Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 પિતર 2 - પવિત્ર બાઇબલ C.L.


જૂઠા શિક્ષકો

1 ભૂતકાળમાં લોકો મયે જૂઠા સંદેશવાહકો ઊભા થયા હતા, અને તમારી મયે પણ તે જ પ્રમાણે જૂઠા શિક્ષકો ઊભા થશે. તેઓ વિનાશકારક જૂઠા સિદ્ધાંતો શીખવશે, તેમનો ઉદ્ધાર કરનાર પ્રભુનો નકાર કરશે

2 અને પોતા પર અચાનક વિનાશ વહોરી લેશે. તેમના અનૈતિક માર્ગે ઘણા ચાલશે અને તેમનાં કાર્યોને લીધે લોકો સત્યના માર્ગ વિષે ભૂંડું બોલશે.

3 આ જૂઠા શિક્ષકો લોભી છે અને બનાવટી વાતો જણાવીને તમારો લાભ ઉઠાવશે. તેમના ન્યાયાધીશે ઘણા લાંબા સમયથી તેમનો ન્યાય તોળી નાખ્યો છે અને તેમનો નાશ કરનાર સતત જાગ્રત છે.

4 જે દૂતોએ પાપ કર્યું તેમને ઈશ્વરે છોડયા નહિ પણ ન્યાયના દિવસ સુધી તેમને અંધકારમય ખાડામાં સાંકળોથી બાંધી રાખ્યા છે.

5 પ્રાચીન દુનિયાને પણ ઈશ્વરે છોડી નહિ, પણ નાસ્તિક લોકોની દુનિયા પર જળપ્રલય મોકલ્યો. ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં કેવી રીતે આવી શકાય તેનો ઉપદેશ કરનાર નૂહ અને તેની સાથે બીજા સાત માણસોને તેમણે બચાવ્યાં.

6 ઈશ્વરે સદોમ ને ગમોરા શહેરને દોષિત ઠરાવીને તેમનો અગ્નિથી નાશ કર્યો અને નાસ્તિકોની કેવી દશા થશે તેના ઉદાહરણરૂપ તેમને બનાવ્યાં.

7 લોત સારો માણસ હતો; છતાં દુષ્ટ માણસોએ તેમના દુરાચારથી તેને હેરાન કર્યો હતો; પણ ઈશ્વરે તેનો બચાવ કર્યો.

8 એ સારો માણસ તેમની મયે વસતો હતો

9 અને દરરોજ એ લોકોના ભૂંડા વર્તનથી તેનું હૃદય દુ:ખી થતું હતું.

10 આમ પોતાના લોકને નાશથી બચાવવા અને દુષ્ટોને અને તેમાં પણ ખાસ કરીને પોતાની શારીરિક વાસનાઓ પ્રમાણે ચાલનાર અને દૈવી સત્તાનો ઇનકાર કરનાર લોકને, ન્યાયના દિવસ સુધી સજાને માટે રાખી મૂકવાનું ઈશ્વર જાણે છે. આ જૂઠા શિક્ષકો સ્વછંદી અને ઉદ્ધત છે તથા દૂતોને માન આપવાને બદલે તેમનું અપમાન કરે છે.

11 પણ દૂતો તો, આ જૂઠા શિક્ષકો કરતાં વિશેષ બળવાન અને પરાક્રમી હોવા છતાં તેઓ પ્રભુની હાજરીમાં અપમાનજનક શબ્દોમાં દોષારોપણ કરતા નથી.

12 આ જૂઠા શિક્ષકો તો સાહજિક વૃત્તિથી પ્રેરાનાર અને શિકારનો ભોગ થઈ પડનાર વન્ય પ્રાણીઓ જેવા છે.

13 જે બાબતો તેઓ સમજતા નથી તેની તેઓ નિંદા કરે છે. જંગલી પ્રાણીઓની માફક તેઓ માર્યા જશે અને બીજાને દુ:ખ દેવા બદલ તેમણે દુ:ખ ભોગવવું પડશે. તેઓ ધોળે દહાડે ભોગવિલાસમાં મગ્ન રહે છે. તમારી સાથે ભોજન લેતી વખતે તેઓ કલંક અને ડાઘરૂપ છે, અને તે સમયે પણ તેઓ ભોગમગ્ન હોય છે.

14 તેમની આંખો વાસનાથી ભરેલી છે, અને પાપ કરતાં ધરાતી નથી. તેઓ નબળા મનના માણસોને સકંજામાં સપડાવે છે. તેમનાં હૃદયો લોભથી રીઢાં થઈ ગયાં છે. તેઓ ઈશ્વરના શાપ નીચે છે.

15 સીધો માર્ગ તજી દઈને તેઓ ખોટે માર્ગે ચઢી ગયા છે. તેઓ બેઓરના પુત્ર બલઆમનો માર્ગ અનુસર્યા છે.

16 બલઆમે તો પાપને લીધે ઠપકો મળ્યો હોવા છતાં ખોટું કરવાથી મળનાર પૈસા પર પ્રેમ રાખ્યો. એક મૂંગા ગધેડાએ માનવીની ભાષા બોલીને એ સંદેશવાહકને તેના મૂર્ખ કૃત્યથી અટકાવ્યો હતો.

17 આ માણસો સુકાઈ ગયેલા ઝરા જેવા, અને પવનથી ઘસડાતાં વાદળ જેવા છે. ઈશ્વરે તેમને માટે ઊંડા પાતાળમાં ઘોર અંધકાર તૈયાર કરેલો છે.

18 ભ્રમણામાં પડેલા માણસોમાંથી નાસી છૂટવાની જેમણે હજી હમણાં જ શરૂઆત કરી છે તેવા લોકોને સપડાવવાને તેઓ શારીરિક દુર્વાસનાઓનો ઉપયોગ કરે છે.

19 તેઓ સ્વતંત્ર બનાવવાનું વચન આપે છે, પણ પોતે ભ્રષ્ટાચારના ગુલામ છે. કારણ, માનવી તેના પર સત્તા જમાવનાર હરેક બાબતનો ગુલામ છે.

20 આપણા પ્રભુ અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તની ઓળખને લીધે જેઓ આ દુનિયાનાં ભ્રષ્ટાચારી બળોથી નાસી છૂટયા અને ત્યાર પછી ફરી તેમાં ફસાઈને તેમનાથી હારી ગયા તેવા માણસોની અંતની દશા તેમની શરૂઆતની દશા કરતાં વધારે ખરાબ થશે.

21 ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવવાનો માર્ગ એકવાર જાણ્યા પછી તેમને આપવામાં આવેલી પવિત્ર આજ્ઞાથી તેઓ ફરી જાય તે કરતાં તેમણે એ માર્ગ કદી જાણ્યો જ ન હોત તો તે તેમને માટે વધુ સારું થાત.

22 તેમની બાબતમાં પેલી કહેવત સાચી પડી કે, કૂતરું પોતાની ઊલટી ખાવા પાછું જાય છે અને ધોઈને સાફ કરેલું ભૂંડ ક્દવમાં આળોટવા માટે પાછું જાય છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan