Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ શમુએલ 11 - પવિત્ર બાઇબલ C.L.


દાવિદ અને બાથશેબા

1 વસંતઋતુમાં રાજાઓ સામાન્ય રીતે યુદ્ધ કરવા જતા. તે સમયે દાવિદે યોઆબને તેના અધિકારીઓ સહિત ઇઝરાયલી સૈન્ય લઈને મોકલ્યો. તેમણે આમ્મોનીઓનો ભારે સંહાર કર્યો અને રાબ્બા નગરને ઘેરો ઘાલ્યો. પણ દાવિદ પોતે તો યરુશાલેમમાં રહ્યો.

2 એક દિવસે સાંજે દાવિદ પોતાના પલંગ પરથી ઊઠીને રાજમહેલની અટારીમાં ગયો. તે ઉપર આંટા મારતો હતો ત્યારે તેણે એક સ્ત્રીને સ્નાન કરતી જોઈ. તે ઘણી સુંદર હતી.

3 તેથી તે કોણ છે એની તપાસ કરવા તેણે સંદેશક મોકલ્યો અને તેને ખબર પડી કે તે તો એલિયામની પુત્રી, ઉરિયા હિત્તીની પત્ની બાથશેબા હતી.

4 દાવિદે તેને લઈ આવવા માણસો મોકલ્યા. તેઓ તેને દાવિદ પાસે લાવ્યા અને તેણે તેની સાથે સમાગમ કર્યો. (માસિક આવ્યા પછીની શુદ્ધિકરણની વિધિ તેણે ત્યારે જ પૂરી કરી હતી.) પછી તે ઘેર ગઈ.

5 એ સ્ત્રીને પછીથી ખબર પડી કે પોતે સગર્ભા થઈ છે અને તેણે દાવિદને તે જણાવવા સંદેશો મોકલ્યો.

6 ત્યારે દાવિદે માણસો મોકલીને યોઆબને સંદેશો પાઠવ્યો. “ઉરિયા હિત્તીને મારી પાસે મોકલ.” તેથી યોઆબે તેને દાવિદ પાસે મોકલ્યો.

7 ઉરિયા આવી પહોંચ્યો એટલે દાવિદે તેને પૂછયું, “યોઆબ અને લશ્કરી ટુકડીઓના શા હાલ છે? યુદ્ધ કેવું ચાલે છે?”

8 પછી તેણે ઉરિયાને કહ્યું, “ઘેર જઈને થોડો સમય આરામ કર.” ઉરિયા ત્યાંથી ગયો અને દાવિદે તેને ઘેર ભેટ મોકલી આપી.

9 પણ ઉરિયા ઘેર નહિ જતાં મહેલના પ્રવેશદ્વારે સંરક્ષકો સાથે સૂઈ રહ્યો.

10 દાવિદને ખબર મળી કે ઉરિયા ઘેર ગયો નથી ત્યારે તેણે તેને કહ્યું, “લાંબી મુસાફરી પછી તું હમણાં જ પાછો ફર્યો છે, તો પછી તું ઘેર કેમ ગયો નથી?”

11 ઉરિયાએ જવાબ આપ્યો, “કરારપેટી તેમ જ ઇઝરાયલ અને યહૂદિયાના માણસો રણક્ષેત્ર પર તંબૂઓમાં રહે છે. મારા સેનાપતિ યોઆબ અને તેમના લશ્કરી અમલદારો ખુલ્લા મેદાનમાં છાવણી નાખી રહે છે, તો પછી હું ઘેર જઈને કેવી રીતે ખાઉંપીઉં અને મારી પત્ની સાથે સૂઈ જાઉં? તમારા અને તમારા જીવના સમ ખાઈને કહું છું કે હું એવું કદી નહિ કરું.”

12 તેથી દાવિદે કહ્યું, “તો પછી આજનો દિવસ અહીં જ રહે અને કાલે હું તને પાછો મોકલીશ. તેથી ઉરિયા તે દિવસે અને તે પછીના દિવસે યરુશાલેમમાં જ રહ્યો.

13 દાવિદે તેને સાંજના ભોજન માટે આમંત્રણ આપ્યું. ઉરિયાએ દાવિદ સાથે ખાધુંપીધું. દાવિદે તેને ખૂબ દારૂ પીવડાવીને ચકચૂર બનાવ્યો. છતાં તે રાત્રે પણ ઉરિયા ઘેર ગયો નહિ. એને બદલે, મહેલના રક્ષકદળની ઓરડીમાં તેની પથારીમાં સૂઈ ગયો.

14 બીજે દિવસે દાવિદે યોઆબ પર પત્ર લખ્યો અને તે ઉરિયા સાથે મોકલ્યો.

15 તેણે લખ્યું હતું, “જ્યાં ઉગ્ર જંગ જામ્યો હોય ત્યાં ઉરિયાને પ્રથમ હરોળમાં રાખજો અને પછી પીછેહઠ કરી તેને મરી જવા દેશો.”

16 તેથી યોઆબ નગરની આસપાસ ઘેરો ગોઠવતો હતો ત્યારે શત્રુનું જ્યાં વધારે જોર હતું એ જગ્યાએ તેણે ઉરિયાને મોકલ્યો.

17 શત્રુનું સૈન્ય શહેરમાંથી નીકળી આવ્યું અને તેણે યોઆબના સૈન્ય પર આક્રમણ કર્યું. દાવિદના કેટલાક સૈનિકો અને ઉરિયા માર્યા ગયા.

18 પછી યોઆબે દાવિદ પર યુદ્ધનો અહેવાલ મોકલ્યો

19 અને તેણે સંદેશકને કહ્યું, “રાજાને યુદ્ધ વિષે તું બધું કહીશ,

20 ત્યારે તે તારા પર ગુસ્સે થઈને તને પૂછશે કે, ‘તમે તેમની સાથે લડવાને શહેરની એટલા નજીક કેમ ગયા? તેઓ કોટ પરથી બાણો મારશે એવી શું તમને ખબર નહોતી?

21 ગિદિયોનનો પુત્ર અબિમેલેખ કેવી રીતે માર્યો ગયો એ શું તમને યાદ નથી? થેબેઝમાં એક સ્ત્રીએ કોટ ઉપરથી ઘંટીનું ઉપલું પડ ફેંકીને તેને મારી નાખ્યો નહોતો?’ જો રાજા તને એવું પૂછે તો તેમને આટલું કહેજે: ‘તમારો સેવક ઉરિયા હિત્તી પણ મરણ પામ્યો છે.”

22 તેથી સંદેશક ઉપડયો અને દાવિદ પાસે જઈને યોઆબે આપેલી આજ્ઞા પ્રમાણે તેને બધો અહેવાલ આપ્યો.

23 તેણે કહ્યું, “આપણા શત્રુ આપણા કરતાં વિશેષ બળવાન હતા. તેઓ શહેર બહાર આવીને અમારી સાથે મેદાનમાં લડયા. પણ અમે તેમને પાછા શહેરના દરવાજામાં ધકેલી દીધા.

24 પછી તેમણે અમારા પર કોટ ઉપરથી બાણ માર્યા અને હે રાજા, તમારા કેટલાક સૈનિકો માર્યા ગયા. તમારો સેવક ઉરિયા પણ માર્યો ગયો.”

25 દાવિદે સંદેશકને કહ્યું, “યોઆબને પ્રોત્સાહન આપજે અને તેને કહેજે કે નાસીપાસ ન થાય. કારણ, લડાઈમાં કોણ મરી જશે એ કોઈ કહી શકે નહિ. તેને વધારે જબ્બર હુમલો કરીને શહેરને કબજે કરવાનું કહેજે.”

26 પોતાનો પતિ માર્યો ગયો છે એવું બાથશેબાએ જાણ્યું ત્યારે તેણે તેને માટે શોક કર્યો.

27 તેના શોકના દિવસો પૂરા થયા એટલે દાવિદે તેને મહેલમાં બોલાવી લીધી, તે તેની પત્ની થઈ અને તેણે પુત્રને જન્મ આપ્યો. દાવિદના એ કાર્યથી પ્રભુ અત્યંત નારાજ થયા.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan