યોઆબની આજ્ઞાથી મેં આ બધું કર્યું છે અને તેમના કહ્યા પ્રમાણે જ બોલી છું. 20 આ બનાવને એક નવો વળાંક આપવા માટે જ આપના સેવક યોઆબે આ કાર્ય કર્યું છે. હે રાજા, મારા માલિક, આપ તો ઈશ્વરના દૂત જેવા જ્ઞાની છો અને દેશમાં બનતું બધું જાણો છો.” 21 તે પછીથી રાજાએ યોઆબને કહ્યું, “તારી ઇચ્છા મુજબ કરવાનો મેં નિર્ણય કર્યો છે; જા; જઈને યુવાન આબ્શાલોમને અહીં પાછો લઈ આવ.” 22 યોઆબે દાવિદ સમક્ષ ભૂમિ સુધી નમન કરતા કહ્યું, “હે રાજા, મારા માલિક, ઈશ્વર તમને આશિષ આપો. તમે મારી માગણી માન્ય રાખી છે તેથી હું જાણું છું કે તમે મારા પર પ્રસન્ન થયા છો.” 23 પછી તે ગેશૂર ગયો અને આબ્શાલોમને યરુશાલેમમાં પાછો લઈ આવ્યો. 24 છતાં રાજાએ હુકમ કર્યો કે, “આબ્શાલોમે પોતાને ઘેર રહેવાનું છે, તેણે મારી સમક્ષ આવવાનું નથી.” તેથી આબ્શાલોમ પોતાના ઘરમાં રહ્યો અને રાજા સમક્ષ હાજર થયો નહિ. આબ્શાલોમનું દાવિદ સાથે સમાધાન 25 આબ્શાલોમ સૌંદર્યની બાબતમાં અત્યંત પ્રશંસનીય હતો, આખા ઇઝરાયલમાં તેના જેવો કોઈ સુંદર યુવાન નહોતો. માથાથી પગ સુધી તેનામાં કંઈ ખોડખાંપણ નહોતી. 26 તેના વાળ ઘણા ભરાવદાર હતા. તે ઘણા વધી જતા અને તેનો ભાર લાગતા તેણે વર્ષમાં એકવાર વાળ કપાવવા પડતા હતા. રાજવી તોલમાપ પ્રમાણે તેનું વજન બે કિલોગ્રામથી વધારે થતું. 27 આબ્શાલોમને ત્રણ પુત્રો અને તામાર નામે ખૂબ સુંદર પુત્રી હતી. 28 આબ્શાલોમ યરુશાલેમમાં હતો, પણ પૂરાં બે વર્ષ સુધી તે રાજાની સમક્ષ જઈ શક્યો નહિ. 29 પછી આબ્શાલોમે પોતાને રાજા પાસે લઈ જવા માટે યોઆબને બોલાવ્યો, પણ યોઆબ ગયો નહિ. આબ્શાલોમે તેને ફરીથી સંદેશો પાઠવ્યો, પણ યોઆબ ગયો નહિ. 30 તેથી આબ્શાલોમે તેના નોકરોને કહ્યું, “યોઆબનું ખેતર મારા ખેતરની નજીક જ છે અને એમાં જવનો પાક થયો છે. જાઓ, તેમાં આગ ચાંપો.” તેથી તેમણે જઈને ખેતરમાં આગ લગાડી. 31 યોઆબે આબ્શાલોમને ઘેર જઈને પૂછયું, “તારા નોકરોએ મારા ખેતરમાં આગ કેમ લગાડી?” 32 આબ્શાલોમે જવાબ આપ્યો, “મેં તને બોલાવ્યો ત્યારે તું આવ્યો નહિ તેથી આગ લગાડી. મારી ઇચ્છા તો તું રાજા પાસે જઇને મારે માટે તેમને કહે એવી હતી, હું ગેશૂરથી અહીં શા માટે આવ્યો? એના કરતાં તો હું ત્યાં રહ્યો હોત તો સારું થાત.” વળી, આબ્શાલોમે કહ્યું, “તું મને રાજાની મુલાકાત ગોઠવી આપ એવી મારી ઇચ્છા હતી અને જો હું દોષિત હોઉં તો પછી ભલે તે મને મારી નાખે.” 33 તેથી યોઆબે દાવિદ રાજા પાસે જઈને આબ્શાલોમે કહેલી વાત જણાવી. રાજાએ આબ્શાલોમને બોલાવ્યો એટલે તે ગયો અને ભૂમિ પર શિર ટેકવીને તેણે રાજાને પ્રણામ કર્યાં. રાજાએ તેને ચુંબન કરીને આવકાર્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide