૨ શમુએલ 10 - પવિત્ર બાઇબલ C.L.આમ્મોનીઓ અને અરામીઓનો પરાજય ( ૧ કાળ. 19:1-19 ) 1 થોડાએક સમય બાદ આમ્મોનનો રાજા નાહાશ મરણ પામ્યો અને તેનો પુત્ર હાનૂન રાજા બન્યો. 2 દાવિદ રાજાએ કહ્યું, “હાનૂનના પિતા નાહાશે મારા પ્રત્યે જેવો સદ્ભાવ દાખવ્યો હતો તેવો જ સદ્ભાવ હું હાનૂન પ્રત્યે દાખવીશ.” દાવિદે તેના પિતાના મૃત્યુ સંબંધી તેને દિલાસો દેવા રાજદૂત મોકલ્યા. 3 તેઓ આમ્મોનમાં આવી પહોંચ્યા એટલે આમ્મોનના રાજદરબારીઓએ રાજાને કહ્યું, “તમે એમ માનો છો કે દાવિદે તમારા પિતાના માનમાં તમારા પ્રત્યે હમદર્દી દર્શાવવા આ સંદેશકો મોકલ્યા છે? અલબત્ત, નહિ. તેણે તો તેમને નગરની જાસૂસી કરવા મોકલ્યા છે, જેથી તે આપણને જીતી લે.” 4 હાનૂને દાવિદના સંદેશકોને પકડીને તેમની દાઢી એકબાજુથી કાપી નખાવી અને કમરથી નીચેના ભાગનાં વસ્ત્ર વચ્ચોવચ્ચથી ફાડી નખાવીને તેમને મોકલી દીધા. 5 તેમને ઘેર જતાં ઘણી શરમ લાગતી હતી. એ બનાવ વિષે સાંભળીને દાવિદે તેમના પર સંદેશો મોકલ્યો કે તેઓ યરીખોમાં જ રહે અને તેમની દાઢી વધે પછી પાછા આવે. 6 આમ્મોનીઓને સમજાયું કે તેમણે દાવિદને પોતાનો શત્રુ બનાવ્યો છે અને તેથી તેમણે બેથરહોબ અને સોબામાંથી વીસ હજાર અરામી સૈનિકો, ટોબમાંથી બાર હજાર માણસો અને માખા રાજાને તેના એક હજાર માણસો સહિત ભાડે રાખ્યા. 7 દાવિદે એ સાંભળીને યોઆબને સમગ્ર સૈન્ય લઈને તેમની સામે લડવા મોકલ્યો. 8 આમ્મોનીઓ કૂચ કરી બહાર આવ્યા અને તેમની રાજધાની રાબ્બાના પ્રવેશદ્વારે મોરચો નાખ્યો, જ્યારે અરામીઓ, ટોબના માણસો અને માખાએ સીમના ખુલ્લા મેદાનમાં મોરચો નાખ્યો. 9 યોઆબે જોયું કે શત્રુની લશ્કરી ટુકડીઓ સામેથી અને પાછળથી હુમલો કરશે. તેથી ઇઝરાયલી સેનામાંથી ચુનંદા સૈનિકોને અરામીઓ સામે લડવાને ગોઠવ્યા. 10 પોતાની બાકીની લશ્કરી ટુકડીઓને તેણે પોતાના ભાઈ અબિશાયની સરદારી હેઠળ રાખી. તેમને આમ્મોનીઓની સામે લડવાના મોરચે રાખ્યા. 11 યોઆબે તેને કહ્યું, “તને એમ ખબર પડે કે અરામીઓ મને હરાવી રહ્યા છે તો તું મારી મદદે આવજે અને આમ્મોનીઓ તને હરાવતાં જણાય તો હું તારી મદદે આવીશ. 12 બળવાન થઈને હિમ્મત રાખજે. આપણે આપણા લોકો અને આપણા ઈશ્વરનાં શહેરો માટે ઉગ્ર જંગ ખેલીને શૌર્ય દાખવીએ. પછી જેવી પ્રભુની ઇચ્છા.” 13 યોઆબ અને તેના માણસોએ હુમલો કર્યો. અને અરામીઓ ભાગ્યા. 14 અરામીઓને ભાગતા જોઈને આમ્મોનીઓએ પણ અબિશાય આગળથી પીછેહઠ કરી અને નગરમાં ધૂસી ગયા. પછી યોઆબ આમ્મોનીઓ સામેની લડાઈમાંથી પાછો ફર્યો અને યરુશાલેમ ગયો. 15 અરામીઓએ જોયું કે ઇઝરાયલીઓએ તેમને હરાવ્યા છે તેથી તેમણે તેમનાં સર્વ સૈન્યો એકઠાં કર્યાં. 16 યુફ્રેટિસ નદીની પૂર્વ બાજુએથી હદાદએઝેરે અરામીઓને આમંત્રણ આપ્યું. તેઓ સોબાના રાજા હદાદએઝેરના સેનાપતિ શોબાખની આગેવાની નીચે હેલામમાં આવ્યા. 17 એ સાંભળીને દાવિદે ઇઝરાયલી લશ્કરની જમાવટ કરીને યર્દન નદી પાર ઊતરીને હેલામ તરફ કૂચ કરી. પછી અરામીઓએ આક્રમણ કર્યું. 18 ઇઝરાયલીઓએ અરામીઓને હરાવ્યા. દાવિદે અને તેના માણસોએ સાતસો સારથિઓને અને 40,000 ઘોડેસ્વારોને મારી નાખ્યા. તેમણે શત્રુઓના સેનાપતિ શોબાખને એવો માર્યો કે તે રણક્ષેત્ર પર જ મરણ પામ્યો. 19 હદાદએઝેરની સરદારી નીચેના રાજાઓએ જોયું કે ઇઝરાયલીઓએ તેમને હરાવ્યા છે ત્યારે તેમણે તેમની સાથે સલાહશાંતિ કરી. તેમને આધીન થયા પછી આમ્મોનીઓને ફરીથી મદદ કરતાં અરામીઓ ગભરાતા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide