2 પિતર 3 - પવિત્ર બાઇબલ C.L.પ્રભુના આગમનનું વચન 1 પ્રિયજનો, હવે આ બીજો પત્ર પણ હું તમને લખું છું. આ બંને પત્રોમાં તમને આ બાબતોની યાદ દેવડાવીને મેં તમારા મનમાં શુદ્ધ વિચારો ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કર્યો છે. 2 ઘણા સમય પહેલાં પવિત્ર સંદેશવાહકોની મારફતે જે વચનો જણાવવામાં આવ્યાં તે અને તમારા પ્રેષિતોની મારફતે આપવામાં આવેલી આપણા પ્રભુ અને ઉદ્ધારકની આજ્ઞા તમે યાદ કરો એવું હું ચાહું છું. 3 સૌ પ્રથમ તો તમારે જાણવું જોઈએ કે અંતના દિવસોમાં પોતાની દુર્વાસના પ્રમાણે ચાલનારા કેટલાક લોકો ઊભા થશે. તેઓ તમારી મજાક ઉડાવશે અને કહેશે, 4 “તેના આગમનના વચનનું શું થયું? અમારા પૂર્વજો ય મરી ગયા તો પણ દુનિયાના સરજન વખતે જેવી પરિસ્થિતિ હતી તેવી ને તેવી જ છે.” 5 તેઓ જાણી જોઈને આ સત્ય ભૂલી જાય છે કે ઘણા સમય પહેલાં ઈશ્વરની આજ્ઞાથી આકાશ અને પૃથ્વીનું સરજન કરવામાં આવ્યું હતું. પૃથ્વી પાણીમાંથી નીકળી આવી હતી અને પાણીમાં ધરી રખાઈ હતી. 6 અને જળપ્રલયના પાણીથી તેનો નાશ કરવામાં આવ્યો હતો. 7 હાલમાં અસ્તિત્વ ધરાવતાં આકાશ અને પૃથ્વીને પણ તેમનો અગ્નિથી નાશ થાય તે માટે એ જ ઈશ્વરની આજ્ઞા વડે નિભાવી રાખવામાં આવ્યાં છે; નાસ્તિકોને પણ તેમનો ન્યાય કરવામાં આવે અને તેમનો નાશ થાય તે દિવસને માટે રાખી મૂકવામાં આવ્યા છે. 8 પણ પ્રિયજનો, આ એક વાત ભૂલી જશો નહિ. પ્રભુની દૃષ્ટિમાં એક દિવસ એક હજાર વર્ષ જેવો છે અને હજાર વર્ષ એક દિવસ જેવાં છે. તેમને મન તો બંને સરખાં છે. 9 કેટલાક માને છે તેમ પ્રભુ પોતે આપેલું વચન પૂર્ણ કરવામાં વિલંબ કરતા નથી. એને બદલે, તે તમારા પ્રત્યે ધીરજ રાખે છે. કારણ, કોઈનો ય નાશ થાય એવું તે ઇચ્છતા નથી, પણ બધા પોતાનાં પાપથી પાછાં ફરે એવું તે ઇચ્છે છે. 10 પ્રભુના આગમનનો દિવસ તો ચોરની જેમ આવશે. તે દિવસે આકાશ મોટા કડાકા સાથે અદૃશ્ય થઈ જશે અને આકાશી મંડળો અગ્નિમાં બળી જશે અને પૃથ્વીનું સર્વસ્વ બળીને ખાખ થઈ જશે. 11 આ રીતે આ બધી વસ્તુઓનો નાશ થવાનો હોવાથી તમારાં જીવનો કેવાં પવિત્ર અને ઈશ્વરને અર્પિત હોવાં જોઈએ? 12 કારણ, એ રીતે ઈશ્વરના એ દિવસની રાહ જોતાં તમે એ જલદી આવે તેમ કરો છો. એ દિવસે આકાશ અગ્નિથી બળીને અદૃશ્ય થઈ જશે અને આકાશી મંડળો ગરમીથી પીગળી જશે. 13 છતાં આપણે તો ઈશ્વરે આપેલા વચન પ્રમાણે નવું આકાશ અને જેમાં ન્યાયીપણાનો વાસ છે તે નવી પૃથ્વીની રાહ જોઈએ છીએ. 14 તેથી પ્રિયજનો, એ દિવસની રાહ જોતાં ઈશ્વરની દૃષ્ટિમાં શુદ્ધ અને કલંકરહિત થવાને તમારાથી બનતું બધું કરો અને તેમની સાથે શાંતિમાં રહો. 15 આપણા પ્રભુની ધીરજને ઉદ્ધારની તક માનો. આપણા પ્રિય ભાઈ પાઉલે પણ તેને મળેલા ઈશ્વરના જ્ઞાનનો ઉપયોગ કરીને એવું જ લખ્યું છે. 16 આ વિષયની છણાવટ કરતા બધા પત્રોમાં તેણે એ જ કહેલું છે. તેના પત્રોમાં કેટલીક બાબતો એવી છે કે જે સમજવી મુશ્કેલ છે અને અજ્ઞાન અને અસ્થિર માણસો, શાસ્ત્રના બીજા પાઠો વિષે કરે છે તેમ તેમનો પણ મારીમચડીને ખોટો અર્થ કરે છે અને એમ પોતાનો વિનાશ વહોરી લે છે. 17 પ્રિયજનો, તમને આ બધી ખબર છે તેથી સાવધ રહો, જેથી તમે નીતિભ્રષ્ટ લોકોની ભૂલથી ભરમાઈ ન જાઓ અને તમારી સલામત સ્થિતિથી દૂર ચાલ્યા ન જાઓ. 18 પણ તમે આપણા પ્રભુ અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનાં કૃપા અને જ્ઞાનમાં સતત વૃદ્ધિ પામતા જાઓ. હમણાં અને સદાસર્વકાળ તેમનો જ મહિમા થાઓ. આમીન. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide