૨ શમુએલ 13 - પવિત્ર બાઇબલ C.L.આમ્નોન અને તામાર 1 દાવિદના પુત્ર આબ્શાલોમને તામાર નામે એક બહેન હતી. તે ખૂબ સુંદર હતી. દાવિદનો બીજો એક પુત્ર આમ્નોન તેના પ્રેમમાં પડયો. 2 તે તેના પરના પ્રેમના વિરહમાં બીમાર પડી ગયો. તેને મેળવવી એ તેને અશક્ય લાગતું હતું. 3 કારણ, તે કુંવારી હતી. પણ દાવિદના ભાઈ શામ્માનો પુત્ર યોનાદાબ આમ્નોનનો મિત્ર હતો. તે યુક્તિબાજ હતો. 4 યોનાદાબે આમ્નોનને પૂછયું, “રાજકુંવર, તું રોજ રોજ સુક્તો કેમ જાય છે? મને કહે તો ખરો.” તેણે જવાબ આપ્યો, “હું મારા સાવકા ભાઈ આબ્શાલોમની બહેન તામારના પ્રેમમાં પડયો છું.” 5 યોનાદાબે તેને કહ્યું, “બીમાર હોવાનો ઢોંગ કરીને સૂઈ જા. તારા પિતા તને મળવા આવે ત્યારે તેમને કહેજે, ‘મારી બહેન તામારને અહીં આવીને મને જમાડવાનું કહો. તેને હું અહીં મારે માટે ભોજન તૈયાર કરતી જોઉં અને પછી તે પોતે મને જમાડે એવું હું ઇચ્છું છું.” તેથી આમ્નોન બીમાર હોવાનો ઢોંગ કરીને સૂઈ ગયો. 6 દાવિદ રાજા તેને મળવાને ગયો એટલે આમ્નોને તેને કહ્યું, “તામાર અહીં આવીને મારા દેખતાં મારે માટે બેએક પોળીઓ બનાવે અને પછી તે પોતે મને પીરસે એવું તેને જણાવો.” 7 તેથી દાવિદે તામારને મહેલમાં સંદેશો મોકલ્યો, “આમ્નોનને ઘેર જઈને તેને માટે ભોજન તૈયાર કર.” તામાર પોતાના ભાઇ આમ્નોનને ત્યાં ગઈ તો તે પથારીમાં સૂતેલો હતો. 8 તેણે થોડો લોટ ગૂંદીને તૈયાર કર્યો અને આમ્નોન જોઈ શકે તેમ તેણે થોડીક પોળીઓ બનાવી. 9 અને તેને ખાવાને માટે તે તવામાંથી ઉતારી. પણ આમ્નોને તે ખાધી નહિ. તેણે કહ્યું, “બધાંને બહાર કાઢો” અને સૌ બહાર ગયા. 10 પછી તેણે કહ્યું, “પોળીઓ અહીં મારા શયનગૃહમાં મારી પથારી પાસે લાવ અને તું પોતે પીરસ.” 11 તામાર પોળીઓ લઈને તેની પાસે ગઈ. તે તેને આપવા ગઈ એટલે આમ્નોને તેને પકડી લઈને તેને કહ્યું, ‘બહેન, મારી સાથે સૂઈ જા.” 12 તેણે કહ્યું, “ના, મારા ભાઈ, મારા પર બળાત્કાર ન કરીશ. ઇઝરાયલમાં આવું ન થવું જોઈએ. 13 એ તો નિર્લજ્જ મૂર્ખતા છે. પછી હું જાહેરમાં શરમની મારી શું મોં બતાવું? તું પણ ઇઝરાયલમાં મૂર્ખ ગણાઈશ. મહેરબાની કરીને તું રાજાને કહે અને તે જરૂર મારી સાથે તારું લગ્ન કરાવશે.” 14 પણ તેણે તેનું સાંભળ્યું નહિ અને તે તામાર કરતાં બળવાન હોવાથી તેણે તેના પર બળાત્કાર કર્યો. 15 પછી આમ્નોનને તેના પર અત્યંત નફરત પેદા થઈ. તેણે તેના પર અગાઉ જેટલો પ્રેમ કર્યો હતો તેનાથી વિશેષ નફરત કરી. તેણે તેને કહ્યું, “ચાલી જા.” 16 તેણે કહ્યું, “ના, ના, તારા આ દુષ્કૃત્ય કરતાં મને આમ મોકલી દેવી એ મોટો ગુનો છે.” 17 પણ આમ્નોને તેનું સાંભળ્યું નહિ. તેણે તેની શુશ્રૂષા કરનાર જુવાન નોકરને બોલાવીને કહ્યું, “આ સ્ત્રીને મારી દૃષ્ટિ આગળથી દૂર કર. તેને બહાર ધકેલી દઈને બારણું બંધ કરી દે.” 18 નોકરે તેને બહાર કાઢી મૂકીને બારણું બંધ કરી દીધું. તામારે લાંબી બાંયોવાળો લાંબો ઝભ્ભો પહેર્યો હતો. એ દિવસોમાં રાજાની કુંવારી છોકરીઓનો એ પહેરવેશ હતો. 19 તેણે પોતાના માથા પર રાખ નાખી, પોતાનો ઝભ્ભો ફાડી નાખ્યો અને પોતાના હાથથી મોં ઢાંકીને રડતી રડતી જતી રહી. 20 તેના ભાઈ આબ્શાલોમે તેને જોઈ ત્યારે તેણે તેને પૂછયું, “શું આમ્નોને તને સતાવી છે? બહેન, એથી બહુ દુ:ખી થઈશ નહિ. તે તારો સાવકો ભાઇ છે.” એમ તામાર આબ્શાલોમને ઘેર ત્યક્તા તરીકે ઉદાસ સ્થિતિમાં રહી. 21 દાવિદ રાજાને એ બનાવની ખબર પડી ત્યારે તેનો ક્રોધ ભભૂકી ઊઠયો. 22 પોતાની બહેન તામાર પર બળાત્કાર કર્યો હોવાથી આબ્શાલોમને પણ આમ્નોન પ્રત્યે એવો ધિક્કાર ઉત્પન્ન થયો કે તે તેની સાથે જરાપણ બોલતો પણ નહિ. આબ્શાલોમે લીધેલું વેર 23 બે વર્ષ પછી આબ્શાલોમ એફ્રાઈમ- નગર નજીક બઆલ હાસોરમાં ઊન કાતરનારાઓને બોલાવીને પોતાનો ઘેટાંનું ઊન ઉતારતો હતો. અને તેણે રાજાના બધા પુત્રોને ત્યાં આમંત્રણ આપ્યું. 24 તેણે રાજાની પાસે જઈને કહ્યું, “રાજન, હું મારાં ઘેટાનું ઊન ઉતરાવી રહ્યો છું. તમે અને તમારા અધિકારીઓ મિજબાનીમાં પધારશો?” 25 રાજાએ જવાબ આપ્યો, “ના દીકરા. અમે બધા આવીએ તો તારે માટે વધારે બોજારૂપ થઈશું. આબ્શોલેમે ખૂબ આગ્રહ કર્યો, તો પણ રાજા ગયો નહિ. પણ તેણે આબ્શાલોમને આશિષ આપી. 26 પછી આબ્શાલોમે કહ્યું, “તો પછી, મારા ભાઈ આમ્નોનને તો આવવા દેશોને?” રાજાએ પૂછયું, “તેને આવવાની શી જરૂર છે?” 27 પણ આબ્શાલોમે એટલો આગ્રહ સેવ્યો કે છેવટે દાવિદે આમ્નોન અને તેના બીજા બધા પુત્રોને આબ્શાલોમ સાથે જવા દીધા. 28 આબ્શાલોમે મિજબાની તૈયાર કરી અને પોતાના નોકરને સૂચના આપી, “આમ્નોન બરાબર દારૂથી ચકચૂર થાય તેનું ધ્યાન રાખજો અને પછી હું હુકમ કરું ત્યારે તેને મારી નાખજો. ગભરાશો નહિ, છેવટે તો તમારે મારા હુકમ પ્રમાણે કરવાનું છે. હિંમત અને શૌર્ય દાખવજો.” 29 એમ નોકરે આબ્શાલોમની સૂચનાઓ પ્રમાણે આમ્નોનને મારી નાખ્યો. દાવિદના બાકીના પુત્રો પોતપોતાના ખચ્ચર પર બેસીને ભાગી છૂટયા. 30 તેઓ ઘેર જઈ રહ્યા હતા એવામાં દાવિદને ખબર મળી, “આબ્શાલોમે તમારા બધા પુત્રોને મારી નાખ્યા છે, એક પણ બાકી રહ્યો નથી.” 31 ત્યારે રાજાએ ઊભા થઈને શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં અને તે જમીન પર ઊંધો પડયો. તેની સાથેના નોકરોએ પણ પોતાનાં વસ્ત્ર ફાડયાં. 32 પણ દાવિદના ભાઈ શામ્માના પુત્ર યોનાદાબે કહ્યું, “નામદાર, તેમણે તમારા બધા જ પુત્રોને મારી નાખ્યા નથી. માત્ર આમ્નોન મરણ પામ્યો છે. આમ્નોને આબ્શાલોમની બહેન તામાર પર બળાત્કાર કર્યો ત્યારથી જ તેણે આમ કરવાનો નિર્ધાર કર્યો હતો. 33 તેથી હે રાજા, મારા માલિક, તમારા બધા જ પુત્રો મારી નાખવામાં આવ્યા છે એવા સમાચાર માની લઈને દુ:ખી થશો નહિ. માત્ર આમ્નોનને જ મારી નાખવામાં આવ્યો છે.” 34 દરમિયાનમાં આબ્શાલોમ નાસી છૂટયો. એવામાં જ સંત્રી તરીકે ફરજ બજાવતા સૈનિકે હેરોનાઇમથી આવવાને રસ્તે પર્વત પરથી મોટું ટોળું ઊતરી આવતું જોયું. તેણે જે જોયું તે જઈને રાજાને જણાવ્યું. 35 યોનાદાબે દાવિદને કહ્યું, “મેં કહ્યું હતું તેમ એ તો તમારા પુત્રો જ આવી રહ્યા છે.” 36 તે બોલી રહ્યો હતો એવામાં જ દાવિદના પુત્ર અંદર આવ્યા. તેઓ રડવા લાગ્યા અને દાવિદ અને તેના અધિકારીઓ પણ ખૂબ રડયા. 37-38 આબ્શાલોમ નાસી છૂટયો અને ગેશૂરના રાજા આમ્મીહુદના પુત્ર તાલ્માય પાસે જતો રહ્યો અને ત્યાં ત્રણ વર્ષ રહ્યો. 39 દાવિદે પોતાના પુત્ર આમ્નોનના મૃત્યુ પર લાંબો સમય શોક કર્યો. પણ આમ્મોનના મરણ વિષે દિલાસો પામ્યા પછી તે પોતાના પુત્ર આબ્શાલોમને માટે ઝૂરવા લાગ્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide