૨ શમુએલ 12 - પવિત્ર બાઇબલ C.L.નાથાનનો સંદેશો અને દાવિદનો પશ્ર્વાતાપ 1 પછી પ્રભુએ સંદેશવાહક નાથાનને દાવિદ પાસે મોકલ્યો. નાથાને તેની પાસે જઈને તેને કહ્યું, “એક નગરમાં બે માણસો રહેતા હતા. એક શ્રીમંત અને બીજો ગરીબ. 2 શ્રીમંત પાસે ઘણાં ઢોરઢાંક અને ઘેટાં હતાં. 3 પણ ગરીબ પાસે તેણે ખરીદેલી એકમાત્ર નાની ઘેટી હતી. તે તેની સંભાળ રાખતો અને તેણે તેને પોતાના ઘરમાં પોતાનાં છોકરા સાથે ઉછેરી હતી. તે પોતાના ખોરાકમાંથી તેને ખવડાવતો, તેના પ્યાલામાંથી તેને પાણી પીવા દેતો અને પોતાના ખોળામાં સૂવા દેતો. ઘેટી તેને મન પોતાની પુત્રી સમાન હતી. 4 એક દિવસે શ્રીમંત માણસના ઘેર એક મુસાફર આવ્યો. તેને માટે ભોજન બનાવવાને પોતાનાં ઢોરઢાંકમાંથી એકાદ કાપવાને શ્રીમંત માણસ તૈયાર નહોતો. એને બદલે, તેણે પેલા ગરીબની ઘેટી પડાવી લઈને પોતાના મહેમાનને માટે તેમાંથી ભોજન તૈયાર કર્યું.” 5 પેલા શ્રીમંત પર દાવિદનો ક્રોધ તપી ઊઠયો. તેણે નાથાનને કહ્યું, “હું જીવંત પ્રભુને નામે સોગંદ ખાઉં છું કે એવું કરનાર માણસ મૃત્યુદંડ પામવાને પાત્ર છે. 6 તેણે પડાવી લીધેલી ઘેટીને બદલે તેના કરતાં ચારગણું ભરપાઈ તેણે કરી આપવું પડશે. કારણ, તેણે આવું ક્રૂર કૃત્ય કર્યું છે અને દયા દાખવી નથી.” 7 નાથાને દાવિદને કહ્યું, “તું જ એ માણસ છે. ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આમ કહે છે: ‘મેં તારો અભિષેક કરીને તને ઇઝરાયલનો રાજા બનાવ્યો અને શાઉલથી તારો બચાવ કર્યો. 8 મેં તને તેનું રાજ્ય અને તેની સ્ત્રીઓ આપી. મેં તને ઇઝરાયલ અને યહૂદિયાનો રાજા બનાવ્યો. એટલું પૂરતું ન લાગતું હોત, તો મેં તને એથીય વિશેષ આપ્યું હોત. 9 તો પછી તેં પ્રભુની આજ્ઞા ઉથાપીને તેમની દૃષ્ટિમાં આવું અઘોર કૃત્ય કેમ કર્યું છે? તેં ઉરિયાને યુદ્ધમાં મારી નંખાવ્યો, આમ્મોનીઓને હાથે તેં તેને મારી નંખાવ્યો અને પછી તેની પત્નીને રાખી. 10 તેં પ્રભુની ઉપેક્ષા કરીને ઉરિયાની પત્ની રાખી હોવાથી તારા કુટુંબમાં હમેશાં અંદરોઅંદર ખૂનરેજી ચાલ્યા કરશે.” 11 વળી, પ્રભુ કહે છે, “તારા પોતાના કુટુંબમાંથી જ તારી સામે વિદ્રોહ થશે. તને ય જાણ પડે એ રીતે હું તારી પત્નીઓ લઈને બીજા માણસોને આપીશ. 12 તે ધોળે દિવસે તેમની આબરુ લેશે. તેં ગુપ્ત રીતે પાપ કર્યું, પણ એ હું સર્વ ઇઝરાયલના દેખતાં ધોળે દિવસે થવા દઈશ.” 13 દાવિદે કહ્યું, “સાચે જ મેં પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે.” નાથાને જવાબ આપ્યો, “પ્રભુ તને ક્ષમા આપે છે, તું માર્યો જઈશ નહિ. 14 પણ પ્રભુના શત્રુઓ કરે તેમ તેં આ કૃત્યથી પ્રભુનો અત્યંત તિરસ્કાર કર્યો છે અને તેથી તારું નવજાત બાળક મરી જશે.” 15 પછી નાથાન ઘેર ગયો. ઉરિયાની પત્નીને દાવિદથી થયેલા બાળકને પ્રભુએ સખત બીમાર પાડયું. દાવિદના પુત્રનું મરણ 16 બાળક સાજું થાય તે માટે દાવિદે ઈશ્વરને પ્રાર્થના કરી. તેણે કંઈ પણ ખાવાનો ઇનકાર કર્યો. તે રાત્રે પોતાની ઓરડીમાં જતો અને જમીન પર પડી રહીને રાત પસાર કરતો. 17 તેના રાજદરબારીઓએ તેની પાસે જઈને તેને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો. પણ તેણે ઇનકાર કર્યો અને તેમની સાથે કંઇ ખાધું નહિ. 18 એક સપ્તાહ પછી બાળક મરી ગયું અને દાવિદના અધિકારીઓ તેને એ સમાચાર જણાવતાં ડરતા હતા. તેમણે કહ્યું, “બાળક જીવતું હતું ત્યારે દાવિદ આપણું કહેવું કે બોલવું માનતો કે સાંભળતો નહિ; તો તેનું બાળક મરણ પામ્યું છે એવું આપણાથી કેવી રીતે કહેવાય? તે પોતે જ પોતાને કંઈ નુક્સાન કરી બેસે તો!” 19 દાવિદ તેમને એકબીજા સાથે ગુસપુસ કરતા જોઇને સમજી ગયો કે બાળક મૃત્યુ પામ્યું છે. તેથી તેણે તેમને પૂછયું, “બાળક મરી ગયું?” તેમણે જવાબ આપ્યો, “હા, મરી ગયું.” 20 દાવિદે જમીન પરથી ઊઠીને સ્નાન કર્યું, શરીરે અત્તર ચોળ્યું અને પોતાનાં વસ્ત્ર બદલ્યાં. પછી તેણે પ્રભુના ઘરમાં જઇને ભક્તિ કરી. તેણે મહેલમાં પાછા ફરીને ભોજન માગ્યું અને તેમણે પીરસ્યું એટલે તરત તે જમ્યો. 21 તેના અધિકારીઓએ તેને કહ્યું, “આ તો અમારી સમજમાં આવતું નથી. બાળક જીવતું હતું ત્યારે તમે તેને માટે રડતા હતા અને ખાતા નહોતા. પણ તેના મૃત્યુ પછી તરત જ ઊઠીને જમ્યા?” 22 દાવિદે જવાબ આપ્યો, “હા, તે જીવતું હતું ત્યારે હું ઉપવાસ અને શોક કરતો હતો. મેં માન્યું કે કદાચ પ્રભુ મારા પર કૃપાવંત થઈને બાળકને જીવતું રાખશે. 23 પણ હવે તે મૃત્યુ પામ્યું છે તો પછી મારે શા માટે ઉપવાસ કરવો જોઈએ? શું હું તેને પાછું લાવી શકું તેમ છું? હું તેની પાસે જઈશ પણ તે મારી પાસે પાછું આવવાનું નથી.” 24 પછી દાવિદે તેની પત્ની બાથશેબાને દિલાસો આપ્યો. તેણે તેની સાથે સમાગમ કર્યો અને તેને પુત્ર જન્મ્યો. દાવિદે તેનું નામ શલોમોન પાડયું. છોકરા પર પ્રભુનો પ્રેમ હતો. 25 પ્રભુએ નાથાન સંદેશવાહક દ્વારા આપેલી સૂચના પ્રમાણે તેણે તેનું નામ યદીદયા, એટલે ‘યાહનો વહાલો’ પાડયું. રાબ્બા પર જીત ( ૧ કાળ. 20:1-3 ) 26 પછી યોઆબે આમ્મોનના પાટનગર રાબ્બા પરની ચઢાઈ ચાલુ રાખી અને તે તેને જીતી લેવાની તૈયારીમાં હતો. 27 તેણે દાવિદને અહેવાલ મોકલવા સંદેશકો મોકલ્યા: “મેં રાબ્બા પર હુમલો કરીને તેનો પાણી પુરવઠો કબજે કરી લીધો છે. 28 હવે તમારાં બાકીનાં લશ્કરીદળોની જમાવટ કરીને તમે પોતે તેનો કબજો લઈ લો, નહિ તો, જો એ નગર હું સર કરીશ તો તે મારે નામે ઓળખાશે. 29 તેથી દાવિદ પોતાનાં લશ્કરીદળોની જમાવટ કરીને રાબ્બા ગયો અને તેના પર ચઢાઈ કરીને તેને જીતી લીધું. 30 આમ્મોનીઓના રાજાના માથા પરથી દાવિદે સુવર્ણમુગટ લઈ લીધો. તેનું વજન 35 કિલોગ્રામ જેટલું હતું અને તેમાં મૂલ્યવાન રત્ન હતું. દાવિદે તે મુગટ લઈને પોતાના માથા પર મૂક્યો. 31 તેણે નગરમાં પુષ્કળ લૂંટ ચલાવી અને તે નગરના લોકોને બહાર લાવીને તેમની પાસે કરવતો, કોદાળીઓ, કુહાડીઓ વગેરેથી વેઠ કરાવી અને તેમને ઈંટવાડામાં થઈને ચલાવ્યા. આમ્મોનના સર્વ નગરોના લોકો પાસે પણ તેણે એવું કાર્ય કરાવ્યું. પછી તે અને તેના માણસો યરુશાલેમ પાછા ફર્યાં. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide