૨ શમુએલ 1 - પવિત્ર બાઇબલ C.L.દાવિદને શાઉલના મૃત્યુની ખબર 1 શાઉલના મરણ પછી દાવિદ અમાલેકીઓ પર જીત મેળવીને પાછો આવ્યો અને બે દિવસ સિકલાગમાં રહ્યો. 2 ત્રીજે દિવસે શાઉલની છાવણીમાંથી એક યુવાન નાસી આવ્યો. પોતાનો શોક દર્શાવવાને તેણે પોતાનાં વસ્ત્ર ફાડી નાખ્યાં હતાં અને માથા પર ધૂળ નાખી હતી. તેણે દાવિદ પાસે જઈને તેને ભૂમિ સુધી શિર ટેકવીને નમન કર્યું. 3 દાવિદે તેને પૂછયું, “તું ક્યાંથી આવે છે?” તેણે જવાબ આપ્યો, “હું ઇઝરાયલની છાવણીમાંથી નાસી છૂટયો છું.” 4 દાવિદે કહ્યું, “ત્યાં શું થયું તે મને કહે.” તેણે જવાબ આપ્યો, “લોકો યુદ્ધમાંથી નાસી ગયા છે અને ઘણા માણસો માર્યા ગયા છે. શાઉલ અને યોનાથાન મરણ પામ્યા છે.” 5 દાવિદે તેને પૂછયું, “શાઉલ અને યોનાથાન માર્યા ગયા છે એની તને કેવી રીતે ખબર પડી?” 6 તેણે જવાબ આપ્યો, “સંજોગવશાત્, હું ગિલ્બોઆ પર્વત પર હતો. મેં જોયું તો શાઉલ રાજા પોતાના ભાલા પર અઢેલીને ઊભા હતા અને શત્રુના રથો અને ઘોડેસ્વારો તેમને ભીંસમાં લેવા આવી પહોંચ્યા હતા. 7 તેમણે પાછા વળીને નજર કરી અને મને જોઈને બોલાવ્યો. મેં કહ્યું, ‘જી’. 8 તેમણે પૂછયું, ‘તું કોણ છે?’ અને મેં તેમને કહ્યું, ‘હું અમાલેકી છું.’ 9 પછી તેમણે કહ્યું, ‘અહીં મારી પાસે આવીને મને મારી નાખ. હું ખૂબ ગંભીર રીતે ઘવાયો છું અને મરવાની અણી પર છું.’ 10 તેથી તેમની પાસે જઈને મેં તેમને મારી નાખ્યા. કારણ, હું જાણતો હતો કે તે પડીને મરી જશે. પછી મેં તેમના માથા પરથી મુગટ અને હાથ પરથી કડાં ઉતારી લીધાં અને હવે આપની સમક્ષ તે લાવ્યો છું.” 11 દાવિદે શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં. તેના બધા માણસોએ પણ તેમજ કર્યું. 12 શાઉલ તથા યોનાથાન માટે, ઇઝરાયલ માટે અને પ્રભુના લોકો માટે દુ:ખી થઈને તેઓ શોક તથા વિલાપ કરવા લાગ્યા અને સાંજ સુધી ઉપવાસ કર્યો. કારણ, લડાઈમાં ઘણા લોકો માર્યા ગયા હતા. 13 દાવિદે તેની પાસે સંદેશો લાવનાર પેલા યુવાનને પૂછયું, “તું ક્યાંનો છે?” તેણે જવાબ આપ્યો, “હું પરપ્રજાનો અમાલેકી છું, પણ તમારા દેશમાં રહું છું.” 14 દાવિદે તેને પૂછયું, “પ્રભુએ પસંદ કરાયેલ રાજાને મારી નાખવાની તેં હિંમત કેમ કરી?” 15 પછી દાવિદે પોતાના એક માણસને બોલાવીને કહ્યું, “એને મારી નાખ.” તેણે પેલા અમાલેકીને માર્યો કે તે મરી ગયો. 16 દાવિદે અમાલેકીને ઉદ્દેશીને કહ્યું, “તારા મરણની જવાબદારી તારે શિર. પ્રભુને પસંદ કરેલા અભિષિક્ત રાજાને તેં મારી નાખ્યો છે એવી કબૂલાત કરીને તેં પોતાને દોષિત ઠરાવ્યો છે.” દાવિદનો વિલાપ 17 દાવિદે શાઉલ અને તેના પુત્ર યોનાથાન માટે મૃત્યુગીત ગાયું. 18 અને યહૂદાના લોકોને એ શીખવવાનો આદેશ આપ્યો. (યાશારના પુસ્તકમાં એ લખેલું છે.) 19 “હે ઇઝરાયલ, તારા પર્વતો પર તારા ગૌરવરૂપ આગેવાનો મૃત્યુ પામ્યા છે, તારા શૂરવીરો મૃત્યુને ભેટયા છે. 20 ગાથમાં તે કહેશો નહિ કે આશ્કલોનની શેરીઓમાં એ જાહેર કરશો નહિ; નહિ તો પલિસ્તીયા દેશની સ્ત્રીઓ આનંદ કરશે અને પરપ્રજાની પુત્રીઓ ખુશ થશે. 21 ગિલ્બોઆના પર્વતો, તમારા પર વરસાદ કે ઝાકળ ન પડો. કારણ, તમારા રક્ષક્ષેત્ર પર લોહી રેડાયું છે. ત્યાં શૂરવીરોની ઢાલો ધૂળમાં રગદોળાઈને ઝાંખી પડી છે, શાઉલની ઢાલ પણ હવે તેલથી ચમક્તી નથી. 22 પુષ્ટ યોદ્ધાઓને વીંધવામાં યોનાથાનનું તીર પાછું પડતું નહિ; દુશ્મનોનું લોહી રેડવાને શાઉલની તરવારનો ઘા ખાલી જતો નહિ.” 23 “શાઉલ અને યોનાથાન પ્રિય અને મનોહર હતા, જીવતા હતા ત્યારે સાથે હતા અને મરતી વખતે પણ સાથે રહ્યા. તેઓ ગરુડ કરતાં વિશેષ વેગવાન અને સિંહ કરતાં બળવાન હતા.” 24 “અરે, ઇઝરાયલની પુત્રીઓ, શાઉલ માટે વિલાપ કરો, તેણે તમને કિંમતી રાજવી વસ્ત્ર પહેરાવ્યાં; તેણે તમને સુવર્ણ અલંકારોથી સોહાવી. 25 શૂરવીરો મૃત્યુને ભેટયા છે. હે યોનાથાન, તારા જ પર્વત પર તારો સંહાર થયો છે. 26 ઓ યોનાથાન, મારા ભાઈ, તારે લીધે મને અત્યંત વેદના થાય છે. તું મને કેટલો પ્રિય હતો. મારા પ્રત્યેનો તારો પ્રેમ કેવો અદ્ભુત હતો; સ્ત્રીઓના પ્રેમ કરતાં પણ તે વિશેષ હતો. 27 શૂરવીરો મૃત્યુને ભેટયા છે, તેમનાં શસ્ત્રોનો કેવો વિનાશ થયો છે?” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide